ભરૂચ(Bharuch): ભરૂચની વાગરા જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીની અંદર એક યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઉપરી અધિકારી દ્વારા અપાતા માનસિક ત્રાસથી કંટાળી કર્મચારીએ આપઘાત કર્યો હોવાની હકીકત બહાર આવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચની વાગરા (Vaghra) વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસિમ સેલ્યુલોઝ ફાઈબર (Birla Grasim Cellulose Fibre) કંપનીમાં તવરા ગામનો યુવક રાજેશ ગોહિલ ઓક્ઝિલરી વિભાગમાં કામ કરતો હતો. રાજેશ ગોહિલ રવિવારે કંપનીમાં કામ પર હતો ત્યારે કેન્ટીનની પાછળના ભાગમાં આવેલા એક રૂમમાં ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી દીધી હતી. ઘટનાની જાણ થતા વાગરા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહનો પીએમ અર્થે મોકલી આપ્યો હતો.
- ઉપરી અધિકારીના માનસિક ત્રાસથી કંટાળી યુવાન કર્મચારીએ કંપનીમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો
- કર્મચારીના મૃતદેહ પાસેથી પોલીને 3 પાનાંની સુસાઇડ નોટ મળી
મૃતક કર્મચારી રાજેશ ગોહિલ પાસેથી ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે, મંજીત સરના ત્રાસથી પોતે ફાંસો ખાવાનું પગલું ભરી રહ્યો છે. પોલીસને જે સુસાઈડ નોટ મળી આવી છે તેના મુખ્ય અંશો નીચે મુજબ છે. ‘આપણી કંપનીના ઓક્ઝિલરી ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરવા સાથે કંપનીના અનેક કામ કરૂં છું. તેમ છતાં મંજીત સાહેબ મને રોજ કામગીરી બાબતે બોલી માનસિક રીતે હેરાન પરેશાન કરે છે.
મને રોજબરોજ નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી માનસિક રીતે ટોર્ચર કરી ખોટા ખોટા લેટર આપવાની ધમકી આપતા હતા. મારી પાસે આટલો બધો વર્ક લોડ હોવાના કારણે કામગીરીમાં મોડું થાય તો પણ ગમે તેમ બોલી અપશબ્દો ઉચ્ચારતા હતા. સેફટી બાયપાસ કરાવીને કામગીરી કરવા મજબૂર કરતા હતા. જયારે અમૂક વખતે ના પાડું તો પણ મને હેરાન પરેશાન કરતા હતા.
મને ટોર્ચરીંગ કરતા હોવા છતાંય મારે નોકરીની જરૂર હોય બધું જ ટોર્ચરીંગ સહન કરું છું. જેથી કંપનીના તમામ અધિકારીઓને જણાવવાનું કે, મંજીત સાહેબ સામે એક્શન લેજો. જેથી તેનાથી કંટાળી બીજો કોઈ મારા જેમ આવું પગલું ભરે નહીં. મંજીત સર તમે જે મારી સાથે કર્યું તે બહુ ખોટું કર્યું છે. મને દિલમાં ખુબ લાગી આવ્યું છે.
સાચ્ચે યાર આટલું બધું ટોર્ચરીંગ ના હોય શકે. માણસનો વિચાર કરવો જોઈએ. મારે તમારા આવા શોષણથી આવું પગલું ભરવાનો સમય આવી ગયો છે. આજે તમે મારા દિવસ કેવા લાવી દીધા કે મારે મારી ફેમીલી વિખુટા પડવાનો સમય આવી ગયો છે. આવી સુસાઈડ નોટ લખીને અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.