Dakshin Gujarat

‘છાવા’ ફિલ્મમાં હીરો વિકી કૌશલને બાંધી દેવાથી ઇમોશનલ થયેલા નશાખોરે સ્ક્રીનનો પડદો ચીરી નાંખ્યો

ભરૂચ: ભરૂચના બ્લ્યુશીપ કોમ્પલેક્ષમાં આર.કે સિનેમા ટોકીઝમાં રવિવારે રાત્રે ચાલુ શોમાં નશાખોર યુવકે સ્ક્રીન પર જઈને પડદો ફાડી નાંખવાની વિચિત્ર ઘટના સામે આવી છે. ટોકીઝમાં બોલિવૂડ ફિલ્મ ‘છાવા’નો શો ચાલી રહ્યો હતો, ત્યારે એક યુવકે અચાનક હોબાળો મચાવ્યો હતો. ઈમોશનલ થઈને હીરો વિકી કૌશલને બાંધી દેવાતા ક્રોધે ભરાઈને દારૂ પીધેલા યુવકે પડદો ફાડી નાંખ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જયેશ મોહનભાઈ વસાવા નામનો યુવક ફિલ્મ જોવા આવ્યો હતો. ચાલુ ફિલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો હતો અને સ્ક્રીનના સ્ટેજ પર ચઢી ગયો હતો. થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરવા છતાં યુવકે કોઈનું સાંભળ્યું નહિ અને આખરે પડદો ફાડવાનું ચાલુ રાખ્યું હતું.

આ મામલે થિયેટરના મેનેજરે ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં જ પોલીસે સ્થળ પર પહોંચી જયેશ વસાવાની અટકાયત કરી હતી. ત્યારબાદ તેની સામે નશો કરવા બાબતે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ ફિલ્મમાં ઇમોશનલ સીન આવતા તે ભાવુક થઈ ગયો હતો અને તેણે થિયેટરનો પડદો ફાડ્યો હતો. આ ઘટનાથી સિનેમાઘરમાં હાજર પ્રેક્ષકો ચોંકી ઉંઠ્યા હતા અને ફિલ્મની ટિકિટનાં પૈસા માથે પડ્યા હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે થિયેટર દ્વારા પડદા ચીરવાના નુકસાન અંગે ફરિયાદ નોંધાવીને વધુ કાર્યવાહી કરશે.

ભરૂચ સિનેમાઘરોને નશાખોરોનું ગ્રહણ! એક અઠવાડિયામાં ટોકિઝમાં જ ઉત્પાત
ભરૂચ સિનેમાઘરોને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ નશાખોરોની એક જ અઠવાડિયામાં બે ઘટના બની છે. 11મી ફેબ્રુઆરીએ ભરૂચ ગોલ્ડ સિનેમામાં ત્રણ અજાણ્યા ઈસમ બિયરની બોટલો લઈને અંદર ઘૂસી ગયા બાદ સિક્યુરીટી ગાર્ડ સહિત મેનેજમેન્ટ કરનારા સાથે ઉત્પાત મચાવતા નશાખોરો સામે ગુનો નોંધાયો હતો. આ ઘટનાને છ દિવસ માંડ પુરા થયા છે ત્યાં 16મી ફેબ્રુઆરીએ ભરૂચ આર.કે. સિનેમાઘરમાં બોલીવુડની ફિલ્મ વખતે વધુ એક નશાખોરે સ્ક્રીન પર જઈને આખો પડદો ફાડી નાંખ્યાની ઘટના બની છે.

Most Popular

To Top