Comments

વસ્તીની રચના સમજવાનો પ્રયાસ

વિશ્વભરમાં વસ્તીની રચનામાં  ધાર્મિક ઘટકો  કઈ રીતે બદલાયાં  છે એનું વિશ્લેષણ કરતો એક રિપોર્ટ પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર સમિતિ તરફથી તાજેતરમાં બહાર આવ્યો. આ રિપોર્ટ ભારત સહિત વિશ્વના 167 દેશોનું 1950 થી 2015 સુધીનું વિશ્લેષણ કરે છે, જેનો હેતુ  લઘુમતી સમાજની બદલાતી સંખ્યા પ્રમાણે સમજવાનો છે, જે માટે માહિતીના અભાવે આંકડા બહુમતી સમાજની વસ્તીના લેવાયા છે.

બદલાવ પાછળનાં કારણોની ચર્ચા કરવામાં આવી નથી. આ રિપોર્ટે પાછી ચર્ચા  ચગાવી કારણ કે લોકસભા ચૂંટણીની પ્રક્રિયાની મધ્યે જાહેર થયેલ આ રિપોર્ટના ભારત અંગેનાં તારણ કહે છે કે 1950થી 2011 સુધી હિન્દુ વસ્તીનું પ્રમાણ 84.68 ટકાથી ઘટીને 78.06 ટકા થયું છે. આ  6.61 ટકાના ઘટાડાનો દર ગણીએ તો એ 7.8 ટકા થાય. એની સામે મુસ્લિમ સમુદાયની વસ્તી કુલ વસ્તીના 9.84 ટકાથી વધીને 14.09 ટકા થઈ છે, એટલે કે 4.25 ટકા વધારો છે. આ વધારાના દરને ટકાવારીમાં સમજાવીએ તો એ 43.15 ટકા થાય. બસ, મિડિયાએ માત્ર આ એક આંકડાને ચગાવ્યો અને ગાડી આડા પાટે ચડી ગઈ (કે પછી જાણી જોઈને આડા પાટે ચડાવવામાં આવી).

અહીં બે મુદ્દા સમજવા જેવા છે. એક, ટકાવારી એક તુલનાત્મક આંકડો છે. તુલના માટેનો પાયાનો આંકડો જેટલો નીચો એટલી ટકાવારી ઊંચી. દા.ત. કોઈ સમુદાયની સંખ્યા એકમાંથી વધીને બે થાય તો એ સો ટકાનો વધારો ગણાય, પણ જો દસમાંથી વધીને અગિયાર થઈ તો દસ ટકા અને સો માંથી વધીને એકસો એક થઈ તો માત્ર એક ટકાનો વધારો થયો કહેવાય. ત્રણેય કિસ્સામાં કુલ સંખ્યામાં તો એકનો જ વધારો છે. કહેવાનો મતલબ એ છે કે લઘુમતી કોમની વસ્તી ચોક્કસ વધી જ છે, પણ 43 ટકાનો આંકડો જેટલો ભયાવહ લાગે છે એટલો છે નહીં.  આ જ પદ્ધતિ પ્રમાણે બૌધ્ધધર્મીઓનું પ્રમાણ કુલ વસ્તીના 0.05 ટકાથી વધીને 0.81 ટકા થયું છે એટલે કે 1,520 ટકા. પારસીને છોડીને દરેક લઘુમતી સમુદાયની વસ્તી ભારતમાં વધી છે.

બીજો મુદ્દો જે ટી.વી. ડિબેટમાં તેમજ રાજનેતાઓ દ્વારા ઓછો ચર્ચાય છે તે એ કે 1992 થી લઈ ને 2019ના પ્રજનન દરના આંકડા. 2011 પછી વસ્તી ગણતરી થઈ નથી, પણ આપણી પાસે નેશનલ ફેમિલી હેલ્થના આંકડા છે, જે બતાવે છે કે છેલ્લા બે દાયકામાં ભારતમાં પ્રજનનનો દર 41 ટકાના દરે ઘટ્યો છે. મુસ્લિમ સ્ત્રીઓમાં 45 ટકાના દરે અને હિન્દુ સ્ત્રીઓમાં 42 ટકાના દરે ઘટ્યો છે. એટલે કે મુસ્લિમ સમુદાયમાં પ્રજનન દર સૌથી ઝડપથી ઘટી રહ્યો છે. દા.ત. ઉત્તર પ્રદેશ અને બિહારમાં હિન્દુ તેમજ મુસ્લિમ સ્ત્રીનો પ્રજનન દર કેરલાની મુસ્લિમ સ્ત્રી કરતાં વધારે છે.

આમાં આશ્ચર્ય પામવાને કોઈ કારણ નથી. આ પાછળ જૂનાં અને જાણીતાં કારણો જ કામ કરે છે – જેમ કે કૌટુંબિક આવકમાં વધારો, સ્ત્રીશિક્ષણમાં વધારો, સુધરેલી આરોગ્યની સુવિધા. કોઈ પણ સમાજની વ્યક્તિ પોતાના કુટુંબ માટે આર્થિક પ્રગતિ ઈચ્છે છે, જે માટે ઓછાં બાળકો સાથે સારા જીવનની શક્યતા જુએ છે. દરેક સમાજમાં એવાં રડ્યાંખડયાં લોકો છે, જેઓ ધર્મ કે કોમના નામે વધુ બાળકો રાખવાની હિમાયત કરતાં હોય. પણ, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ સાથે લોકો જ એવાં તત્ત્વોને જાકારો આપતાં હોય છે.  જેટલી ઝડપથી આર્થિક વૃધ્ધિનાં ફળ તળિયે રહેલાં લોકો સુધી પહોંચશે એટલી ઝડપથી વસ્તીવધારાનો પ્રશ્ન કાબૂમાં આવશે. 

લઘુમતી વસ્તી વધવાનું બીજું કારણ સ્થાળાંતર છે. વિશ્વમાં જ્યાં જ્યાં રાજકીય અસ્થિરતા છે ત્યાંથી લોકો સ્થિર અને સમૃધ્ધ દેશોમાં ગયા છે. આની અસર અમેરિકા અને યુરોપમાં પણ વ્યાપક સ્તરે દેખાય છે. મુખ્યત્વે આ સ્થળાંતર મધ્ય એશિયાના દેશોમાંથી વિશ્વના બીજા હિસ્સામાં થયું છે. ભારતની વાત કરીએ તો પાડોશી દેશોમાં જ્યારે જ્યારે અસ્થિરતા આવી છે ત્યારે લોકોએ ભારતમાં શરણ લીધું છે. ભારત આર્થિક રીતે વિકાસશીલ દેશ હોવા છતાં લઘુમતીને રક્ષણ આપવાની વાતે વિકસિત દેશોની હરોળમાં આવે છે. વિવિધતામાં સમાનતાનાં મૂલ્યો દેશને આપણા બંધારણમાંથી મળ્યા છે. અહીં, એ પણ યાદ રાખવું જોઈએ કે મધ્ય એશિયાના દેશોમાં – અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ – 1950 પછી ઊભી થયેલી રાજકીય અસ્થિરતા, અરાજકતા અને ધાર્મિક કટ્ટરતા પાછળ ખનિજ તેલનું આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ એટલું જ જવાબદાર છે, જેટલા તેમના આંતરિક સંઘર્ષો.

મ્યાનમારથી આવેલા રોહીંગ્યાનો પ્રશ્ન જુદો છે. અહીંથી પ્રતાડિત રોહીંગ્યા મુખ્યત્વે બાંગલા દેશમાં અને પછી ભારત સહિત બધા પાડોશી દેશોમાં શરણ લીધું છે. યાદ રહે, મ્યાનમારમાં બહુમતી બૌધ્ધ ધર્મની છે. તો શું જેમ આ રિપોર્ટ કહેવા માંગે છે કે ભારતમાં લઘુમતી સમુદાયો ફૂલ્યા-ફાલ્યા છે એવું કહી શકાય? આ રિપોર્ટ પાસે 2011 સુધીના જ આંકડા છે. લઘુમતી પ્રતાડના ભારતમાં ક્રુડ સ્વરૂપે નથી. પણ, આર્થિક, સામાજિક અને રાજકીય માપદંડ પર લઘુમતી કોમો સૌથી પાછળ ચાલે છે એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. વસ્તીની બદલાતી રચનાને સમજવા અને ભવિષ્યની નીતિ ઘડવા આ પરિબળોને ધ્યાનમાં લેવાં પડશે. માત્ર હિન્દુ-મુસ્લિમ કાર્ડ રમવાથી નહીં ચાલે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top