ગુજરાત સરકાર દ્વારા 2019માં સહકારી કાયદામાં સુધારો કરી સુગર મિલોને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં મૂકવામાં આવી હતી. જેને સુગર ફેક્ટરીના સભાસદોએ હાઇકોર્ટમાં પડકારતાં શુક્રવારના રોજ થયેલી સુનાવણીમાં હાઇકોર્ટે આ સુધારાને રદબાતલ ઠેરવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં કુલ 27 ખાંડ ઉત્પાદક સહકારી મંડળી છે. જેમાં લગભગ 4.5 લાખ સભાસદો છે. ખાંડ ઉત્પાદનની પ્રવૃત્તિ સાથે 5.5 લાખ લોકો આડકતરી રીતે સંકળાયેલા છે. ગુજરાત રાજ્યમાં ખાંડ ઉત્પાદનનું વાર્ષિક ટર્ન ઓવર લગભગ 4000 કરોડ રૂપિયા છે. ખાંડ ઉત્પાદન સહકારી મંડળી ખાંડ સહકારી મંડળીઓની અગત્યતા સમજી અને રાજ્ય સરકારે 1982માં ખાંડ ઉત્પાદન સહકારી મંડળીઓને પ્રાથમિક મંડળીમાંથી નિર્દિષ્ટ મંડળીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ 2019માં સરકાર સધારો કરી સુગર ફેક્ટરીઓને પ્રાથમિક મંડળીમાં મૂકી દેવામાં આવી હતી. જેનો સભાસદોમાં વિરોધ હતો. કેટલાક સભાસદોએ આ સુધારાને કોર્ટમાં પડકાર્યો હતો.
દર પાંચ વર્ષે આ ખાંડ ઉત્પાદક મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી થતી હોય છે. આ ચૂંટણી ૧૯૮૨થી રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં કરેલ સુધારાને કારણે જે તે જિલ્લાના કલેકટર દ્વારા કરવામાં આવતી હતી. કલેકટર આ ચૂંટણીની કામગીરી કરવા ડેપ્યુટી કલેકટર ને ચૂંટણી અધિકારી તરીકે નીમતા હતા. ડેપ્યુટી કલેક્ટર ચૂંટણી અધિકારી તરીકે કાર્યવાહી કરતા હોય ચૂંટણીમાં તટસ્થતા અને નિષ્પક્ષતાનું તત્ત્વ રહેતું હતું. નિર્દેશ મંડળીમાં સમાવેશ કરવાના કારણે આ સહકારી મંડળીઓના કામની પારદર્શકતામાં વધારો થયો હતો.
તેમાં મુખ્યત્વે આ મંડળીઓની ચૂંટણી મંડળી દ્વારા પોતે નહીં પરંતુ જિલ્લાના કલેક્ટર દ્વારા કરવામાં આવતી હતી. ચેરમેનની મુદત 2.5 વર્ષની હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 3.8.2019ના રોજ સહકાર કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં ઉમેરવામાં આવી હતી. આ સુધારાને કારણે સહકારી કાયદાની કલમ 74 (c)(1)(v)ને રદ કરી જે કલમ દ્વારા ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરવામાં આવેલ હતી.
રાજ્ય વિધાનસભાના આ પ્રકારના સુધારાથી ખાંડ સહકારી મંડળીઓમાં જો નવો સુધારેલો કાયદો અમલમાં રહે તો તેના બોર્ડની ચૂંટણી કલેકટર દ્વારા નહીં પરંતુ પરંતુ બોર્ડ દ્વારા પોતાના નિમાયેલા ચૂંટણી અધિકારી દ્વારા થાય. જેના પરિણામે ઘણી ગેરરીતિઓ, પક્ષપાત અને ભેદભાવની સંભાવના રહે છે. રાજ્ય સરકારના આ સુધારાને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તેમના વકીલ તરીકે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અર્ચિત જાની અને અમિત બારોટ ઉપસ્થિત દલીલો કરવામાં આવી હતી.
આ અરજીમાં અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, વિધાનસભાનો આ કાયદો ગેરકાયદે, આપખુદશાહીવાળો તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી કરવાના સિદ્ધાંતની અને સહકારી કાયદાના સિદ્ધાંતની વિરુદ્ધનો છે. આથી તેને રદ કરવો જોઈએ. અરજદારો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી. ૧૯૮૨થી જ્યારે ખાંડ મંડળીઓની ચૂંટણી કલેક્ટર દ્વારા થતી હોય, 2019માં આવી ચૂંટણી કરવાની સત્તા કલેક્ટર પાસેથી લઈને જે-તે ખાંડમંડળીઓને આપવાની કલમ લોકશાહીના સિદ્ધાંતો અને સહકારી કાયદાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આને કારણે ચૂંટણી કરવાના મુક્ત અને ન્યાયી સિદ્ધાંતને ગંભીર અસર પડે છે.
ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી કલેક્ટર દ્વારા કરી શકાશે
ગુજરાત હાઈકોર્ટે શુ્ક્રવારે પિટિશન મંજૂર રાખતાં રાજ્ય સરકારનો તા.3/8/2019નો સુધારો રદબાતલ કરેલ અને એમ ઠરાવેલ કે આ સુધારા પાછળનાં કારણો જે સરકાર દ્વારા આપવામાં આવેલ છે જેવાં કે ચૂંટણીમાં મંડળીને ખર્ચ થાય છે અને સરકારી અધિકારીઓને તકલીફ પડે છે તે જોહુકમી ભર્યા છે અને બંધારણથી વિરુદ્ધના છે. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને કારણે હવેથી ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓને નિર્દેશ મંડળીમાં ગણવામાં આવશે અને કલમ 74 (c)(1)(v) રદ થયેલી ગણાશે નહીં. આ ચુકાદાને કારણે ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી કલેક્ટર દ્વારા કરી શકાશે.