Columns

એક સલાહ

રાધા પોતાના ડ્રેસિંગ ટેબલ પાસે બેસીને જ્વેલરી ટ્રાઈ કરી રહી હતી. મેકઅપ થઈ ગયો હતો અને તેણે સુંદર બ્રાઈટ યેલો સાડી પહેરી હતી.ત્યાં તેની નાનકડી સાત વર્ષની દીકરી મિયા દોડીને આવી અને મમ્મીને તૈયાર થતી જોવા લાગી.પછી ધીમેથી પોતાના નાના નાના હાથોમાં મમ્મીનો નેકલેસ લઈને પોતે પહેરીને જોવા લાગી. મમ્મી રાધાએ પોતાની વ્હાલી દીકરીને કહ્યું, ‘મિયા, આ બધું તારા માટે છે પણ તું જયારે બીગ ગર્લ થઈ જાય ત્યારે પહેરજે, અત્યારે નહિ સમજી.’મિયાને મમ્મીનું ડ્રેસિંગ ટેબલ અને તૈયાર થતી મમ્મીને જોવું બહુ ગમતું.

તેણે ધીમેથી મમ્મીને કહ્યું, ‘મમ્મી, મને તું બહુ ગમે છે. જેમ મારી ડોલને હું રોજ રેડી કરું છું તેમ આજે તને રેડી થવામાં, તૈયાર થવામાં હેલ્પ કરું?’ રાધાને દીકરીનો પ્રેમ જોઇને બહુ વ્હાલ ઉભરાયું. તે પ્રેમથી તેને ભેટી પડી અને પછી તેના હાથમાં દાંતિયો આપીને કહ્યું, ‘હા બેટા, લે, મારા વાળ ઓળી દે.’ મમ્મીના વાળ ઓળતાં મિયા બોલી, ‘મમ્મી, આપણે કેમ રેડી થઈ રહ્યાં છીએ? શું કોઈ ઘરે આવવાનું છે? કે પછી આપણે ક્યાંક બહાર જવાનું છે?’ રાધાએ કહ્યું, ‘ના, એવું કંઈ જ નથી.કોઈ નથી આવવાનું અને આપણે ક્યાંય જવાનું નથી, ઘરે જ છીએ.’મિયાએ પૂછ્યું, ‘મમ્મી તો પછી આપણે રેડી શું કામ થઈ રહ્યા છીએ.’

દીકરીનો આ સવાલ સાંભળીને રાધાએ મિયાને પોતાના ખોળામાં બેસાડી અને ધીમેથી કહ્યું, ‘બેટા મિયા, જો આજે હું તને જે સમજાવું છે તે હંમેશાં યાદ રાખજે. આપણે હંમેશા આપણા માટે તૈયાર થવાનું છે.આપણે માત્ર કોઈને દેખાડવા તૈયાર થતાં નથી.આપણે આપણા માટે તૈયાર થઈએ છીએ.હું માનું છું અને તને પણ એ જ સલાહ આપવા માંગું છું કે રોજ સવારે ઊઠીને આપણે આપણા ડ્રેસિંગ ટેબલના મિરર સામે બેસીને તૈયાર થવાનું છે પોતાને માટે…તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.મિરરમાં દેખાતા આપણા પ્રતિબિંબને જોઇને પોતાને જ કહેવાનું છે કે હું તૈયાર છું આજના માટે.હું તૈયાર છું આજના દિવસને શણગારવા માટે.હું તૈયાર છું જે કોઈ પણ પડકાર હોય તે ઝીલવા માટે.દીકરા, જીવનમાં રોજે રોજ તૈયાર રહો.તૈયાર થાવ કોઈને માટે નહિ આપણા પોતાના માટે.’રાધાએ દીકરી નાની હતી પણ નાનપણમાં સાચી સમજ આપી.મિયા મમ્મીની સલાહ સાંભળી રહી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top