વડોદરા: ભાજપના એક ચક્રી શાસનના સત્તાના મદમાં છકી ગયેલા માજી કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિના ફાયરીંગ પ્રકરણનો વીડિયો વાઇરલ થતાં રાજકીય મોરચે ભૂકંપ સર્જાયો હતો તો બીજી તરફ તાલુકા પોલીસે પણ ગુનાહિત કૃત્યને ગંભીરતાથી ધ્યાને લેતા જ સમગ્ર હકીકતના અંકોડા મેળવવા દોડધામ
મચાવી હતી. નળિયાથી તળિયા સુધી ભ્રષ્ટાચારમાં ખદબદતો ભાજપ પક્ષના નેતાઓ અને કાર્યકરો સત્તાના નશામાં ચકચૂર બનીને જાહેરમાં ગુનાહિત કૃત્ય કરતા લેશ માત્ર અચકાતા નથી. પક્ષના કદાવર નેતાઓ પણ આવા દબંગ કાર્યકરોના કારનામાને સામે આંખ આડા કાન કરતા હોવાથી ગુનાહિત કૃત્ય કરવાનો તો જાણે છુટ્ટો દોર મળી ગયો હોય તેમ ગુંડા અને અસામાજિક તત્વોને સારા કહેવડાવે એવા ગુના જાહેરમાં આચરે છે. તેવા દાખલા રૂપ બનાવ વેમાલી ગામ નજીક આવેલા પાલખી પાર્ટી પ્લોટમાં બન્યો હતો. રંગે ચંગે ઉલ્લાસભેર ચાલી રહેલા લગ્નમાં માજી કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ હાથમાં રિવોલ્વર લઇને રોફ જાડતા જાનૈયાઓ વચ્ચે ઊભા હતા અને એકાએક રિવોલ્વર ઉંચી કરીને ધડાધડ ફાયરિંગ કરતા હતા ત્યારે જ કોઇએ વીડિયો ઉતારીને બાદમાં વાઇરલ કરી દિધો હતો.
અરવિંદએ પરાક્રમ કરતા તો કરી નાખ્યું પરંતુ વિડીયોએ એના કરતુત ઉઘાડા પાડી દીધા હતાં.
જેવો વિડીયો વાયરલ થયો તેવો જ ગુજરાત મિત્રએ સત્ય હકીકતને ઉજાગર કરી હતી ગુનાહિત કૃત્ય અંગે ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પ્રાથમિક જાણકારી મેળવીને તાલુકા પોલીસ મથકમાં વેમાલી ગામે આવેલ પાલખી પાર્ટી પ્લોટમાં કાળા કલરનો સૂટ પહેરેલ અને માથે ગુલાબી ફેટો બાંધે અજાણ્યા ઇસમે પોતાના હાથમાં રિવોલ્વર જેવા હથિયારથી હવામાં ફાયરિંગ કરતા હોય એવો વિડીયો મીડિયા મારફતે વાયરલ થયો હોવાથીએ અજાણ્યા ઈસમ ઓળખ થવા ગુનાહિત કૃત્ય કરેલ છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવી. પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થતાજ માજી કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પક્ષના અગ્રણી નેતાઓ તેમજ તેના આકાઓને સાથે સલાહ સુચનનો દોર આરંભ કરી દીધો હતો. જોકે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે વાયરલ થયેલા વિડિયો માં સત્ય હકીકત જણાશે તો અરવિંદ પ્રજાપતિ વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થશે. ફાયરિંગ કરી હતી તે રિવોલ્વર કોની છે? ફાયરિંગ કરવાનું કારણ શું?રિવોલ્વર પરવાનાવાળી છે કે પરવાના વગર ની? તે દિશા તરફ પોલીસે તપાસને વેગ આપ્યો છે.
શરાબી અરવિંદનો બેવડો મુખવટો બેનકાબ બન્યો
સમાજમાં સેવા અને સાદગીનું નાટક ભજવતા ભાજપ પક્ષના શરાબી નેતા અરવિંદ પ્રજાપતિની દબંગાઈ ભરી કુટેવોના પણ અનેક ફોટા પણ વાયરલ થયાં છે. પક્ષની સ્વચ્છ ઇમેજ હેમખેમ રાખવા શહેર અધ્યક્ષ દિવસ રાત તનતોડ પરિશ્રમ કરે અને આવા નશાખોર અરવિંદોમાં કલંકિત કૃત્ય બહાર પડતા જ રહેતા પક્ષની છબી ખરડાઇ રહી છે. આવા ગુનાહીત કૃત્ય કરનારાઓને પક્ષમાંથી તાત્કાલિક હકાલપટ્ટી કરાઈ એવી ચર્ચા અંદરખાને કાર્યકરો પાસેથી સાંભળવા મળી હતી.
એરપોર્ટ ઓથોરિટિના સલાહકાર અરવિંદ સસ્પેન્ડ થશે ?
એરપોર્ટ ઓથોરિટીની સલાહકાર કમિટીના મેમ્બર અરવિંદ પ્રજાપતિના ફાયરીંગ પ્રકરણ બાબતે જલેન્દુ પાઠક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કમિટીના સભ્ય વિરુદ્ધ જૉ ગુનો દાખલ થશે તો અમારે પણ કાયદેસર કાર્યવાહી કરીને સસ્પેન્ડ પણ કરી દઈશું.
રિવોલ્વરનું લાયસન્સ છે કે કેમ?: ડો. વિજય શાહ
અસામાજિક તત્ત્વોનું આંધળું અનુકરણ કરતો અરવિંદ પ્રજાપતિ સામે પગલાં લેશે તે બાબતે શહેર અધ્યક્ષ ડોકટર વિજય શાહે જણાવ્યું હતું કે એ અમે અરવિંદ ને પૂછ્યું રિવોલ્વર લાઇસન્સ છે તેણે હા પાડી ને આવતીકાલે નકલ આપવાની ખાતરી આપી હતી વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે પણ વ્યક્તિ કોઈ પણ ગુનામાં સજાને પાત્ર થાય પક્ષ ચોક્કસ ન્યાયિક પગલા ભરે છે. ઉલ્લેખનીય છે કે જય રણછોડ ને તો ચેક રિટર્ન આ ગુનામાં એક વર્ષની સજા પડી ચૂકી હોવા છતાં પક્ષ દ્વારા કોઇ કાર્યવાહી થઇ નથી. આવી વ્હાલા દવલાની નીતિ પક્ષના કાર્યકરોમાં આંતરિક રોષ વ્યાપી ગયો છે.