સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં ટ્રક નીચે કચડાઈને 18 વર્ષીય યુવકનું મોત થયું છે. ટ્રકના પાછલા ટાયર નીચે આવી જતા યુવકનું મોત થયું છે. જોકે, યુવકનો અકસ્માત થયો હતો કે તેણે જાતે ટ્રક નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો તે સવાલ ઉભો થયો છે. યુવકના મૃત્યુના સીસીટીવી ફૂટેજ જોઈ પોલીસ ચકરાવે ચઢી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઓડિશાના અને સુરતમાં નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રિયંકા સોસાયટીમાં રહેતા ભગવાન ભૂઈયાના 18 વર્ષીય પુત્ર ઉત્તમનું મોત નિપજ્યું છે. ભગવાન ભૂઇયા પ્રિયંકા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી હતી.
ભગવાન ભૂઈયા કરિયાણાની દુકાન ચલાવે છે. 18 વર્ષીય દીકરો ઉત્તમ કરિયાણાની દુકાનમાં તેને મદદ રૂપ થતો હતો. ગત રોજ ભગવાન ભૂઈયાનો દીકરો ઉત્તમ ઉધના વિસ્તારમાં સર્વિસ માટે આપેલું ઈલેક્ટ્રીક મોપેડ લેવા ગયો હતો. ઉધના રોડ નંબર 3 પર આવેલા શનિદેવ મંદિર પાસે તે રોડ પર ઉભો રહ્યો હતો. જો કે, મોપેડ રોડની સાઈડ મૂકી સામેની સાઈડ ગયો હતો. ત્યારબાદ ટ્રક નીચે કચડાઈને મોતને ભેટવાની ઘટના બની હતી.
ઉધના પોલીસને જાણ કરવામાં આવતા ઉત્તમને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ સાથે જ ઘટના સ્થળે જઈને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની તપાસ દરમિયાન આ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં રોડ પર ઉભેલો ઉત્તમ નજરે પડે છે. ત્યારબાદ એક ટ્રક પસાર થઈ રહી હોય છે તે દરમિયાન જ ઉત્તમ પડી જાય છે અથવા તો પોતે જ ટ્રકના પાછલા ટાયર નીચે કૂદી જાય છે. વીડિયો જોતા એવું જ લાગે છે કે યુવક જાતે ટ્રક નીચે કૂદયો. પરંતુ ચોક્કસ કશું કહી શકાય નહીં. યુવકે આપઘાત કર્યો કે અકસ્માત થયો હતો તે અંગે રહસ્ય સર્જાયું છે. સીસીટીવી ફૂટેજ જોયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.