Dakshin Gujarat

ભરૂચના આમોદમાં વીજળી પડતાં 18 વર્ષના યુવકનું મોત

આમોદ: ભરઉનાળે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવવા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. ઠેરઠેર વીજળી કડકી છે. ત્યારે ભરૂચના આમોદમાં વીજળી માથે પડવાના લીધે દાઝી જતા એક યુવકનું કરૂણ મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના અનોર ગામે આજે મંગળવારે બપોરે આકાશમાંથી વીજળી પડતા કપાસ વણતા 18 વર્ષના યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. જયારે યુવકની માતાને વીજળી પડતા ગંભીર હાલતમાં હોવાથી ભરૂચ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

આમોદના અનોર ગામના પ્રહલાદભાઈ છત્રસંગ સોલંકી (ઉ.વ.18) અને તેમની માતા પુષ્પાબેન છત્રસંગ સોંલકી (ઉં.વ.45) મંગળવારે કપાસ વીણવા માટે ગયા હતા. જો કે ભર ઉનાળામાં પણ મંગળવારે કમોસમી વરસાદ પડે એવી આગાહી હોવાથી બપોરે વાદળો ઘેરાયા હતા. જેમાં અનોર ગામે બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ પ્રહલાદભાઈ છત્રસંગ સોલંકી પર વીજળી પડતા તેનું ખેતરમાં જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે સાથે માતા પુષ્પાબેન સોલંકીને વીજળીના ઝાટકો લાગતા ગંભીર રીતે ઘવાતા ઢાળી પડ્યા હતા. તેમને નાજુક હાલતમાં ભરૂચ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા.

સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો
સુરતના કેટલાક વિસ્તારોમાં મંગળવારે વાદળછાયા વાતાવરણ (Cloudy Atmosphere) વચ્ચે બપોરના સમયે ઉધના દરવાજા વિસ્તારમાં અચાનક વરસાદ (Rain) વરસ્યો હતો. આ વિસ્તારમાં વાદળો છવાયા હતાં અને વરસાદી છાંટા પડ્યાં હતા. વરાછા અને લિંબાયત વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને લઈને સુરતીઓમાં આશ્ચર્ય સર્જાયું હતું. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે લોકોએ તડકાથી રાહત મેળવી હતી.

દેશના અનેક ભાગોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મંગળવારથી ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળશે. 18 થી 20 એપ્રિલ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયો હળવો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતના છોટાઉદેપુરમાં મંગળવારે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં સવારથી જ વાતાવરણમાં ઠંડક વર્તાવાની સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બોડેલીમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. બોડેલીમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વરસાદી છાંટા પડતા કપાસ વેચવા આવેલા ખેડૂતો પોતાનો કપાસ બચાવવા ચિંતિત બન્યા હતા. તો બીજી તરફ લોકોએ ગરમીમાંથી થોડી રાહત અનુભવી હતી.

Most Popular

To Top