નવી દિલ્હીઃ દિલ્હીના કરોલ બાગમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અચાનક એસીના આઉટડોરની પેનલ એપાર્ટમેન્ટના બીજા માળેથી નીચે પટકાઈ હતી. જે બાઈક પર બેઠેલા બે લોકો પર પડ્યું હતું. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.
માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે તા. 17 ઓગસ્ટની સાંજે લગભગ 7 વાગ્યે પીએસ ડીબીજી રોડ પર એક યુવક પર ACનું આઉટડોર યુનિટ પડ્યું હોવાની માહિતી મળી હતી. સ્થળ પર પહોંચીને જાણવા મળ્યું કે ACનું આઉટડોર યુનિટ બીજા માળેથી સ્કૂટર પર સવાર બે છોકરાઓ પર પડી ગયું હતું. ઘાયલ છોકરાઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં દિલ્હીના ડોરીવાલનના રહેવાસી 18 વર્ષીય જીતેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બીજો ઘાયલ યુવક પટેલ નગરનો રહેવાસી 17 વર્ષીય પ્રાંશુ હોવાનું જાણવા મળ્યું છે. તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલમાં પ્રાંશુનું નિવેદન આવ્યું નથી.આ સંદર્ભે FIR નંબર 387/24, કલમ 125(A)/106 BNS, તારીખ 17/08/24, પીએસ ડીબીજી રોડ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે તપાસ કરી વધુ તપાસ હાથ ધરી છે.