SURAT

સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી સુરતની 11 વર્ષની બાળકીને સવા પાંચ નંબરના ચશ્મા આવી ગયા

સુરત: અડાજણમાં રહેતાં એક પરિવારની 11 વર્ષીય દીકરીને ચશ્માના +5.15 જેટલા હેવી નંબર આવતાં પરિવાર ચોંકી ઉઠ્યું છે. દીકરીને લખતી-વાંચતી વેળા આંખમાંથી પાણી નીકળવા લાગતાં તેની ચિંતા થઈ હતી અને આંખના તબીબ પાસે જ્યારે તપાસ કરાવી ત્યારે દીકરીની આંખની સ્થિતિ ગંભીર હોવાનું જણાયું હતું.

  • નાના બાળકોનો સ્ક્રીન ટાઈમિંગ દિવસમાં 1.5 કલાક અને અડલ્ટસનો 2.5 કલાકથી વધુ ન હોવો જોઈએ
  • કોરોના બાદ તપાસ માટે આવતાં બાળકોમાં 15થી 20% નો વધારો થયો

કોરોનાકાળમાં ઓનલાઈન ક્લાસીસ અને ત્યારબાદ ગેઈમ્સ, વીડિયોઝની આદત દીકરીને પડી હતી. હવે આ પરિવાર દીકરીની આંખની સ્થિતિ અંગે પોતાને દોષ દઈ રહ્યો છે, એટલું જ નહીં, અન્ય પરિવારો પણ આ કિસ્સાથી ચેતે એવી અપીલ તેમણે કરી છે.

શહેરના અડાજણમાં રહેતા લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે, ‘મારી 11 વર્ષિય દીકરી મિનાક્ષીને (નામ બદલ્યું છે) મારી અને મારી પત્નીની ભૂલ કારણે +5.15 ચશ્માના નંબર આવ્યા છે. લોકડાઉનના સમયે શાળાના ઓનલાઈન ક્લાસીસ માટે અમે મોબાઈલ આપતા હતા પણ અનેક વાર તે ઓનલાઈન ક્લાસીસની સાથે ગેમ રમવા માટે અને વીડિયો જોવા માટે ફોન લેતી હતી અને સતત 4 થી 5 કલાક તે વીડિયો જોતી રહેતી હતી.

દિવસમાં અંદાજે મિનાક્ષી 10 થી 12 કલાક મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી અને અમે ના પાડતા તો ચીડચીડ કરવા લાગી જતી હતી. એકથી દોઢ વર્ષ સુધી આવું જ રૂટીન ચાલું રહ્યું હતું. પ્રાંજલે તેને જોવામાં તકલીફ થાય છે, તેની જાણ લખતી, વાંચતી વખતે સતત આંખમાંથી પાણી આવવા લાગ્યું ત્યારે અમને કરી હતી. જેના કારણે અમે ડોક્ટર પાસે તપાસ કરવા જતાં ડોક્ટરે ચશ્માના નંબર હોવાનું જણાવ્યું હતું. જો અમે સમય રહેતાં બાળકીને મોબાઈલથી દૂર રાખી હોત તો તેની દૃષ્ટીમાં ફેર ન પડ્યો હોત.’

શું કહે છે આઈ સ્પેશ્યિલાસ્ટિ?
શહેરના આઈ સ્પેશ્યાલિસ્ટ ડો. શરદ સિવાસનેએ જણાવ્યું હતું કે, ‘કોરોના બાદ તપાસ માટે આવતાં બાળકોમાં 15 થી 20%નો વધારો થયો છે, જ્યારે કોઈ પણ શાળામાં કરાવવામાં આવતાં વિદ્યાર્થીઓના આંખના ચેકઅપ દરમિયાન એક ક્લાસના 5% વિદ્યાર્થીઓ તો એવા નીકળે જ છે, જેમને જોવામાં તકલીફ હોય છે પણ તેઓ તે બાબતે જાગૃત હોતા નથી.

સામાન્ય રીતે WHOની ગાઈડલાઈન અનુસાર, નાના બાળકોનો સ્ક્રીન ટાઈમિંગ દિવસમાં માત્ર 1.5 કલાક હોવો જોઈએ. જ્યારે એડલ્ટસનો ટાઈમિંગ 2.5 કલાક હોવો જોઈએ. જો આ ટાઈમિંગથી વધુ પ્રમાણમાં બાળકો અથવા મોટા લોકો ગેજેટ્સનો ઉપયોગ કરે છે તો તે આંખો માટે ઘાતક છે. પરંતુ અનેક કેસોમાં હાલમાં બાળકોનો સ્ક્રીન ટાઈમિંગ 5થી 6 કલાકનો થઈ ગયો છે. જે ચિંતાજનક છે.’

બાળકોની આંખો સાચવવાની હોય તો આ કરવું જરૂરી છે

  1. દર 6 મહિને બાળકોની આંખોની તપાસ કરાવો.
  2. બાળકોને આઉટડોર એક્ટીવિટી માટે પ્રેરિત કરો.
  3. બાળકોની સાથે માતા-પિતાનું પણ આ સંદર્ભમાં કાઉન્સિલિંગ કરવામાં આવે.

અત્રે નોંધનીય છે કે કોરોના પછી બાળકો વધુ પ્રમાણમાં મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર જેવા ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. ઘણી વાર માતા-પિતા પણ પોતે બીજું કામ કરતાં હોવાથી બાળકને મોબાઈલ આપી દે છે. જેના કારણે બાળકોને ચશ્મા પહેરવાની ફરજ પડે છે. હાલમાં શહેરમાં નાના બાળકોમાં પ્રોગ્રેસિવ માયોપિયાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે.

શું છે પ્રોગ્રેસિવ માયોપિયા?
પ્રોગ્રેસિવ માયોપિયા એટલે કે, જે બાળકોના આંખના નંબર માઈનસમાં હોય છે, તેમના નંબરમાં સતત વધારો થતો રહે છે. જેના પાછળનું એક મુખ્ય કારણ સ્ક્રીન ટાઈમિંગ પણ હોઈ શકે છે.

Most Popular

To Top