નડિયાદ: કપડવંજ તાલુકાના કાપડીવાવમાં વેતન વધારાની માંગ સાથે ૬૦૦ થી વધુ કામદારો ભૂખ હડતાલ પર ઉતરતાં ચકચાર મચી છે. જિલ્લામાં એક પછી એક કંપનીમાં કામદારોના શોષણ સામે આંદોલન શરૂ થયા બાદ, હવે કામદારો જાગૃત થયા હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. ગુરૂવારે કપડવંજના કાપડીવાવ સ્થિત અમૂલ ફીડ પ્લાન્ટના કામદારો વેતન વધારાની માંગ સાથે ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. ખેડા જિલ્લામાં આવેલી ફેક્ટરીઓમાં કામદારોને નિયમાનુસાર વેતન આપવામાં આવતું ન હોવાની રાવ ઉઠી હતી. જેને પગલે લવાલના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ દ્વારા કામદારોના સમર્થનમાં એક પછી એક ફેક્ટરીમાં આંદોલન કરીને, કામદારોના વેતન વધારાની ઉગ્ર રજૂઆત કરી હતી. મહિપતસિંહ દ્વારા કામદારોના હીતમાં કરવામાં આવેલા આંદોલનને કંપનીના માલિકો દ્વારા સ્વીકારીને તમામ કામદારોના નિયમાનુસારના વેતન કરી આપવામાં આવ્યા હતા. નડિયાદ ઉપરાંત મહેમદાવાદ અને અન્ય જગ્યાએ આવેલી ફેક્ટરીઓમાં પણ મહિપતસિંહ દ્વારા નિયમાનુસાર વેતન આપવાની રજૂઆત કરી હતી. જેને પગલે કામદારો પણ જાગૃત થયા છે. ગુરૂવારે કપડવંજ તાલુકાના કાપડીવાવ સ્થિત અમૂલ ફીડ પ્લાન્ટના ૬૦૦ જેટલાં કામદારો વેતન વધારાની માંગ સાથે ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. રૂ. ૨૪૦ ના વેતન સામે તેઓએ રૂ. 3૪૦ વેતન આપવાની માંગ કરી હતી. કામદારો દ્વારા સૂત્રોચ્ચાર કરીને નિયમાનુસાર વેતન આપવાની માંગ કરવામાં આવી હતી.
કપડવંજના કાપડીવાવ સ્થિત અમૂલ પ્લાન્ટના કામદારો લડાયક મૂડમાં
By
Posted on