આણંદ ખાતે અમૂલના 75માં સ્થાપના દિનની ઉજવણીના સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અમૃત મહોત્સવ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં બ્રિટીશરો સામે અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે ર૧મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને જ આભારી છે.સૌના સાથ સૌના વિકાસનો અને આત્મનિર્ભર ભારતનો મંત્ર અમૂલ પરિવારે સાકાર કર્યો છે.
અમૂલ એ માત્ર શ્વેત ક્રાંતિની પ્રક્રિયા અંગેની વાત નથી પરંતુ સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ પણ છે. આજે ”અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડીયા” એ તો એક એવી પંચલાઇન બની ગઇ છે કે દૂધ એટલે અમૂલ જ એવો ભાવ જન-જનમાં જાગ્યો છે. દૂધ એટલે અમૂલ એવો હવે પર્યાય બની ગયો છે અને દૂધમાંથી થતી અન્ય પેદાશોનું વેલ્યુએડીશન કરીને અમૂલે હોલિસ્ટીક એપ્રોચથી શ્વેત ક્રાન્તિની આગવી ભાત ઉપસાવી છે. પટેલે જણાવ્યું હતું કે દૂધ સહકારી માળખું પણ થ્રી ટાયર છે.
રાજ્યના ૧૮ દૂધ સંઘોનું ટર્ન ઓવર 53,000 કરોડો પહોચ્યું : રામસિંહ પરમાર
પ્રારંભમાં અમૂલના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે એક દૂધ મંડળી અને ૨૫૦ લીટર દૂધથી શરૂ થયેલ અમૂલ આજે ૧૨૦૦ મંડળીઓ સાથે દૈનિક ૩૩ લાખ લીટર દૂધ એકત્રીકરણ સાથે વાર્ષિક રૂ. 10,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે. રાજ્યના ૧૮ દૂધ સંઘોનું ટર્નઓવર રૂ.૫૩,000 કરોડ પર પહોંચ્યું છે. દેશના છ રાજ્યોમાં અમૂલના પ્લાન્ટ કાર્યરત છે. અમૂલ ચોકલેટ, ચીઝ આજે વિશ્વ બજારમાં વેચાય છે.