સુરત : અમરોલી-સાયણ રોડ (Amroli-Sayan Road) પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રિયલ (Anjani Industries) એસ્ટેટમાં પોલીસ બંદોબસ્ત છતાં અસામાજિક તત્વો (Antisocial elements) એ એસ્ટેટના જે પ્રવેશ દ્વારેથી કારીગરો આવે છે ત્યાં ઠેરઠેર ઉડિયા ભાષામાં ઉશ્કેરણીજનક પોસ્ટરો (posters) લગાવતા સવારે એક પણ કારીગર પાવરલૂમ કારખાને કામે ચઢ્યો ન હતો. અંજની ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત હોવા છતાં અસામાજિક તત્વોએ ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લઈ દાદાગીરીની હદ પાર કરી છે. ‘20 પૈસા મજૂરીનો દર વધારો લીધા વિના કામ કરશો તો હાથ-પગ કાપી નાખીશું’ એવા ધમકીભર્યા પોસ્ટરો અને ઉડિયા ભાષામાં થયેલા મેસેજને લીધે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં 300 જેટલા લુમ્સના કારખાના બંધ થયાં છે.
અસામાજિક તત્વોના ભયે કારીગરો કામે ન ચઢતા ભયનો માહોલ
અસામાજિક તત્વોના ભયે કારીગરો કામે ન ચઢતા ભયનો માહોલ, વિવર્સ આગેવાનો અમરોલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં જ્યાં પોલીસે રાત દિવસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવાની ખાતરી આપી હતી.પ્રત્યેક વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળી વેકેશન દરમિયાન અમરોલી-સાયણ સ્થિત અંજની વિવિંગ ઈન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં ભડકાઉ પોસ્ટરો લગાવાતાં વિવિંગ સોસાયટીના પ્રમુખ વિજય માંગુકિયાએ પોલીસને ફરિયાદ કરી હતી.
ઉડિયા કારીગર કામ પર જાય તો તેના હાથ-પગ કાપી નાખવાની ધમકી
દિવાળી બાદ છેલ્લા ચારેક વર્ષથી વિવિંગ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતીય કામદારો દ્વારા મજુરીના દરોમાં વધારાની માગ સાથે હિંસક તોફાનો અને આંદોલન કરવામાં આવી રહ્યાં છે. આ વખતે મજૂરીના દરમાં 20 પૈસા વધારાની માંગ મુકવામાં આવી છે. આ માંગ કોણ મૂકે છે કોણ પોસ્ટર લગાવે છે આજ સુધી પોલીસ શોધી શકી નથી. આ વખતે અમરોલી, સાયણ રોડ સ્થિત અંજની ઈન્ડસ્ટ્રીઝ અને લસકાણાની કેટલીક વિવર્સ સોસાયટીઓમાં ઉડિયા ભાષામાં મજૂરીના ભાવમાં 20 પૈસા વધારા માટેના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે અને જો ઉડિયા કારીગર કામ પર જાય તો તેના હાથ-પગ કાપી નાખવાની ધમકી આપવામાં આવી છે. કામદારોને ઉડિયા ભાષામાં સોશિયલ મીડિયા મારફતે ઍક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે, વિવિંગનું કારખાનું ચલાવતા શેઠિયાઓ કરોડપતિ થઈ ગયા છે. તેથી કામદારોને પણ મજૂરીના ભાવમાં મીટરે 20 પૈસાનો વધારો આપવો જોઈએ. ભૂતકાળમાં કામદારો દ્વારા હિંસક તોફાનો અને આંદોલનો થઈ ચૂક્યા છે. કારખાનાઓને આગ લગાડવાથી લઈ તાકાઓ ફાડી નાખવા, તોડફોડ કરવા સુધીની ઘટનાઓ બની હોવાથી પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે.
ભડકાઉ પોસ્ટરો લગાવનારાઓ પોલીસ નહીં પકડે ત્યાં સુધી કારખાનાઓ બંધ
અંજની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના પ્રમુખ અને સુરત વિવર્સ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે આ મામલો સામે આવે છે.આ માંગ કોણ મૂકે છે કોણ પોસ્ટર લગાવે છે આજ સુધી પોલીસ શોધી શકી નથી.આ વખતે જ્યાં સુધી પોસ્ટરો લગાવનારને પોલીસ નહીં પકડે ત્યાં સુધી વિવર્સ કારખાનાઓ બંધ રાખી વિરોધ નોંધાવશે.ગુજરાતના સુરતમાં આ પ્રકારનું જંગલ રાજ ચલાવી નહીં લેવાય.