સુરત : અમરોલી (Amroli) ખાતે આવેલા કોસાડ આવાસમાં પીઆઇ (PI) બ્રહમભટ્ટ અને કુખ્યાત એવા જુગારની કલબ ચલાવતા માથાભારે સોહેલ સાથે ઝપાઝપી થઇ હોવાની વિગતો ચર્ચાઇ રહી છે. તેમાં પીઆઇ બ્રહમભટ્ટ દ્વારા સોહેલને પકડી લેવામાં આવતા મહિલાઓ દ્વારા તેમનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. આ મામલે ભારે ધમાસાણ થઇ હોવાની વિગત જાણવા મળી છે.
- કોસાડ આવાસમાં સોહેલ નામના માથાભારે દ્વારા પીઆઈનો કોલર પકડી લેવામાં આવ્યો
- સોહેલને પકડી લેવામાં આવતાં મહિલાઓએ અમરોલી પોલીસ મથક માથે લીધું
- મહિલાઓના મોરચાને કારણે સોહેલને ડીસીબી દ્વારા લઈ જવામાં આવ્યો
સોહેલ ચોક્કસ રાજકીય પાર્ટીને લઇને અન્ય પાર્ટીને ધમકાવતા આ વિવાદ થયો હોવાની વિગતો ચર્ચાઇ રહી છે. કોસાડ આવાસ તે ઓલપાડ મતવિસ્તારમાં આવે છે. તેમાં બે રાજકીય પક્ષો વચ્ચેની લડાઇમાં ગેંગો પણ મેદાનમાં આવી ગઇ હતી. તેમાં લાલુ જાલિમ ગેંગ અને સોહેલ ગેંગ આમને સામને હોવાની વિગત જાણવા મળી છે. આ મામલે પોલીસ પણ મગજ પર બરફ રાખીને ચાલતા કોઇ મોટી ઘટના ઘટી ન હતી. દરમિયાન સોહેલનો મામલો મોટો થાય તે પહેલા તેને અમરોલી પોલીસ સ્ટેશનથી ક્રાઇમ બ્રાન્ચ રવાના કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત કોસાડ આવાસમાં નાના મોટા છમકલા થયા હોવાની વિગત જાણવા મળી છે. કટ્ટર સ્પર્ધકો કોંગીના દર્શન નાયક અને ભાજપના મુકેશ પટેલ તે આખો દિવસ કોસાડ આવાસ ખાતે હોવાની વિગત જાણવા મળી છે.
કતારગામમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની પીએની ધરપકડ
સુરત : કતારગામ વિસ્તારમાં ગોપાલ ઇટાલીયાના સમીપના ગણતા અને પીએ ગણાતા શિવશંકર યાદવની ધરપકડ સિંગણપોર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તેમાં જાહેરનામા ભંગ 188 પ્રમાણે આ ધરપકડ કરવામાં આવી હતી. કોઇ પણ રાજકીય પાર્ટીના સભ્ય હોય તો તેઓએ ચૂંટણી આચારસંહિતાના નિયમ પ્રમાણે 48 કલાક પહેલા જે તે શહેર છોડી દેવું પડે છે. પરંતુ શિવશંકર યાદવ જે દિલ્હીના વતની છે. તેઓ આપના કાર્યાલયમાં સક્રિય રીતે કામગીરી કરતા દેખાયા હતા. આ મામલે હરીફ રાજકીય પાર્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેથી નોડલ ઓફિસરે આ મામલે ત્વરિત સિંગણપોર પોલીસને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પીઆઇ બલદાણીયાએ જણાવ્યું હતું કે, તેઓને નોડલ ઓફીસર દ્વારા નિર્દેશ આપવામાં આવતા તેઓ દ્વારા શિવશંકર યાદવની ધરપકડ કરવામાં આવી છે.