સુરત: શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં વિચિત્ર ઘટના બની છે. અહીં લૂંટની ફરિયાદ કરવા પહોંચેલા યુવકને જ અમરોલી પોલીસે લોકઅપમાં પુરી દીધો છે. હકીકત જાણશો તો તમે પણ કહેશો કે બરોબર છે પોલીસે આવું જ કરવું જોઈએ.
વાત જાણે એમ છે કે, તા. 26 એપ્રિલ 2024ના રોજ અમરોલી પોલીસ સ્ટેશને અલ્પેશ વિનુભાઈ રૂપાપરા પહોંચ્યો હતો. અલ્પેશે પોલીસને કહ્યું કે, સવારે 10 વાગ્યાના અરસામાં અંજની ઈન્ડસ્ટ્રીમાંથી ભરથાણા તરફ જતી રેલવે ફાટકની પાસે આવેલી ઝાડીમાં 5થી 6 ચડ્ડી બનિયાન ધારી માણસોએ તેને ઉભો રાખી છરી બતાવી મોબાઈલ ફોન તથા રૂપિયા 1 લાખ ભરેલી બેગ ઝૂંટવી લઈ ભાગી ગયા છે.
અલ્પેશની ફરિયાદ સાંભળી અમરોલી પોલીસ તરત જ સતર્ક થઈ હતી અને લૂંટના આ કેસમાં તલસ્પર્શી તપાસ શરૂ કરી દીધી હતી. પીઆઈ જે.બી. વનાર, એચ.બી. પટેલ, સબ ઈન્સ્પેક્ટર જે.જી. કામળીયા તથા સર્વેલન્સ સ્ટાફ તપાસમાં જોતરાઈ ગયો હતો. પોલીસે અલ્પેશને સાથે રાખી ઘટના સ્થળ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા, પરંતુ અલ્પેશે જે ફરિયાદ કરી હતી તેવી કોઈ ઘટના સીસીટીવીમાં દેખાતી નહોતી. તેથી પોલીસને અલ્પેશ પર જ શંકા ગઈ હતી. આથી પોલીસે અલ્પેશની યુક્તિપૂર્વક પૂછપરછ કરી હતી. ત્યારે અલ્પેશે સઘળી હકીકત જણાવી હતી.
લૂંટની ફરિયાદ કેમ કરી?
પોલીસની પૂછપરછમાં અલ્પેશે કહ્યું કે, તેણે પોતાની માતાનું મંગળસૂત્ર મુથુટ ફાયનાન્સમાં ગીરવે મુક્યું છે. તે છોડાવવાનું હતું, પરંતુ તેની પાસે રૂપિયાની સગવડ નહોતી. ઘરે ખોટું બહાનું બતાવવા માટે તેણે લૂંટનું નાટક કર્યું હતું.
ખોટી ફરિયાદ કરનાર અલ્પેશ વિરુદ્ધ ગુનો દાખલ
પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાના ગુના સંદર્ભમાં અમરોલી પોલીસે અલ્પેશ વિનુભાઈ રૂપાપરા (ઉં.વ. 28, રહે. અંબિકા હાઈટ્સ, વાવ ગામ, કામરેજ, સુરત) વિરુદ્ધ ઈપીકોની કલમ 177 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 177 હેઠળ કોઈપણ જાહેર સેવક અથવા અધિકારીને ખોટી માહિતી આપવી એ ગુનો જાહેર કરવામાં આવ્યો છે. આ કલમ હેઠળ ગુનેગારને 6 મહિનાની સાદી કેદની સજાની જોગવાઈ છે. અથવા 1 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.