અમરેલી: ખેતીની (Farming) સિઝન વચ્ચે સિંહ-દીપડાએ (Lion-Leopard) અમરેલી (Amreli) પંથકમાં માત્ર 25 દિવસમાં ચાર લોકોને ફાડી ખાતા ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે. વાડી ખેતરોમાં પાક લહેરાઇ રહ્યો છે પરંતુ ખેડૂતો-ખેતમજુરોને તેના રક્ષણ (Protection) માટે સીમમાં રાતવાસો કરવામાં ગભરાઈ રહ્યા છે. ધારીના જીરામાં એક પખવાડીયાના ગાળામા માનવભક્ષી દીપડાએ બે બાળકીનો ભોગ લીધો છે. પ્રથમ વખત હુમલો થયો ત્યારે જ માનવભક્ષી દીપડાને પકડવા યોગ્ય પ્રયાસો વનતંત્રએ ન કર્યા. જે ભુલના કારણે કાલે બીજી બાળકીનો ભોગ લેવાયો હતો. ખાંભાના નાની ધારીમા પણ સિંહ યુગલના હુમલાનો ભોગ એક ખેતમજુર યુવાન બન્યો હતો.
ચારમાંથી ત્રણ લોકોનો શિકાર દીપડાએ કર્યો છે અને દરેક વખતે સુતેલા લોકોમાંથી સૌથી નબળી વ્યકિત પસંદ કરી હતી. જાબાળમાં યુવા પુત્રી અને વૃધ્ધ માતા પૈકી દીપડાએ વૃધ્ધ માતાને શિકાર બનાવી હતી. જ્યારે જીરામાં માતાના પડખામાં સુતેલી દોઢ વર્ષની પુત્રી અને બાદમાં કાલે માતાના પડખામા સુતેલી ત્રણ વર્ષની પુત્રીને શિકાર બનાવ્યો હતો.
ક્યારે ક્યારે બન્યાં હુમલાના બનાવ?
તારીખ 6/7ના રોજ જાબાળમા ઝુંપડામા સુતેલા શારદાબેન પરમાર (ઉ.વ.60)ને દીપડાએ ફાડી ખાધા હતા. જયારે 18/7ના રોજ જીરામા ગંગા સચીન વાસુનીયા નામની બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. તારીખ 24/7ના રોજ ખાંભાના નાની ધારીમા સાવજ યુગલે ભાયદેશ બુલા પયાર (ઉ.વ.18) નામના યુવકને ફાડી ખાધો હતો. જયારે આજે 31/7ના રોજ જીરામા ચંદ્રિકા ચારોલીયા નામની ત્રણ વર્ષની બાળકી ભોગ બની છે.
રાજુલાના રામપરા ગામે પાનની દુકાન સામે ત્રણ સાવજના આંટાફેરા
સાવજની વસતિ એટલી હદે વધી રહી છે કે હવે સાવજો લોકોની પરવા કર્યા વગર કોઇપણ ગામમા ઘુસી જાય છે. ગતરોજ રાત્રે રાજુલાના રામપરામા ત્રણ સાવજો ઘુસી ગયા હતા અને માત્ર લટાર મારવા નીકળ્યા હોય તેમ પાનના ગલ્લાની સામે અને બજારમા ફર્યા હતા. આ સાવજો શિકારના ઉદેશથી આવ્યા ન હતા. સામે એક બળદ આંટા મારતો હોવા છતા સાવજોએ તેના પર હુમલો કર્યો ન હતો. આ વિસ્તારના સાવજો શેરી ગલીઓમા પાલતુ શ્વાનની જેમ વર્તી રહ્યાં છે.