સુરત: સુરત લોકસભા બેઠકના (Surat Loksabha Seat) કોંગ્રેસના (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ ટેકેદારોની ખોટી સહીના લીધે ફોર્મ રદ થયા બાદ અન્ય 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરિફ વિજેતા જાહેર થયા છે.
આ સમગ્ર ખેલમાં કુંભાણીએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ મંગળવારે તા. 23 એપ્રિલે નિલેશ કુંભાણીના ઘરની બહાર જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો એવા પોસ્ટર લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે કોંગ્રેસના એક નેતાએ નિલેશ કુંભાણીના નામજોગ ધમકી ઉચ્ચારી છે.
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવારનો બિનહરીફ રીતે વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદથી નિલેશ કુંભાણી ભુર્ગમાં ઉતરી ગયા છે અને હવે તેની ભાજપમાં જોડાવાની પણ ચર્ચા થઈ રહી છે ત્યારે અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે (Pratap Dudhat) આજે કુંભાણી પર પ્રહાર કરતા કહ્યું કે ‘હું નિલેશ કુંભાણીને છેલ્લાં શ્વાસ સુધી છોડવાનો નથી. હું તેનો સ્મશાન સુધી પીછો કરીશ અને તેનો જવાબ લઈશ.
પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે ‘હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું તેનો સ્મશાન સુધી પીછો કરીશ.
દુધાતે વધુમાં કહ્યું હતું કે નિલેશ કુંભાણી એ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. આ ઉપરાંત અમરેલી કોંગ્રેસ પ્રમુખે નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની વાત પર જણાવ્યું હતું કે જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે.’ આ મામલે પ્રતાપ દુધાતે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.