અમરેલી : શુક્રવારે અમરેલીના (Amreli) રાજુલા નજીક હાઇવે ઉપર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-સોમનાથ હાઈવે પર આજે મજાદર વિકટર ગામ પાસે સિમેન્ટ (Cement) ભરેલી ટ્રક (Truck) સળગી ઉઠી હતી. જોકે અચાનક લાગેલી આગને કારણે સર્જાયેલા અકસ્માતને કારણે આખો હાઇવે ટ્રાફિકથી જામ થઈ ગયો હતો.. ટ્રકમાં આગ લાગતા જ ડ્રાઈવર કૂદી જઈને તેનો જીવ બચાવવામાં સફળ થયો હતો. જેથી તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનાનાની જાણકારી સ્થાનિક હાઇવે પરના લોકોએ પીપાવાવ મરીન પોલીસ અને ફાયર (Fire) વિભાગને આપતા તેઓ ઘટના સથળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની પ્રક્રિયામાં લાગી ગયા હતા.
સમય સુચકતાને લઇ ડ્રાઇવરનો થયો બચાવ
ટ્રકમાંથી કૂદી જતા ડ્રાઈવરનો બચાવ થયો હોવાની વિગતો ઘટના સ્થળના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના મજાદર વિકટર ગામ પાસેથી સિમેન્ટ ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. દરમ્યાન ખાનગી કંપનીમાંથી સિમેન્ટ ભરી ટ્રક સુરત તરફ જઈ રહી હતી ત્યારે જ અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે,સમયસૂચકતા વાપરી ડ્રાઈવર ટ્રકમાંથી કૂદી જતા તેનો બચાવ થયો હતો. આગના કારણે થોડીવાર માટે રસ્તા પર વાહનોના પૈડાં થંભી ગયા હતા.
આગ લાગ્યાનું કારણ હજુ પણ અકબંધ
ટ્રકમાં લાગેલી આગની આ ઘટનાને લઇને અફરરતફરીનો માહોલ સર્જાયો હતો જેને લઇ ઘટના અંગેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. આગનો કોલ મળતાની સાથેજ ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર તુરંત જ કાબૂ મેળવી લીધો હતો. ઘટનાના પગલે પોલીસ વિભાગ પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. જો કે, ટ્રકમાં આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.