SURAT

હજીરાના જંગલની જમીનની ફાળવણીમાં ગેરરીતિના કોંગ્રેસના આક્ષેપ સામે આર્સેલર મિત્તલ કંપનીએ આ ખુલાસો કર્યો

સુરત(Surat): ગુજરાત પ્રદેશ કોંગ્રેસના (Congress) સિનિયર આગેવાન અર્જુન મોઢવડીયાએ હજીરામાં જંગલની જમીનની ફાળવણીમાં ગેરરીતિ અંગે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (એએમએનએસ) ઈન્ડીયા સામે કેટલાક આક્ષેપ કર્યા છે. તે ગેરમાર્ગે દોરનારા છે અને હકિકતની દ્રષ્ટીએ સાચા નથી. કંપનીના પ્રવક્તાએ આ આક્ષેપો નકારતા જણાવ્યું છે કે, એએમએનએસ ઈન્ડીયાએ હજીરા પ્લાન્ટનું નિયંત્રણ સંભાળ્યું તે પછી કંપનીને કોઈ જમીનની ફાળવણી કરાઈ નથી કે અમે કોઈ પેશકદમી (દબાણ) પણ કરી નથી. જે ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે ડિસેમ્બર 2019માં એએમએનએસ ઈન્ડીયાએ આ પ્રોજેકટમાં પ્રવેશ કર્યો તે પહેલાની છે. કંપનીએ અંદાજે રૂ. 50,000 કરોડના ખર્ચે આ પ્રોજેકટનું નિયંત્રણ સંભાળ્યું ત્યારથી કંપનીએ જે કામગીરી કરી નથી તે માટે બાકી નાણાં અને દંડ ચૂકવીને આ જમીનને નિયમિત કરી આપવા માટે એએમએનએસ ઈન્ડીયા સરકારને સહયોગ આપી રહી છે. એએમએનએસ ઈન્ડીયાએ હાલની ચોખ્ખી કિંમત અને વ્યાજ સહિત નિયમો અને ફોરેસ્ટ હેન્ડબુક મુજબ બાકી નાણાં અને પેનલ્ટી ચાર્જ ચૂકવી આપ્યો છે.

એએમએનએસ ઈન્ડીયાએ રૂ. 80,000 કરોડનું મૂડીરોકાણ કરીને આ પ્રોજેકટનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યુ છે. આ રોકાણથી અંદાજે 1 લાખ લોકો માટે રોજગારીની તકો ઉભી થશે અને સરકારી તિજોરીને વધારાની વાર્ષિક રૂ. 3,000 કરોડની આવક થશે. જે જમીનની માગણી કરી છે તે કંપનીનાં હાલના એકમની નજીક આવેલી એક માત્ર જમીન છે અને આ પ્રોજેકટનું સુસંકલિત વિસ્તરણ કરવા માંગીએ છીએ. આમ છતાં અમે એ સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે જમીન માટેની અરજીઓ પ્રક્રિયા હેઠળ છે અને હજુ અમને કોઈ જમીન ફાળવવામાં આવી નથી.

એએમએનએસ ઈન્ડીયાને જંગલની 158 હેકટર જમીન ફાળવવામાં અન્ય અરજદારોની તુલનામાં અગ્રતા અપાઈ છે તે અર્થહીન મુદ્દો છે. અમે ઉપર જે સ્પષ્ટતા કરી છે તે મુજબ એએમએનએસ ઈન્ડીયાએ તેની જરૂરિયાતને આધારે જમીનની માગણી કરી છે. ગુજરાત હાઈકોર્ટે જંગલની જમીનનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતે સ્પષ્ટ માર્ગરેખાઓ જારી કરી છે. અમને સરકારી પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને સરકાર લોકોના ઉત્તમ હિતમાં હશે તેવો જ નિર્ણય કરશે. કંપનીએ એ બાબતે પણ સ્પષ્ટતા કરી છે કે કાયદામાં જંગલની જમીનની ફાળવણીમાં વહેલો તે પહેલો જેવો કોઈ નિયમ નથી. આ ઉપરાંત અન્ય પાંચ અરજદારોએ જંગલની જમીનની માગણી કરી છે તે ભારતની ઔદ્યોગિક કંપનીઓ નથી અને તેમની જરૂરિયાત પણ ખૂબ નાની છે. તેમને વૈકલ્પિક સ્થળે જમીન આપી શકાય તેમ છે.

Most Popular

To Top