નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જમ્મુ અને કાશ્મીર સંબંધિત બે નવા બિલ પર ચર્ચા કરી હતી. આ અંગે વાત કરતા અમિત શાહે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાથી કેટલાક લોકો પરેશાન છે. તેમણે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023ને રજૂ કરતા એક મોટું નિવેદન આપ્યું છે.
આજે લોકસભામાં અમિત શાહે પાકિસ્તાન અને ભારત વચ્ચે વિવાદિત મુદ્દો જમ્મુ અને કાશ્મીર વિશે વાત કરતા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને જવાબદાર ગણાવ્યું છે. અમિત શાહે અહીં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)ની સમસ્યા સૌથી પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કારણે ઊભી થઈ હતી. આખું કાશ્મીર આપણા હાથમાં આવ્યા વિના યુદ્ધવિરામ લાદવામાં આવ્યો, નહીંતર તે ભાગ આજે ભારતનો હોત. શાહના આ નિવેદન પર લકોસભાના ગૃહમાં હોબાળો જોવા મળ્યો હતો, જેના પરિણામે વિપક્ષે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી એવા નેતા છે, જે ગરીબ પરિવારમાં જન્મ્યા છે અને દેશના વડાપ્રધાન બન્યા છે, તેઓ પછાત અને ગરીબોની પીડા જાણે છે. અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાથી કેટલાક લોકો પરેશાન છે.
લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે હું પડકાર આપું છું કે તારીખ નક્કી કરવી જોઈએ અને કાશ્મીર મુદ્દે નેહરુના યોગદાન પર ચર્ચા થવી જોઈએ. ચૌધરીએ દાવો કર્યો હતો કે ભાજપના કેટલાક નેતાઓ નેહરુ પર કાશ્મીર મુદ્દાને યોગ્ય રીતે ન સંભાળવાનો આરોપ લગાવી રહ્યા છે. શાહે તરત જ આનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સરકાર આ પડકાર સ્વીકારે છે અને ચર્ચા માટે તૈયાર છે.