અમિતાભ બચ્ચન 82 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ અને સતત કામમાં એક્ટિવ દેખાય છે. જોકે, હવે બિગ બીના શરીર પર તેમની વધતી ઉંમરની અસર વર્તાવા લાગી છે. કેમેરા સામે ફીટ દેખાતા અમિતાભ બચ્ચન અંગત જિંદગીમાં શારીરિક કમજોરીનો અનુભવ કરવા લાગ્યા છે. આ વાતનો ખુલાસો ખુદ અમિતાભ બચ્ચને કર્યો છે.
બિગ બી પ્રખ્યાત શો KBC માં હોસ્ટ તરીકે જોવા મળે છે. આ દરમિયાન તેમણે તેમના તાજેતરના બ્લોગમાં વધતી ઉંમરના પડકારો વિશે વાત કરી છે. બિગ બીએ જણાવ્યું કે હવે તેમને તેમના અંગત કાર્યો કરવામાં મુશ્કેલી પડી રહી છે.
રવિવારે પોતાના ચાહકોને મળ્યા બાદ બિગ બીએ લખ્યું કે હવે તેમનું રૂટિન શિડ્યુલ કામ, દવાઓ અને કસરત દ્વારા નક્કી થાય છે. તેમણે કહ્યું, શરીરે ધીમે ધીમે પોતાનું બેલેન્સ ગુમાવવાનું શરૂ કર્યું છે. તેને રોકવા અને સુધારવા તેના પર કામ કરવાની જરૂર છે. યોગ, શ્વાસની કસરતો અને મોબિલીટી ટ્રેનિંગના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે તેઓ દરરોજ જીમમાં મોબિલીટી એક્સરસાઈઝ અને યોગનો અભ્યાસ કરે છે, જેથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા ન આવે.
તેમણે આગળ લખ્યું કે હવે સરળ કાર્યોમાં પણ વધુ મહેનતની જરૂર પડે છે. પહેલાં મને લાગતું હતું કે જૂની આદતો સરળતાથી ફરી શરૂ કરી શકાય છે પરંતુ હવે મને સમજાયું છે કે એક દિવસનો વિરામ પણ લાંબા ગાળાની અસર કરે છે. ફક્ત એક દિવસનો ગેપ અને દુઃખાવો અને મોબિલીટી લાંબા પ્રવાસ પર નીકળી જાય છે. આશ્ચર્યજનક છે કે પહેલા તે સામાન્ય ક્રિયાઓ હતી પરંતુ હવે તે કરતા પહેલાં મગજે વિચારવું પડે છે. સરળ કામ જેવા કે, પેન્ટ પહેરવું. ડૉક્ટર સલાહ આપે છે કે મિ. બચ્ચન પ્લીઝ બેસીને પેન્ટ પહેરો. પહેરતી વખતે ઉભા રહેવાનો પ્રયાસ કરશો નહીં. તમે બેલેન્સ ગુમાવી પડી શકો છો.
પોતાના બ્લોગમાં તેમણે આગળ કહ્યું કે નીચે ઝૂકવું પણ ખૂબ મુશ્કેલ છે. પડી ગયેલા કાગળને ઉપાડવા જેવું. તેઓ લખે છે કદાચ આ વાંચીને તમે હસશો અને તમારે આનો સામનો ન કરવો પડશે પરંતુ આ દરેક સાથે થશે.
કામના મોરચે બચ્ચન આગામી સમયમાં રિભુ દાસગુપ્તાની ‘સેક્શન 84’ માં મોટા પડદા પર જોવા મળશે, જેમાં ડાયના પેન્ટી, નિમરત કૌર અને અભિષેક બેનર્જી પણ છે. આ ઉપરાંત તે નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન એક્શન એપિક ‘કલ્કી 2898 એડી’ ની સિક્વલમાં અશ્વત્થામાની ભૂમિકા પણ ફરીથી ભજવશે, જેમાં પ્રભાસ, કમલ હાસન અને દીપિકા પાદુકોણ અભિનીત છે. આ સિક્વલ પર કામ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થશે.