નવી દિલ્હી: ભારતીય ન્યાયિક સંહિતા 2023 (Indian Judicial Code 2023) બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) લોકસભામાં ત્રણ નવા ફોજદારી કાયદા બિલ ઉપર ચર્ચા કરી હતી. દરમિયાન તેમણે કહ્યું કે કાયદા અનુસાર મોબ લિંચિંગના (Mob lynching) ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ હશે. તેમજ કેન્દ્રના જણાવ્યા મુજબ નવા બિલોમાં (Bills) દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવાની જોગવાઇ કરવામાં આવશે. તેમજ “સજા” બદલ “ન્યાય” ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ મામલે અમિત શાહે કહ્યું કે પહેલા CrPCમાં 484 સેક્શન હતા. જે હવે 531 સેક્શન હશે. 177 વિભાગોમાં ફેરફારો કરવામાં આવ્યા છે અને 9 નવા વિભાગ ઉમેરવામાં આવ્યા છે. આ સાથે જ 39 નવા પેટા વિભાગો ઉમેરવામાં આવ્યા છે. તેમજ 44 નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં જળમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
150 વર્ષ પછી આ ત્રણ કાયદા બદલતા ગર્વ છે
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે હવે અંગ્રેજોનું શાસન નથી, કોંગ્રેસનું શાસન નથી, ભાજપ અને નરેન્દ્ર મોદીનું શાસન છે. આ કારણે આતંકવાદને બચાવવાની કોઈ દલીલ અહીં નહીં ચાલે. અંગ્રેજોએ બનાવેલો રાજદ્રોહ કાયદો, જેના હેઠળ તિલક મહારાજ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિત આપણા ઘણા સ્વાતંત્ર્ય સેનાની વર્ષો સુધી જેલમાં રહ્યા તે કાયદો આજે પણ ચાલુ છે. પહેલીવાર મોદી સરકારે રાજદ્રોહ કાયદો સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. પ્રથમ વખત PM મોદીના નેતૃત્વમાં આપણા બંધારણની જરૂરિયાત મુજબ કાયદો બનવા જઈ રહ્યો છે. તેમજ 150 વર્ષ પછી આ ત્રણ કાયદા બદલ્યા તેનો મને ગર્વ છે.
મોદી સરકાર પહેલીવાર આતંકવાદને સમજાવવા જઈ રહી છે
ગૃહમંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે ટેકનોલોજીના ઉપયોગથી નવા ભારતના કાયદો અને વ્યવસ્થા અત્યાધુનિક બનશે. મોબ લિંચિંગએ ઘૃણાસ્પદ ગુનો છે.તેમજ નવા કાયદામાં અમે મોબ લિંચિંગના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરી રહ્યા છીએ. પરંતુ હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે તમે પણ વર્ષો સુધી દેશ પર શાસન કર્યું છે, તમે મોબ લિંચિંગ સામે કાયદો કેમ ન બનાવ્યો? તમે મોબ લિંચિંગ શબ્દનો ઉપયોગ માત્ર દુરુપયોગ કરવા માટે કર્યો હતો. પરંતુ જ્યારે તમે સત્તામાં હતા ત્યારે કાયદો બનાવવાનું ભૂલી ગયા હતા. હવે પ્રથમ વાર મોદી સરકારે આ કાયદાનું નિર્માણ કર્યું છે.
આ પીએમ મોદીની સરકાર છે, જે કહે છે તે કરે છે
ગૃહમંત્રીએ કહ્યું કે અમે કહ્યું હતું કે અમે શક્ય તેટલી વહેલી તકે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું અને 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા ત્યાં બિરાજશે. આ પીએમ મોદીની સરકાર છે, જે કહે છે તે કરે છે. અમે કહ્યું હતું કે અમે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપીશું. કોંગ્રેસ ઘણી વખત સત્તામાં આવી અને તારીખો આપતી રહી, પરંતુ અમે તેને પૂર્ણ કરી અને બહુમતી સાથે મહિલાઓને સશક્ત કરી.