આણંદ ખાતે રવિવારે કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમૂલના ૭૫મા સ્થાપના વર્ષની અને સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી આણંદ ખાતે કરાઈ હતી. શાહે સહકારિતાને આર્થિક વ્યવસ્થાનો મજબુત સ્થંભ બનાવવા માટે સૌને સંકલ્પબધ્ધ થવા હાકલ કરી છે.
શાહે કહ્યું હતું કે પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવામાં સહકારિતા ક્ષેત્ર આગવા યોગદાન સાથે આત્મનિર્ભર ભારત બનાવવામાં પ્રેરક બળ પુરૂ પાડશે. શાહે વધુમાં રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એન.સી.ડી.સી.) દ્વારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે રૂા.૫૦૦૦ હજાર કરોડની ડેરી સહકાર યોજનાનું લોન્ચિંગ કર્યું હતું.
અમિત શાહે તથા સીએમ ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દુધ નગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમુલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભા ગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેકટરીમાં રૂા.૧.૭૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્ચિંગ કર્યું હતું. તેમણે ખાત્રજમાં ૨૫૦૦ મેટ્રીક ટન ચીજની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચીઝ વેર હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રિય મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની આગવી દ્રષ્ટીથી સહકારિતા મંત્રાલયની રચના કરી છે. સહકારથી સમૃધ્ધિના ધ્યેય મંત્ર સાથે સહકારિતા મંત્રાલય દ્વારા સહકારી માળખાને વધુ સુદ્ધઢ બનાવવા જરૂરી બદલાવ કરવામાં આવશે. ઇફકો, ક્રિભકો અને લિજ્જત પાપડ જેવા સહકારિતાના સફળ મોડેલ આપણી સમક્ષ છે ત્યારે કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા વિષયોને સહકારિતા સાથે જોડી આત્મનિર્ભર બનાવવાની દિશા તરફ આગળ વધુ વધવું પડશે. અમુલ જેવી સહકારી સંસ્થા આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ખેડૂતો સજીવ અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એટલું જ નહીં ખેડૂતો દ્વારા ઉત્પાદિત ફળ, ફુલ, શાકભાજી અને ધાન્ય જેવી ખેત પેદાશોને સહકારિતાના ધોરણે યોગ્ય વેચાણ વ્યવસ્થા ઉભી કરવા અમુલને પ્લેટફોર્મ પુરૂ પાડવા તેમણે આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સહકારિતાના માધ્યમથી ખેતી-ખેડૂતો, પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સમય સાથે આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે બદલાવ લાવી ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારિતાનું આગવું પ્રદાન રહેશે. શાહે કેન્દ્ર સરકારની ડેરી સહકાર યોજનાનો વિશેષ લાભ લઇ ગુજરાતના ડેરી ઉદ્યોગના આંતર માળખાકીય સુવિધામાં વધારો કરવા દુધ સંઘોના સંચાલકોને અનુરોધ કર્યો હતો.
સરદાર સાહેબનો અમુલ સાથે ગહેરો નાતો હતો: અમિત શાહ
સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરદાર સાહેબનો અમુલ સાથે ગહેરો નાતો હતો. ખાનગી ડેરીના અન્યાય સામે ખેડૂતોના સંઘર્ષને સરદાર સાહેબની પ્રેરણાથી કર્મઠ એવા ત્રિભુવનદાસ પટેલે સકારાત્મક વિચાર સાથે સહકારિતા આંદોલન ઉપાડ્યું હતું. જે બીજ આજે વટવૃક્ષ બની ૩૬ લાખ પરિવારો માટે જીવન નિર્વાહનું કેન્દ્ર બન્યું છે. સ્વ. ત્રિભુવનદાસ પટેલે સરદાર સાહેબની પ્રેરણાથી પુરૂષાર્થથી પરાકાષ્ઠા સર્જી અમુલને આજે વિશ્વ બ્રાન્ડ બનાવી છે તેમ તેમણે ઉમેર્યું છે.
તેમણે જણાવ્યું કે, ૨૦૦ લીટર દુધ એકત્રિકરણથી શરૂ થયેલ અમુલ આજે દૈનિક ૩૦ લાખ લીટર દુધની ક્ષમતા ધરાવે છે. જેના થકી ૩૬ લાખ ખેડૂત પરિવારો સન્માનપૂર્વક જીવન નિર્વાહ કરી રહયા છે. ૧૮૬૦૦ દુધ મંડળીઓ અને ૧૮ જિલ્લા સ્તરીય સંઘો તેમજ ગુજરાત સહિત અન્ય રાજયોમાં ૮૭ સ્થળોએ મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ સાથે અમુલ આજે વટવૃક્ષ બની વિશ્વમાં નામના મેળવી છે.