સુરત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી (Union Home and Cooperation Minister) અમિત શાહે (Amit Shah) હજીરા (Hazira) સ્થિત એલ એન્ડ ટી (L.N.T) કંપનીના એ.એમ.નાયક હજીરા હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ,(Heavy Engineering Complex) સબમરીન, ડિફેન્સ વિભાગ, ટર્બાઈન વિભાગની મુલાકાત લઇ જુદા જુદા ડિફેન્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ (Inspection) કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પર્યાવરણનાં સંરક્ષણનો અનુરોધ કરતાં કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવું એ આપણી ફરજ છે.
અમિત શાહે એલ એન્ડ ટી પરિસરમાં વૃક્ષારોપણ કર્યું
માનવના જન્મથી લઈ સમગ્ર જીવન દરમિયાન વૃક્ષો અનેક રીતે ઉપયોગી બને છે. દર વર્ષે સરકાર અનેક કાર્યક્રમોના માધ્યમથી કરોડો વૃક્ષોનું વાવેતર અને જનજાગૃતિનું કાર્ય કરી રહી છે. વૃક્ષોનું અનેરું મહત્ત્વ આપણા પુરાણોમાં પણ દર્શાવ્યું છે.ગૃહમંત્રી સાથે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય ઝંખના પટેલ, એલ એન્ડ ટીના ગ્રુપ ચેરમેન અનિલ નાયક અને એલ એન્ડ ટીના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
અમિત શાહનું કૃભકો કાર્યક્રમમાં સંબોધન
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના હજીરા સ્થિત કૃભકો(કૃષકભારતી કો-ઓપ.લિ.)ના રૂ.૩૫૦ કરોડના ખર્ચે પ્રતિદિન ૨.૫૦ લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે, ઈથેનોલ મિશ્રણના કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં રૂ. ૪૬૦૦૦ કરોડની બચત થઈ છે, જેનો સીધો અર્થ એ છે કે શેરડી, મકાઈ, ડાંગર જેવા પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોના પરિશ્રમના પરિપાકરૂપે આ રૂ. ૪૬૦૦૦ કરોડની રકમ તેમના સુધી પહોંચી છે.
મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનું નિર્માણ કરાશે: અમિત શાહ
સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન અને ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ માટે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનું નિર્માણ કરાશે એવી પણ ગૃહમંત્રીએ આ પ્રસંગે જાહેરાત કરી હતી. આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત આમ્રપાલી ઓપન એર થિએટર, કૃભકો ટાઉનશીપ ખાતે આયોજિત સહકારિતા સંમેલન સહ કૃભકોના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટના ખાતમુહુર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોજેક્ટના કારણે ખેડૂતો પાસેથી મોટા પાયે મકાઈની ખરીદી કરવામાં આવશે, જે તેમના માટે આવકના નવા રસ્તા ખોલશે, તેમજ મકાઈ, શેરડી, ડાંગર પકવતા ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલી જશે.