દેશમાં હાલ ચૂંટણીનો (Election) ઉત્સવ ચાલી રહ્યો છે. સોમવારે દેશમાં ચોથા ચરણનું મતદાન (Voting) થયું. તેવામાં પાછલા 3 ચરણમાં તબક્કાવાર ઓછા મતદાનને કારણે શેરબજારના રોકાણકારોમાં ભયનું વાતાવરણ છે. મે મહિનામાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ઉપાડને કારણે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોને ડર છે કે ઓછા મતદાનને કારણે સતત ત્રીજી વખત સત્તામાં પાછા ફરવાના મોદી સરકારના પ્રયાસોને ફટકો પડી શકે છે. આ ડરના કારણે માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઘટાડા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોકાણકારોને ખાતરી આપી છે અને ઘટાડા વચ્ચે શેરબજારમાં ખરીદી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે 4 જૂન પછી શેરબજાર ઉપર જશે.
મીડિયા રિપોર્ટ અનુસાર અમિત શાહે કહ્યું કે ભારતીય શેરબજારમાં વર્તમાન ઘટાડા કરતાં મોટો ઘટાડો ભૂતકાળમાં જોવા મળ્યો છે. બજારમાં આ ઘટાડાનો સંબંધ ચૂંટણી સાથે ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે બજારમાં આ ઘટાડો અફવાઓને કારણે થયો હોઈ શકે છે. અમિત શાહે રોકાણકારોને 4 જૂન 2024 પહેલા બજારમાં ખરીદી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે 4 જૂન પહેલા ખરીદી કરી લો પછી બજાર ઉપર જશે. જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે શું સેન્સેક્સ 1 લાખનો આંકડો પાર કરશે? તો તેમણે કહ્યું કે હું શેરબજારનું મૂલ્યાંકન કરી શકતો નથી. પરંતુ જ્યારે કેન્દ્રમાં સ્થિર સરકાર આવે છે ત્યારે શેરબજાર ઉપર જાય છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સ્થિર સરકાર આવવા જઈ રહી છે તેથી બજારમાં તેજી આવશે.
જણાવી દઈએ કે સવારે ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહેલા ભારતીય શેરબજારમાં નીચલા સ્તરેથી મજબૂત રિકવરી જોવા મળી છે. સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ ઘટીને 72000થી નીચે 71,866 પોઈન્ટ પર આવી ગયો હતો અને તે 50 પોઈન્ટના વધારા સાથે 72,706 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ સવારે 230 પોઈન્ટ્સ તૂટ્યો હતો પરંતુ નિફ્ટીમાં ખરીદી નીચલા સ્તરેથી પાછી ફરી હતી અને હવે 32 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. વોલ ઈન્ડિયા વિક્સ જે બજારની વધઘટ અને અસ્થિરતાને માપે છે તે 16 ટકાથી વધુના ઉછાળા સાથે 21.47 પર પહોંચી ગઈ છે. જોકે ઈન્ડિયા વિક્સ ઉપલા સ્તરથી સુધર્યો છે અને હવે તે 20.56ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.