National

કોંગ્રેસે કર્ણાટકમાં મુસ્લિમોને OBC ક્વોટા આપ્યો, ભાજપ હરિયાણામાં આવું નહીં થવા દે- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પછાત વર્ગ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. અમિત શાહે કહ્યું કે જો કોંગ્રેસ હરિયાણામાં સત્તામાં આવશે તો ઓબીસી પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપશે. હરિયાણાના મહેન્દ્રગઢમાં પછાત વર્ગ સન્માન સંમેલનને સંબોધતા અમિત શાહે OBC ને અનામત આપવા માટે 1950માં રચાયેલા કાકા કાલેલકર કમિશનનો ઉલ્લેખ કર્યો હતો. શાહે કહ્યું કે કોંગ્રેસે વર્ષોથી તેની ભલામણોનો અમલ કર્યો નથી.

અમિત શાહે કહ્યું કે, 1980માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ મંડલ કમિશનને અભરાઈ પર મૂકી દીધું હતું. 1990માં જ્યારે તેનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે રાજીવ ગાંધીએ અઢી કલાકનું ભાષણ આપ્યું હતું અને OBC અનામતનો વિરોધ કર્યો હતો.

અમિત શાહે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસે પછાત વર્ગો પાસેથી આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપ્યું. જો તેઓ અહીં સત્તામાં આવશે તો અહીં પણ આવી જ સ્થિતિ થશે. અમિત શાહે કહ્યું કે તેઓ હરિયાણાના લોકોને આશ્વાસન આપે છે કે ભાજપ રાજ્યમાં મુસ્લિમ આરક્ષણને મંજૂરી નહીં આપે. ભાજપ પછાત વર્ગના અધિકારોનું રક્ષણ કરશે. શાહે કહ્યું કે હરિયાણામાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. તેમણે પછાત વર્ગના લોકોને વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને મત આપવા અપીલ પણ કરી હતી.

તમને જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. શાહે કહ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની સરકાર દલિતો, ગરીબો અને પછાત વર્ગોની છે. તેમણે કહ્યું કે 27 કેન્દ્રીય મંત્રીઓ પછાત વર્ગના છે જેમાં બે હરિયાણાના છે.

શાહે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની આગેવાની હેઠળની હરિયાણા સરકારે તાજેતરમાં પછાત વર્ગો માટે કેટલાક નિર્ણયો લીધા છે. તેમાં અન્ય પછાત વર્ગો (OBS) ના ક્રીમી લેયર માટે વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ રૂપિયા કરવાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top