Gujarat

સરકારે સાડા છ કરોડ ગુજરાતીઓને શાંતિ અને સુરક્ષા આપીને ચૌમુખી વિકાસનો રાહ ચીંધ્યો છે : અમીત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વિકાસ માટેનાં જે બીજ તેમણે રોપ્યાં હતાં તેને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે વડાપ્રધાનના પદચિહ્નો પર ચાલીને ગુજરાતની જનતાને સુરક્ષા, સલામતી અને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડી છે. એટલુ જ નહિ, રાજ્યના સર્વ સમાવેશક વિકાસ માટે તથા રોજગારના સર્જન માટે વિદેશી મૂડીરોકાણ લાવીને ગુજરાતને ચાલકબળ પૂરું પાડ્યું છે અને ચૌમુખી પ્રગતિ સાધી સર્વાંગી વિકાસ કર્યો છે, જે દેશને નવો રાહ ચીંધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલા ‘વિકાસ દિવસ’ સંલગ્ન કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને રાજ્યના વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરતા શાહે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીકાળ સમયે શરૂ કરેલી વિકાસયાત્રા અને જનકલ્યાણની પરંપરાને આગળ વધારવા બદલ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીનીતિન પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે પીએમ મોદી પછી સુશ્રી આનંદીબેન પટેલ અને ત્યાર બાદ વિજય અને શ્રી નીતિન પટેલની ટીમના પ્રયત્નો થકી જ ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે.

શાહે જણાવ્યું હતું કે આજે થનારાં કુલ રૂ. ૫૩૦૦ કરોડનાં વિકાસકામોમાં રૂ. ૩૩૨૨ કરોડનાં કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે, જેમાં અનેક બ્રિજ, રસ્તાનાં કામો, આવાસો, વીજળી અને પાણીની યોજનાઓનાં કામ સામેલ છે. જેનો મતલબ એ થાય કે આ તમામ કામોનું નિર્માણ સંપૂર્ણપણે કોરોનાકાળમાં થયાં છે. જ્યારે સમગ્ર વિશ્વમાં વિકાસનાં પૈડાં થંભી ગયાં હતાં, ત્યારે પણ દેશમાં-ગુજરાતમાં વિકાસ કામગીરી ચાલુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં એક તરફ દેશે કોરોના સામે વિજય મેળવ્યો, તો બીજી તરફ વિકાસને પણ અટકવા નથી દીધો. આ જ કડીમાં આજે કુલ રૂ.1961 કરોડનાં ભૂમિપૂજન અને ખાતમુહૂર્તનાં કામો પણ થઈ રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે દ્વારા આજે રિમોટ કન્ટ્રોલના માધ્યમથી લૉન્ચ કરવામાં આવેલી ‘વતન પ્રેમ’ યોજના અંગે જણાવ્યું કે આ યોજના દ્વારા ગુજરાત સરકારે સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને પણ ગુજરાતના વિકાસમાં જોડાવાનો સુંદર મોકો આપ્યો છે. પીએમ મોદીએ ગુજરાતમાં જનભાગીદારીની કાર્ય સંસ્કૃતિ ઊભી કરી હતી, તે આ યોજના દ્વારા રૂપાણી -નીતિન પટેલ તેને આગળ વધારી રહ્યા છે. આ યોજનાથી વિદેશમાં વસતા પ્રત્યેક ગુજરાતીને પોતાના ગામ પ્રત્યે ઋણ અદા કરવાનો-યોગદાન આપવાનો શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થશે.

તેમણે કહયું હતું કે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ આજે ૨૫ હજાર પરિવારોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે, જ્યારે ૪૫ હજાર મકાનોનો આજે શિલાન્યાસ થઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, કેશોદ, વાંકાનેરના શહેરી વિસ્તારોમાં ચાર હજાર મકાન પૂરાં પાડવાનું આજે ભૂમિપૂજન કરાયું છે. આ તકે અમદાવાદ, વડોદરા, જામનગર, સુરત, ભાવનગર, ભુજ સહિત રાજ્યમાં મજબૂત રોડ નેટવર્ક ઊભું કરવા અને ઓવરબ્રિજ, અન્ડરપાસનાં કામ માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો હતો. જેમાં ૧૧૪ જેટલા રસ્તાઓ, ઓવરબ્રિજનાં કામો રૂ. ૬૯૦ કરોડના ખર્ચે થઈ રહ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. સુજલામ-સુફલામ યોજના હેઠળ રૂ. ૧૧૬૨ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના કાર્યનું લોકાર્પણ થયું છે. શાહે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જ્યારે આ યોજનાનો પ્રારંભ કરાવ્યો, ત્યારે વિરોધીઓએ તેની ટીકા કરતાં અને પૂછતાં કે આવડી મોટી પાઇપલાઇનોમાંથી શું જશે? પણ, આજે આ યોજના થકી બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના ગામેગામ પાણી પહોંચ્યું છે અને ગુજરાતને ટેન્કર રાજમાંથી મુક્ત બનાવવાનું નરેન્દ્રભાઈનું સપનું પૂર્ણતાના આરે છે. જલજીવન મિશનની મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ પ્રત્યેક ઘર સુધી નળથી પાણી પહોંચાડવાનું વડાપ્રધાનશ્રીનું સપનું છે. ગુજરાતમાં પણ આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યનું એક પણ ઘર પીવાના પાણીથી વંચિત ન રહે એ માટે ૨૩ જિલ્લાનાં ૧૬૩૨ ગામમાં રૂ. ૪૦૦ કરોડથી વધુના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે.

શ્રમ અને રોજગારની દિશામાં આગેકૂચ કરતા આજે ૧૩ જિલ્લામાં ૧૯ નવી આઈટીઆઈ શરૂ કરવામાં આવી રહી છે, તો ૨૪ આઈટીઆઈનું એક્સટેન્શન અને નવી ૧૨ જેટલી વર્કશોપ શરૂ કરવામાં આવી છે. જ્યારે માર્ગપરિવહનની નવી સુવિધાના ભાગરૂપે આજે ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે પાંચ નવાં બસસ્ટેશન અને એક વિભાગીય એસટી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શાહે કહયું હતું કે કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ દેશભરમાં નમૂનારૂપ કામગીરી દ્વારા મક્કમ મુકાબલો કરીને નાગરિકોને સંક્રમણથી બચાવ્યા છે અને દૈનિક ૧૦ લાખ નાગરિકોને વેક્સિન આપીને વેક્સિનેશનમાં પણ સૌથી વધુ કામગીરી દેશભરમાં કરીને નાગરિકોને સુરક્ષિત કર્યા છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૮૦ હજાર કરોડથી વધુના ખર્ચે દેશના ૮૦ કરોડથી વધુ ગરીબોને દિવાળી સુધી પાંચ કિલો મફત અનાજ વિતરણનો નિર્ણય કર્યો, તે સંદર્ભે પણ રાજ્ય સરકાર દ્વારા અપ્રતિમ કામગીરી કરીને અન્ન વિતરણ કરવામાં આવ્યું છે.

શાહે જણાવ્યું હતું કે, દેશના બક્ષીપંચ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ મેળવી શકે એ માટે કેન્દ્રીય ક્વૉટામાં તબીબી સ્નાતક અને અનુસ્નાતકમાં અનામત આપવાનો મહત્ત્વનો નિર્ણય કરીને નવી શરૂઆત કરી છે. જે અંતર્ગત બક્ષીપંચના વિદ્યાર્થીઓને ૨૭ ટકા અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ૧૦ ટકા અનામત આપીને આ વિદ્યાર્થીઓ માટે તબીબી ક્ષેત્રે રોજગારીના નવા દ્વાર ખોલ્યા છે.

Most Popular

To Top