ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (GUJARAT LOCAL BODY ELECTION )માં કૉંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે ગામડાના લોકો પણ કમળની સુવાસ લઇ રહ્યા છે. અને મોટા ભાગની સીટ પર ભાજપે ભગવો લહેરાવ્યો છે, તો આપે પણ કેટલાક સ્થળોમાં ઝાડુ ફેરવી દીધું છે, ત્યારે હાલ પંજાને લોકો નમસ્કાર કરે છે કે બાય-બાય કહી રહ્યા છે તે સમજવું પણ કોંગ્રેસ માટે કપરું સાબિત થઇ રહ્યું છે.
આટલી કારમી પરાજય બાદ જે રીતે મહાપાલિકાના પરિણામ બાદ કોંગી નેતાના રાજીનામાં પડ્યા હતા એજ રીતે હવે જિલ્લાના પરિણામમાં પણ બની રહ્યું છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda)એ પ્રમુખ પદેથી રાજીનામું (Resignation) ધરી દીધું છે અને તેઓએ હારની જવાબદારી સ્વીકારી આ રાજીનામું ધરી દીધું હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ અંગે તેમણે હાઇકમાન્ડને જાણ કરી દીધી છે. અને એવા પણ સમાચાર મળ્યા છે કે રાજીનામા અંગે તેઓ સાંજે પત્રકાર પરિષદ કરીને સત્તાવાર જાહેરાત કરશે.
આ સાથે જ તેમણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી લીધી છે. ગુજરાતના છ મહાનગરપાલિકા (Gujarat Corporation elections)ની ચૂંટણીમાં માઠા પરિણામ મળતા કોંગ્રેસમાં વાદ-વિવાદ સર્જાયા હતા, જો કે તે બાદ કૉંગ્રેસ પાર્ટી (Congress Party)ને એક આશા હતી કે તાલુકા-જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરશે. જોકે, પરિણામો તેમની ગણતરીથી બિલકુલ ઉલટા આવતા હાલ કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.
ઉલ્લેખનીય છે કે આઝાદી બાદ આ પ્રથમ વખત બન્યું છે જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી ભૂંડી રીતે હારી છે. આ પહેલા 2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કૉંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. ત્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. 2015માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ જ્યારે જીત તરફ આગળ વધી રહી છે ત્યારે સીએમ રૂપાણી અને સી.આર. પાટીલ કમલમ્ ખાતે પહોંચ્યાં હતાં. ત્યાં સી.આર. પાટીલે જણાવ્યું કે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જનતા સાથેના કામ અને સહકાર અને સરકારે કરેલા કામોનું પરિણામ દેખાઇ રહ્યું છે. 2015માં ભાજપને જે કાંઇપણ નુકસાન થયું હતું તેનો બદલો આજે મળ્યો છે.