મંદી, મોઘવારી અને કોરોના મહામારીમાં પરેશાન સામાન્ય અને મધ્યમ વર્ગની મુશ્કેલી વધારનાર વધુ એક કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે નોકરીયાત વર્ગને કરમાં કોઈ રાહત નહીં આપીને સામાન્ય અને મધ્યમ વર્ગ સાથે વધુ એક છેતરપિંડી કરવામાં આવી છે.
આ કેન્દ્રીય બજેટથી ગરીબ અતિ ગરીબ થશે. સામાન્ય – મધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ બનશે. કરદાતાઓને ઈન્કમટેક્સ ભરવાની બે કરવેરા પધ્ધતિ દાખલ કરીને “વન નેશન – વન ટેક્સ” ની વાત કરવાવાળી ભાજપ સરકારે પોતાની “ટુ ટેક્સ થીયરી” દાખલ કરી ધંધા રોજગારને પારાવાર નુકસાન કરી રહી છે. આવકવેરા મુક્તિવેરા મર્યાદા 5 લાખ કરવાનું ગાજર લટકતું જ રહ્યું…મોંઘવારી વધશે, દેશના કરોડો નાગરિકો માટે જીવન જીવવું મુશ્કેલ બનશે.
સામાન્ય અને મધ્યમ વર્ગ માટે મુશ્કેલીજનક કેન્દ્રીય બજેટ
ચાવડાએ કહ્યું હતું કે દેશની આર્થિક હાલાકીમાંથી ઉકેલ અને રાહત આપવાના બદલે, સામાન્ય અને મધ્યમ વર્ગ માટે મુશ્કેલીજનક કેન્દ્રીય બજેટ છે. જીડીપી ગ્રોથ – 11 વર્ષમાં સૌથી નીચો, રોકાણ – 17 વર્ષમાં સૌથી નીચો, ઉત્પાદન – 15 વર્ષમાં સૌથી નીચો, ટેક્સ ગ્રોથ – 20 વર્ષમાં સૌથી નીચો, બેરોજગારી – 45 વર્ષમાં સૌથી વધુ, ખાદ્ય ફુગાવો – 6 વર્ષમાં સૌથી વધુ, તો પણ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કહે છે ઓલ ઇઝ વેલ. . . ! કૃષિ સેસ પેટ્રોલ પર રૂપિયા ૨.૫૦ અને ડીઝલ પર રૂપિયા ૪ વધશે તે કંપનીઓ ક્યાંથી લાવશે એની કોઈ સ્પષ્ટતા નહીં… સેસનો બોઝ સીધી રીતે જનતા પર નહીં આવે તો કોના પર આવશે ?