Business

SIRના ભૂતે દેશમાં 7નો ભોગ લીધો, આજે વધુ બે BLOના મોત

દેશના અનેક રાજ્યોમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા દરમિયાન BLO અને BLO સહાયકોના મોતના બનાવો જોવા મળી રહ્યા છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક સ્થળોએ કામના દબાણ, માનસિક તણાવ અને હાર્ટ એટેક જેવી પરિસ્થિતિઓ વચ્ચે BLO કર્મચારીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે.

SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે અંતર્ગત રાજ્યભરમાં મતદાર યાદીની વિસ્તૃત ચકાસણી થઈ રહી છે. BLOઓ લોકોને ઘેર ઘેર જઈ ફોર્મ વહેંચી રહ્યા છે, દસ્તાવેજો તપાસી રહ્યા છે અને મતદાર યાદીમાં સુધારણા કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં BLOઓ પર કામનો બોજો વધ્યો છે.

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કામગીરી દરમિયાન એક ગંભીર ઘટના બની છે. કૃષ્ણનગરની એક મહિલા બૂથ લેવલ ઓફિસર (BLO) રિંકુ તરફદારે SIRના ભારે કામના દબાણને કારણે પોતાનું જીવન ટુકાવ્યું છે.

ઘટનાસ્થળેથી મળી આવેલી તેની સ્યુસાઈડ નોટમાં ચૂંટણી પંચને સીધું જવાબદાર ગણાવવામાં આવ્યું છે. રિંકુ તરફદાર છાપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બંગાલઝી વિસ્તારના બૂથ નંબર 201 પર ફરજ બજાવી રહી હતી.

સ્યુસાઈડ નોટમાં રિંકુ તરફદારે લખ્યું છે “કે SIR પ્રક્રિયા દરમિયાન કામનું દબાણ ખૂબ વધી ગયું હતું અને તે આ દબાણ સહન કરી શકતી ન હતી”.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુખ વ્યકત કર્યું
આ ઘટનાએ રાજ્યમાં ભારે ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સોશિયલ મીડિયા પર આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે “કૃષ્ણનગરમાં વધુ એક BLOએ પોતાનું જીવન ટુકાવ્યું તે જાણીને ખૂબ આઘાત લાગ્યો. રિંકુ તરફદારે પોતાની અંતિમ નોંધમાં ચૂંટણી પંચને દોષી ઠેરવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે આ SIR માટે કેટલા લોકોના જીવ જશે? આ પ્રક્રિયા હવે ચિંતાજનક બની ગઈ છે.”

ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ BLOના મોતની ઘટના બની છે

વડોદરામાં BLO સહાયક ઉષાબેન સોલંકીનું મોતઃ 22 નવેમ્બરે વડોદરાની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી ફરજ દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયાં હતાં પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યા. પ્રાથમિક માહિતી મુજબ હાર્ટ એટેકની આશંકા છે. પીએમ રિપોર્ટ બાદ વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.

તાપી જિલ્લામાં BLO સહાયક કલ્પના પટેલનું હાર્ટ એટેકથી અવસાનઃ બેલધા ગામ પ્રાથમિક શાળાની 56 વર્ષીય આચાર્યા કલ્પનાબેન પટેલ જે BLO સહાયક તરીકે પણ ફરજ બજાવતા હતા. તેમને રાત્રે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. બારડોલીની હોસ્પિટલમાં ખસેડતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. મુખ્ય BLOએ જણાવ્યું કે તેમને કોઈ કામનું ખાસ ટેન્શન ન હતું.

કોડીનારના BLO અરવિંદ વાઢેરે કામના બોજથી કંટાળી જીવન ટુંકાવ્યુંઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા 40 વર્ષીય શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરે પોતાના વતન દેવળી ખાતે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. સગા-સંબંધીઓ અનુસાર તેઓ ઉપલી કચેરીના વધતા દબાણ અને માનસિક તણાવને કારણે પરેશાન હતા.

કપડવંજમાં BLO રમેશ પરમારનું હાર્ટ એટેકથી મોતઃ કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય રમેશભાઈ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું. મૃતકના પરિવારજનોએ બીએલઓની કામગીરીના અસહ્ય ભારણ અને સતત મુસાફરીના કારણે આચાર્યનું મૃત્યું થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

મધ્યપ્રદેશમાં રાયસેન અને દામોહમાં બે BLOના મોતઃ મધ્યપ્રદેશમાં પણ SIR દરમ્યાન બે BLOના મોત થયા છે. રાયસેનના રમાકાંત પાંડે અને દામોહના સીતારામ ગોંડનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનો આરોપ છે કે કામના ભારે દબાણને કારણે તેઓ તણાવમાં હતાં. રાયસેન જિલ્લામાં એક BLO છેલ્લા છ દિવસથી ગુમ હોવાનું પણ સામે આવ્યું છે. જેમની શોધ ચાલુ છે.

Most Popular

To Top