સ્માર્ટ મીટર સામે પ્રજાના વિરોધ વચ્ચે વીજ કંપનીએ ચૂપચાપ પોતાનું કામ કરી દીધું છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ દક્ષિણ ગુજરાતમાં 7 લાખથી વધુ સ્માર્ટ મીટર ફીટ કરી દીધા છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ એક પ્રેસનોટના માધ્યમથી જણાવ્યું કે, ભારત સરકારના ઊર્જા મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં શરૂ થયેલ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની ચારેય ડિસ્કોમમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. તે અનુક્રમે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં આજદિન સુધી કુલ 7.27 લાખ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. તેમજ સમગ્ર ગુજરાતમાં કુલ 28.76 લાખ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે.
બિલ વધારે આવતું હોવાની ધારણા ખોટી
આ સાથે વીજકંપનીએ એવી પણ સ્પષ્ટતા કરી કે, સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવવાની ધારણા એ તદ્દન ખોટી છે. ઉપરાંત ગ્રાહકોના વિશ્વાસને મજબૂત બનાવવા માટે જો કોઈ ગ્રાહક ઇચ્છે તો સ્માર્ટ મીટર સાથે ચેક (જૂનું સ્ટેટિક) મીટર પણ લગાડવાની સુવિધા ઉપલબ્ધ છે, જેથી બંને મીટરોમાં દર્શાવેલ વીજ વપરાશની તુલના ગ્રાહક પોતે કરી શકે છે.
વીજકંપનીએ સ્માર્ટ મીટર સાથે ચેક મીટર પણ લગાડ્યા
સુરતના ઘણા વિસ્તારોમાં સ્માર્ટ મીટરની સાથે ગ્રાહકોના સ્થાપન પર ચેક મીટર તરીકે જૂનું સ્ટેટિક મીટર વીજ વપરાશના યુનિટની નોંધણી-સરખામણી માટે લગાવવામાં આવ્યું છે. જેમાં સ્માર્ટ મીટર તેમજ ચેક મીટરમાં વીજ વપરાશના યુનિટમાં તફાવત જોવા મળ્યો નથી.
દેશના અન્ય રાજ્યોમાં પણ સ્માર્ટ મીટર લાગી રહ્યાં છે
દેશભરના અન્ય રાજ્યોમાં પણ સ્માર્ટ મીટર સ્થાપન કાર્ય તેજ ગતિએ શરૂ થઈ ગયું છે. જેમાં પંજાબમાં 18 લાખ, મહારાષ્ટ્રમાં 75 લાખ, ઉત્તર પ્રદેશમાં 55 લાખ, આસામમાં 45 લાખ, છત્તીસગઢમાં 30 લાખ, મધ્ય પ્રદેશમાં 28 લાખ તેમજ અન્ય રાજ્યોમાં પણ વિશાળ પ્રમાણમાં સ્માર્ટ મીટર લગાડવાનું કાર્ય ચાલુ છે.