પાકિસ્તાનને મળતું ‘ફ્રી લંચ’ હવે બંધ થઈ ગયું છે. સાઉદી, અમીરાત અથવા તો અમેરિકનો અને યુરોપિયનો તરફથી કોઈ અપેક્ષા નથી. ચીનાઓએ તો ક્યારેય પણ મફતમાં કંઈ પણ આપ્યું નથી. જો કે પાકિસ્તાનને એ વાત ક્યારેય સમજાઇ નથી. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા શ્રીલંકાથી પણ બદતર બનવાને આરે છે. નાદારી પાકિસ્તાનના માથે ઝળૂંબી રહી છે. પાકિસ્તાન માટે સંદેશ સ્પષ્ટ છે : તેણે પોતાનું બિલ જાતે ચૂકવવાનું શરૂ કરવું પડશે અને બીજાના પૈસે તાગડધિન્ના કરવાનો યુગ સમાપ્ત થઈ ગયો છે. પાકિસ્તાન પાસે મર્યાદિત વિકલ્પો છે. આર્થિક સુધારણા અથવા બરબાદી વચ્ચે તેણે પસંદગી કરવાની છે. ત્રીજો કામચલાઉ વિકલ્પ થોડાક આકરા પગલા લઈ હાલ પૂરતું કટોકટીને ટાળવાનો છે, પણ તેનાથી કટોકટી માત્ર એક ડગલું આગળ ધકેલાશે.
IMF દ્વારા વાટાઘાટોને રદ કરવી એ પાકિસ્તાન માટે વેક – અપ કોલ છે. જ્યાં સુધી પાકિસ્તાન કોઈ ચોક્કસ આર્થિક પગલાં લેવાની ખાતરી ન આપે, ત્યાં સુધી ફંડિંગ કાર્યક્રમને બહાલ કરવાનો IMFએ ઇનકાર કર્યો છે. આ પગલાઓમાં ઇંધણ સબસિડીનો અંત, પાવર ટેરિફમાં વધારો અને ટેક્સમાં વધારો જેવા પગલા સામેલ છે, જેનો રાજકીય કારણોસર સરકાર ઇનકાર કરતી રહી છે. પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ ભંડોળ અત્યારે એવા નીચા સ્તરે આવી ગયું છે કે એક મહિનાથી વધુનું આયાત કવર પૂરું પાડી શકે એમ નથી. લગભગ 10 બિલિયન ડોલરનું ફોરેક્સ રિઝર્વ જે પાકિસ્તાન પાસે હતું તે પણ ઉધાર લેવામાં આવ્યું હતું. ચાઈના – પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સની બાકી ચુકવણીમાં પાકિસ્તાન ડિફોલ્ટ થતા ચીન પણ તેના આ ‘ભાઈબંધ’થી નારાજ છે.
હવે દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે કે IMF પ્રોગ્રામ વિના, પાકિસ્તાનની આર્થિક મંદી દૂર નહીં થાય. સાઉદીએ ગયા વરસે પાકિસ્તાનને ઉધાર આપેલા 3 બિલિયન ડોલર પાછા માંગ્યા છે. જૂન – જુલાઈની આસપાસ બાકીના દેવાની ચુકવણીમાં પાકિસ્તાનનું ફોરેક્સ રિઝર્વ સાફ થઈ જશે. આશરે 6 બિલિયન ડોલરના માસિક આયાત બિલ સાથે પાકિસ્તાન પાસે ડિફોલ્ટ સિવાય કોઈ વિકલ્પ નથી. બજારો પહેલેથી તણાવ હેઠળ છે, શેરબજારમાં કડાકો બોલી ગયો છે, પાકિસ્તાની રૂપિયો ડૉલર સામે 202 થઈ ગયો છે. IMF સહાયમાં વિલંબથી રૂપિયો 220 – 225ના સ્તરને પણ તોડી નાખશે.
IMF ફંડ મળે તો પણ એ કટોકટીને કામચલાઉ ધોરણે અટકાવશે. તે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને કોરી ખાતી માળખાકીય સમસ્યાઓનું નિરાકરણ નહીં કરે. હકીકત એ છે કે પાકિસ્તાનનું 6 % GDP વૃદ્ધિદર સાથેનું સમગ્ર અર્થતંત્ર માત્ર વપરાશ આધારિત છે. રોકાણનો દર મામુલી 15 % છે, જ્યારે બચત દર માત્ર 12 % છે. અર્થતંત્ર દેવામાં જીવી રહ્યું છે, જે લગભગ દર 5 વર્ષે બમણું થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2019 – 20માં સરકારની લગભગ 80 % આવક દેવાથી થઈ હતી, જે આગામી બજેટમાં તે 100 % એ પહોંચવાની શક્યતા છે. મતલબ કે સંરક્ષણ ખર્ચ, પેન્શન, સરકાર ચલાવવી, સબસિડી, વિકાસ ખર્ચ બધુ દેવું – ધિરાણથી ચાલશે. સમસ્યા એ છે કે માત્ર 9 % ના TEX – GDP રેશિયો સાથે પાકિસ્તાન પાસે પૂરતા સંસાધનો નથી.
વ્યાજદર, પાવર ટેરિફ અને ઇંધણના ઊંચા ખર્ચને કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં છે. ઇંધણ અને ચીજવસ્તુની સબસિડી ખતમ કરવી પડશે, જે ફુગાવાને વેગ આપશે. બધુ ઠીક કરવા પાકિસ્તાને ચીલાચાલુ ગોઠવણથી આગળ વધવું પડશે. અર્થતંત્રને પુનઃસ્થાપિત કરવા અને તેને પાટે ચડાવવા ઊંડી આર્થિક સર્જરી કરવી પડશે. પરંતુ અનિશ્ચિત રાજકીય માહોલમાં તે ખૂબ મુશ્કેલ જણાય છે. સ્પષ્ટ છે કે પાકિસ્તાન અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેના કોઈ સરળ ઉપાયો દેખાતા નથી. પાકિસ્તાન અત્યંત અશાંત તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યું છે. સુધારાનો અર્થ અર્થતંત્રનું સંકોચન, વધુ આર્થિક તકલીફ, ફુગાવો, બેરોજગારી, અશાંતિ હશે. ડિફોલ્ટનો અર્થ ઉપરોક્ત તમામ બાબતો ઉપરાંત વધુ બદતર પરિસ્થિતી હશે. ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પાકિસ્તાનને મળતું ‘ફ્રી લંચ’ હવે બંધ થઈ ગયું છે. સાઉદી, અમીરાત અથવા તો અમેરિકનો અને યુરોપિયનો તરફથી કોઈ અપેક્ષા નથી. ચીનાઓએ તો ક્યારેય પણ મફતમાં કંઈ પણ આપ્યું નથી. જો કે પાકિસ્તાનને એ વાત ક્યારેય સમજાઇ નથી. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા શ્રીલંકાથી પણ બદતર બનવાને આરે છે. નાદારી પાકિસ્તાનના માથે ઝળૂંબી રહી છે. પાકિસ્તાન માટે સંદેશ સ્પષ્ટ છે : તેણે પોતાનું બિલ જાતે ચૂકવવાનું શરૂ કરવું પડશે અને બીજાના પૈસે તાગડધિન્ના કરવાનો યુગ સમાપ્ત થઈ ગયો છે. પાકિસ્તાન પાસે મર્યાદિત વિકલ્પો છે. આર્થિક સુધારણા અથવા બરબાદી વચ્ચે તેણે પસંદગી કરવાની છે. ત્રીજો કામચલાઉ વિકલ્પ થોડાક આકરા પગલા લઈ હાલ પૂરતું કટોકટીને ટાળવાનો છે, પણ તેનાથી કટોકટી માત્ર એક ડગલું આગળ ધકેલાશે.
IMF દ્વારા વાટાઘાટોને રદ કરવી એ પાકિસ્તાન માટે વેક – અપ કોલ છે. જ્યાં સુધી પાકિસ્તાન કોઈ ચોક્કસ આર્થિક પગલાં લેવાની ખાતરી ન આપે, ત્યાં સુધી ફંડિંગ કાર્યક્રમને બહાલ કરવાનો IMFએ ઇનકાર કર્યો છે. આ પગલાઓમાં ઇંધણ સબસિડીનો અંત, પાવર ટેરિફમાં વધારો અને ટેક્સમાં વધારો જેવા પગલા સામેલ છે, જેનો રાજકીય કારણોસર સરકાર ઇનકાર કરતી રહી છે. પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ ભંડોળ અત્યારે એવા નીચા સ્તરે આવી ગયું છે કે એક મહિનાથી વધુનું આયાત કવર પૂરું પાડી શકે એમ નથી. લગભગ 10 બિલિયન ડોલરનું ફોરેક્સ રિઝર્વ જે પાકિસ્તાન પાસે હતું તે પણ ઉધાર લેવામાં આવ્યું હતું. ચાઈના – પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સની બાકી ચુકવણીમાં પાકિસ્તાન ડિફોલ્ટ થતા ચીન પણ તેના આ ‘ભાઈબંધ’થી નારાજ છે.
હવે દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે કે IMF પ્રોગ્રામ વિના, પાકિસ્તાનની આર્થિક મંદી દૂર નહીં થાય. સાઉદીએ ગયા વરસે પાકિસ્તાનને ઉધાર આપેલા 3 બિલિયન ડોલર પાછા માંગ્યા છે. જૂન – જુલાઈની આસપાસ બાકીના દેવાની ચુકવણીમાં પાકિસ્તાનનું ફોરેક્સ રિઝર્વ સાફ થઈ જશે. આશરે 6 બિલિયન ડોલરના માસિક આયાત બિલ સાથે પાકિસ્તાન પાસે ડિફોલ્ટ સિવાય કોઈ વિકલ્પ નથી. બજારો પહેલેથી તણાવ હેઠળ છે, શેરબજારમાં કડાકો બોલી ગયો છે, પાકિસ્તાની રૂપિયો ડૉલર સામે 202 થઈ ગયો છે. IMF સહાયમાં વિલંબથી રૂપિયો 220 – 225ના સ્તરને પણ તોડી નાખશે.
IMF ફંડ મળે તો પણ એ કટોકટીને કામચલાઉ ધોરણે અટકાવશે. તે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને કોરી ખાતી માળખાકીય સમસ્યાઓનું નિરાકરણ નહીં કરે. હકીકત એ છે કે પાકિસ્તાનનું 6 % GDP વૃદ્ધિદર સાથેનું સમગ્ર અર્થતંત્ર માત્ર વપરાશ આધારિત છે. રોકાણનો દર મામુલી 15 % છે, જ્યારે બચત દર માત્ર 12 % છે. અર્થતંત્ર દેવામાં જીવી રહ્યું છે, જે લગભગ દર 5 વર્ષે બમણું થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2019 – 20માં સરકારની લગભગ 80 % આવક દેવાથી થઈ હતી, જે આગામી બજેટમાં તે 100 % એ પહોંચવાની શક્યતા છે. મતલબ કે સંરક્ષણ ખર્ચ, પેન્શન, સરકાર ચલાવવી, સબસિડી, વિકાસ ખર્ચ બધુ દેવું – ધિરાણથી ચાલશે. સમસ્યા એ છે કે માત્ર 9 % ના TEX – GDP રેશિયો સાથે પાકિસ્તાન પાસે પૂરતા સંસાધનો નથી.
વ્યાજદર, પાવર ટેરિફ અને ઇંધણના ઊંચા ખર્ચને કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં છે. ઇંધણ અને ચીજવસ્તુની સબસિડી ખતમ કરવી પડશે, જે ફુગાવાને વેગ આપશે. બધુ ઠીક કરવા પાકિસ્તાને ચીલાચાલુ ગોઠવણથી આગળ વધવું પડશે. અર્થતંત્રને પુનઃસ્થાપિત કરવા અને તેને પાટે ચડાવવા ઊંડી આર્થિક સર્જરી કરવી પડશે. પરંતુ અનિશ્ચિત રાજકીય માહોલમાં તે ખૂબ મુશ્કેલ જણાય છે. સ્પષ્ટ છે કે પાકિસ્તાન અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેના કોઈ સરળ ઉપાયો દેખાતા નથી. પાકિસ્તાન અત્યંત અશાંત તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યું છે. સુધારાનો અર્થ અર્થતંત્રનું સંકોચન, વધુ આર્થિક તકલીફ, ફુગાવો, બેરોજગારી, અશાંતિ હશે. ડિફોલ્ટનો અર્થ ઉપરોક્ત તમામ બાબતો ઉપરાંત વધુ બદતર પરિસ્થિતી હશે.
ડૉ. જયનારાયણ વ્યાસ
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.