તમે ક્યારેય હક માટે લડ્યા છો ? હક વિષે કદાચ સમાજવિદ્યામાં પહેલી વાર વાંચેલું… આમ તો અમને વાંચેલું લગભગ ભૂલાવા આવ્યું છે પણ ખબર નહીં કેમ કોઈ કોઈ શબ્દો યાદ રહી ગયા હોય એવું લાગે છે! નાની સી આવરદામાં આમ તો અમને લડાઈ કરી શકાય એવા ઘણા મોકા મળ્યા છે પણ સ્વભાવે બીકણ હોવાથી અમે અમારી નબળાઈ છતી ન થઈ જાય એ બીકથી ઝગડા ટાળતા આવ્યાં છીએ ! હમણાં અમને અમારા વિષે જ નવું જાણવા મળ્યું ! જરૂર પડે ત્યારે અમે ય લડી શકીએ એમ છીએ ! અમે પહેલી વાર હક માટે રણશિંગું ફૂંક્યું!
હમણાં જ એક સવારે પાડોશીઓ સાથે સાવ અનાયાસે જ છાપાંનાં લવાજમની ભેટ વિષે જાણ્યું. આમ તો આ સાવ સામાન્ય વાત છે પણ અમને અસામાન્ય લાગ્યું! મેં સૌથી પહેલાં લવાજમના પૈસા આપેલા તોય છાપાવાળાભાઇ અમારા સિવાય દરેકને લવાજમની ભેટ આપી ગયા હતા! એટલે અમારું કોપાયમાન થવું તદ્દન સ્વાભાવિક હતું!
ઘરની સફાઇ પડતી મૂકીને અમે અમારી બધી જ શક્તિઓ લવાજમની પહોંચ શોધવામાં કામે લગાડી ! ભાઈ નિયમિત છાપાં નાંખતા એટલે આ પહેલાં એમનો નંબર સેવ કરવાની જરૂરિયાત અમને ન લાગી હતી. ભાઇનો નિયમિતતાનો ગુણ અમને ગમ્યો હતો પણ માત્ર અમને જ ભેટ ન આપી એ વાત અમને ખૂંચી તો હતી! લાગ્યું હતું કે ફોન કરીને યાદ કરાવી દઇએ એટલે વાત પતશે , પણ નહીં
हमारे हक़ की लड़ाई ज़रा ज्यादा लंबी चली …
પાકી પહોંચ શોધતાં શોધતાં અમને બીજા કામના કાગળિયા ય હાથ લાગ્યા. આશાવાદી એવાં અમે સગવડિયો અર્થ કાઢ્યો કે ‘ ઇશ્વર જે કરે તે આપણા હિતમાં જ હોય ‘ . પહોંચ મળી એટલે અમે એક પણ ક્ષણ બગાડ્યા વિના ભાઇને ફોન લગાડ્યો , આશા હતી કે એ એવું કહેશે કે “ ભૂલાઇ ગયું છે , હું બે ચાર દિવસમાં આપી જઇશ “ . પણ અફસોસ ભાઇએ તો ફોન ઉપાડયો જ નહીં . અમને લાગ્યું કે કંઈ કામમાં હશે… કરશે નિરાંતે.
ભેટ, પુરસ્કાર આપણા મનને કેમ આનંદ આપે છે? સ્પેશ્યલી ભેટ જ્યારે આપણે કોઈ પાસેથી લેવાની હોય ત્યારે તો એનું મહત્ત્વ કેમ વધી જાય છે? નાનપણમાં આપણને ગમે તેટલી ભેટ મળી હોય પણ મોટા થતાં આપણને એ બધું કેમ ભૂલાઈ જતું હોય છે ? મોટા થઇને પણ ભેટની બાબતમાં આકર્ષણ અકબંધ રહે છે એ અમે નોંધ્યું. અનુભવે અમને સમજાયું કે જીવનમાં અમે ‘ભેટ’ વિષે આટલું ગહન ચિંતન ક્યારેય કર્યું જ ન હતું!
અમે આ બધામાંથી બહાર નીકળવા માંગતા હતા એટલે બે દિવસ પછી પાછો પેલા ભાઇને ફોન લગાડ્યો.આ વખતે એમણે ફોન તો ઉપાડયો, પણ અમારી લવાજમની ભેટ બાબતે સાવ ઉદાસીનતા દાખવી. પહેલાં તો કહે કે બધાને આપી દીધી છે… અમને નથી મળી એવું જાણતાં હોવા છતાં ડોળ કરતા રહ્યા! આ વખતે અમે ય લડી લેવાના મૂડમાં હતા એટલે કહ્યું “ ચેક કરો તમારું લીસ્ટ “. ચેક કરીને માંડ માન્યા કે અમને ભેટ મળી નથી અમને હતું કે એ કહેશે “ ભૂલાઇ ગયું હતું, આપી જઇશ પણ નહીં, એમણે તો કહ્યું કે હવે આપવા માટે ભેટ છે જ નહીં … “ અને ફોન મૂકી દીધો .
અમે હવે બરાબર મૂંઝાયા હતા. હવે શું કરવું? આવું તો હોય નહીં.. ભાઈને ફોન કરીને મગજ અને સમય બગાડવાનો છે કોઈ અર્થ ન હતો. ભેટ પડતી મૂકવાનો વિચાર અમને સૌથી પહેલાં આવ્યો પણ વિચારતાં અમને લાગ્યું કે જવાબદાર નાગરિક તરીકે અમારે ખોટું ચલાવવું પણ ન જોઇએ. નેટ પર ખાંખાંખોળાં કરતાં અમે છાપાવાળાનો ઓફિસનો નંબર શોધી કાઢ્યો. ડાયલ કરતાં પહેલાં તો બે દિવસ ફોન બંધ આવતો હતો પણ અમે નાસીપાસ થયા વગર પ્રયત્નો ચાલુ રાખ્યા!
આખરે બે દિવસ આંગળીઓને ખૂબ કસરત કરાવ્યા બાદ પહેલી વાર રીંગ વાગી… અમને તો બત્રીસ કોઠે દીવા થઇ ગયા! સામે છેડેથી હેલો સાંભળતાં જ અમે અમારાં લવાજમ લેવા આવનાર ભાઇની વાત અથથી ઇતિ સુધી કહી દીધી , નામ પણ કહી દીધું… ફોન ઉપાડનાર સાહેબે બાંહેધરી આપી કે સાંજ સુધીમાં ભેટ મળી જ જશે , ન મળે તો ચોક્કસ ફોન કરજો. અમને સંતોષ હતો કે અમે જવાબદાર નાગરિક તરીકેની અમારી ફરજ બજાવી હતી , ખોટાં સામે આંખ આડા કાન કર્યા ન હતા.
કલાકમાં અમારાં જ છાપાવાળા ભાઇ ભેટ સાથે પધાર્યા … મીઠું મલકતા બોલ્યા “ બેન, ઓફિસે ભેટ લેવા જાવું ‘ તું એટલે ફોન મૂકી દીધો તો … હવે સાહેબને નો કહેતાં હો “ અમે માનવસ્વભાવની નબળાઈ વિષે ધીમે ધીમે જાણતા થઇ ગયા હોવાથી માત્ર હસીને કામ ચલાવ્યું . આખરે અમને અમારી ભેટ મળી …બે લાલ ડોલ ! મને હતું કે હકની લડાઈ લડીને ઘરમાં મારું માન સન્માન વધશે પણ બધાં ખરેખર કોપાયમાન છે. બધાંનું માનવું છે કે લાલ ડોલ બાથરૂમમાં બિલકુલ મેચ નથી થતી , મનોમન અમે પણ સહમત છીએ પણ નેતાઓની જેમ જાહેરમાં અમે એવું ક્યારેય સ્વીકારતાં નથી! અમે અમારી જીતની નિશાનીને અમારી આંખથી અળગી કરવા માંગતા નથી એટલે કહેવતને અલગ રીતે કહીએ છીએ કે… ડોલનો રંગ ન જોવાનો હોય, ગુણ જોવાનો હોય! આનંદિતા રૈયાણી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તમે ક્યારેય હક માટે લડ્યા છો ? હક વિષે કદાચ સમાજવિદ્યામાં પહેલી વાર વાંચેલું… આમ તો અમને વાંચેલું લગભગ ભૂલાવા આવ્યું છે પણ ખબર નહીં કેમ કોઈ કોઈ શબ્દો યાદ રહી ગયા હોય એવું લાગે છે! નાની સી આવરદામાં આમ તો અમને લડાઈ કરી શકાય એવા ઘણા મોકા મળ્યા છે પણ સ્વભાવે બીકણ હોવાથી અમે અમારી નબળાઈ છતી ન થઈ જાય એ બીકથી ઝગડા ટાળતા આવ્યાં છીએ ! હમણાં અમને અમારા વિષે જ નવું જાણવા મળ્યું ! જરૂર પડે ત્યારે અમે ય લડી શકીએ એમ છીએ ! અમે પહેલી વાર હક માટે રણશિંગું ફૂંક્યું!
હમણાં જ એક સવારે પાડોશીઓ સાથે સાવ અનાયાસે જ છાપાંનાં લવાજમની ભેટ વિષે જાણ્યું. આમ તો આ સાવ સામાન્ય વાત છે પણ અમને અસામાન્ય લાગ્યું! મેં સૌથી પહેલાં લવાજમના પૈસા આપેલા તોય છાપાવાળાભાઇ અમારા સિવાય દરેકને લવાજમની ભેટ આપી ગયા હતા! એટલે અમારું કોપાયમાન થવું તદ્દન સ્વાભાવિક હતું!
ઘરની સફાઇ પડતી મૂકીને અમે અમારી બધી જ શક્તિઓ લવાજમની પહોંચ શોધવામાં કામે લગાડી ! ભાઈ નિયમિત છાપાં નાંખતા એટલે આ પહેલાં એમનો નંબર સેવ કરવાની જરૂરિયાત અમને ન લાગી હતી. ભાઇનો નિયમિતતાનો ગુણ અમને ગમ્યો હતો પણ માત્ર અમને જ ભેટ ન આપી એ વાત અમને ખૂંચી તો હતી! લાગ્યું હતું કે ફોન કરીને યાદ કરાવી દઇએ એટલે વાત પતશે , પણ નહીં
हमारे हक़ की लड़ाई ज़रा ज्यादा लंबी चली …
પાકી પહોંચ શોધતાં શોધતાં અમને બીજા કામના કાગળિયા ય હાથ લાગ્યા. આશાવાદી એવાં અમે સગવડિયો અર્થ કાઢ્યો કે ‘ ઇશ્વર જે કરે તે આપણા હિતમાં જ હોય ‘ . પહોંચ મળી એટલે અમે એક પણ ક્ષણ બગાડ્યા વિના ભાઇને ફોન લગાડ્યો , આશા હતી કે એ એવું કહેશે કે “ ભૂલાઇ ગયું છે , હું બે ચાર દિવસમાં આપી જઇશ “ . પણ અફસોસ ભાઇએ તો ફોન ઉપાડયો જ નહીં . અમને લાગ્યું કે કંઈ કામમાં હશે… કરશે નિરાંતે.
ભેટ, પુરસ્કાર આપણા મનને કેમ આનંદ આપે છે? સ્પેશ્યલી ભેટ જ્યારે આપણે કોઈ પાસેથી લેવાની હોય ત્યારે તો એનું મહત્ત્વ કેમ વધી જાય છે? નાનપણમાં આપણને ગમે તેટલી ભેટ મળી હોય પણ મોટા થતાં આપણને એ બધું કેમ ભૂલાઈ જતું હોય છે ? મોટા થઇને પણ ભેટની બાબતમાં આકર્ષણ અકબંધ રહે છે એ અમે નોંધ્યું. અનુભવે અમને સમજાયું કે જીવનમાં અમે ‘ભેટ’ વિષે આટલું ગહન ચિંતન ક્યારેય કર્યું જ ન હતું!
અમે આ બધામાંથી બહાર નીકળવા માંગતા હતા એટલે બે દિવસ પછી પાછો પેલા ભાઇને ફોન લગાડ્યો.આ વખતે એમણે ફોન તો ઉપાડયો, પણ અમારી લવાજમની ભેટ બાબતે સાવ ઉદાસીનતા દાખવી. પહેલાં તો કહે કે બધાને આપી દીધી છે… અમને નથી મળી એવું જાણતાં હોવા છતાં ડોળ કરતા રહ્યા! આ વખતે અમે ય લડી લેવાના મૂડમાં હતા એટલે કહ્યું “ ચેક કરો તમારું લીસ્ટ “. ચેક કરીને માંડ માન્યા કે અમને ભેટ મળી નથી અમને હતું કે એ કહેશે “ ભૂલાઇ ગયું હતું, આપી જઇશ પણ નહીં, એમણે તો કહ્યું કે હવે આપવા માટે ભેટ છે જ નહીં … “ અને ફોન મૂકી દીધો .
અમે હવે બરાબર મૂંઝાયા હતા. હવે શું કરવું? આવું તો હોય નહીં.. ભાઈને ફોન કરીને મગજ અને સમય બગાડવાનો છે કોઈ અર્થ ન હતો. ભેટ પડતી મૂકવાનો વિચાર અમને સૌથી પહેલાં આવ્યો પણ વિચારતાં અમને લાગ્યું કે જવાબદાર નાગરિક તરીકે અમારે ખોટું ચલાવવું પણ ન જોઇએ. નેટ પર ખાંખાંખોળાં કરતાં અમે છાપાવાળાનો ઓફિસનો નંબર શોધી કાઢ્યો. ડાયલ કરતાં પહેલાં તો બે દિવસ ફોન બંધ આવતો હતો પણ અમે નાસીપાસ થયા વગર પ્રયત્નો ચાલુ રાખ્યા!
આખરે બે દિવસ આંગળીઓને ખૂબ કસરત કરાવ્યા બાદ પહેલી વાર રીંગ વાગી… અમને તો બત્રીસ કોઠે દીવા થઇ ગયા! સામે છેડેથી હેલો સાંભળતાં જ અમે અમારાં લવાજમ લેવા આવનાર ભાઇની વાત અથથી ઇતિ સુધી કહી દીધી , નામ પણ કહી દીધું… ફોન ઉપાડનાર સાહેબે બાંહેધરી આપી કે સાંજ સુધીમાં ભેટ મળી જ જશે , ન મળે તો ચોક્કસ ફોન કરજો. અમને સંતોષ હતો કે અમે જવાબદાર નાગરિક તરીકેની અમારી ફરજ બજાવી હતી , ખોટાં સામે આંખ આડા કાન કર્યા ન હતા.
કલાકમાં અમારાં જ છાપાવાળા ભાઇ ભેટ સાથે પધાર્યા … મીઠું મલકતા બોલ્યા “ બેન, ઓફિસે ભેટ લેવા જાવું ‘ તું એટલે ફોન મૂકી દીધો તો … હવે સાહેબને નો કહેતાં હો “ અમે માનવસ્વભાવની નબળાઈ વિષે ધીમે ધીમે જાણતા થઇ ગયા હોવાથી માત્ર હસીને કામ ચલાવ્યું . આખરે અમને અમારી ભેટ મળી …બે લાલ ડોલ ! મને હતું કે હકની લડાઈ લડીને ઘરમાં મારું માન સન્માન વધશે પણ બધાં ખરેખર કોપાયમાન છે. બધાંનું માનવું છે કે લાલ ડોલ બાથરૂમમાં બિલકુલ મેચ નથી થતી , મનોમન અમે પણ સહમત છીએ પણ નેતાઓની જેમ જાહેરમાં અમે એવું ક્યારેય સ્વીકારતાં નથી! અમે અમારી જીતની નિશાનીને અમારી આંખથી અળગી કરવા માંગતા નથી એટલે કહેવતને અલગ રીતે કહીએ છીએ કે… ડોલનો રંગ ન જોવાનો હોય, ગુણ જોવાનો હોય!
આનંદિતા રૈયાણી
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.