મારા એક જુના મિત્ર, જે અમેરિકન નાગરિક છે. તેમની પાસેથી અમેરિકન જીવનની અલકજલક સાંભળવા મળી. અમેરિકાનું ન્યૂજર્સી રાજ્ય સીનીયર સીટીજનો માટે સ્વર્ગ સમાન છે. ત્યાં ઠેરઠેર સીનીયર સીટીજન ક્લબો ચાલે છે અને એ પણ કેવી? તેમાં 40-50 સભ્યો હોય, જેમાં મોટે ભાગે ગુજરાતી હોય. તેનું સભ્યપદ સરકાર મંજૂર કરે પછી જ મળે. સરકાર આ ક્લબોના વહીવટીકર્તાઓને રોજના 100 ડોલર (આજની કિંમતે રૂા.8,400) મેમ્બર દીઠ આપે છે! ભારતમાં સરકાર જાત જાતના વેરા લાદે છે જ્યારે અમલદારો અને ટેક્ષચોરો માલદાર છે.
રાજકારણીઓ તો સૌથી વધુ! હવે ક્લબની કાર સભ્યના ઘરે લેવા મૂકવા આવે. સવારે ચા-નાસ્તો ભરપેટ, બપોરે જમણવાર હોય, મેમ્બર થાકે એટલે તેને ઘરે મૂકવા સરકારી ગાડી આવે. ઘણી વાર મનોરંજનનાં સ્થળો, વિશાળ માર્કેટ વિગેરેની મુલાકાત પણ ગોઠવાય. અરે, જુગારખાનાની વીઝીટ પણ ગોઠવાય અને ત્યાં કેસીનોમાં જુગાર રમવા માટે દરેક સભ્યને 50 ડોલર. વળી દિવાળી, હોળી, જન્માષ્ટમી, નાતાલ, ઇદ વિગેરે પ્રસંગોએ મેમ્બરોને ભેટ સોગાદ આપવામાં આવે! એમની વાત પરથી એક બાબત તો સમજી શક્યો કે નાગરિકો આખી જિંદગી રળી રળી સરકારને ટેક્ષ ભરતા હોય છે, તે પૈસા સરકાર તમને તમારી વૃદ્ધાવસ્થામાં વ્યાજ સાથે સલામ કરીને માનસહિત પરત આપે છે.
સુરત – ભરત પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.