અમેરિકામાં દોઢ મહિના જેટલા સમયથી સરકારી શટડાઉન ચાલી રહ્યું હતું, જેનો હાલમાં ગયા બુધવારે અંત આવ્યો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે સરકારી ભંડોળ બિલ પર હસ્તાક્ષર કર્યા, જેના કારણે ૪૩ દિવસના રેકોર્ડ શટડાઉનનો અંત આવ્યો, જે શટડાઉનના કારણે ફેડરલ કર્મચારીઓને પગાર વગર નાણાકીય તણાવનો સામનો કરવો પડ્યો, એરપોર્ટ પર ઘણા મુસાફરો ફસાયા અને કેટલીક ફૂડ બેંકોમાં લાંબી લાઇનો ઉભી થઈ હતી. બીજી પણ અનેક અંધાધૂંધી કે મુશ્કેલી સર્જાઇ હતી. અમેરિકામાં એક વિચિત્ર વ્યવસ્થા છે. ત્યાં સરકારી ખર્ચાઓ માટેના ભંડોળો સંસદમાં મંજૂર કરાવવા પડે છે અને જો તે મંજૂર થઇ શકે નહીં તો અનેક સરકારી કામો અને સેવાઓ અટકી પડે છે, આવશ્યક સિવાયની અનેક સરકારી સેવાઓ અટકાવી દેવાય છે અને જે સેવાઓ ચાલુ હોય તેમાંના પણ કર્મચારીઓને કેટલીક વખત પગારની ચુકવણી થઇ શકતી નથી જેને ગવર્મેન્ટ શટડાઉન કહેવામાં આવે છે. અમેરિકામાં આ પહેલા અનેક વખતે શટડાઉન થયું છે પરંતુ આ વખતનું શટડાઉન અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ શટડાઉન હતું.
આ વખતે સરકારી ખર્ચાઓ મંજૂર કરતા બિલને પસાર કરવામાં ઘણી વખત થાય છે તેમ રિપબ્લિકનો અને ડેમોક્રેટો વચ્ચે મડાગાંઠ સર્જાઇ. પરંતુ આ મડાગાંઠ જલદી ઉકેલાઇ નહીં. અને વળી પ્રમુખપદે માથાફરેલ ડોનાલ્ડ ટ્રમ્પ છે. તેમણે શટડાઉન જલદી ખતમ થાય તેની પરવા કરી નહીં. ટ્રમ્પે ડેમોક્રેટ્સને તેમની માંગણીઓ પર નમતું મૂકવા માટે દબાણ કરવા માટે અભૂતપૂર્વ એકપક્ષીય પગલાં લીધાં – પ્રોજેક્ટ્સ રદ કરવા અને ફેડરલ કર્મચારીઓને કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. આ શટડાઉનને કારણે વૉશિંગ્ટનમાં વ્યાપક પક્ષીય વિભાજન સર્જાયું હતુ઼. રિપબ્લિકન પ્રમુખે પરિસ્થિતિ માટે ડેમોક્રેટ્સ પર દોષારોપણ કર્યું અને સૂચન કર્યું કે મતદારોએ આગામી વર્ષની મધ્યસત્ર ચૂંટણી દરમિયાન આ પાર્ટીને કોઇ પુરસ્કાર ન આપવો જોઈએ. હું અમેરિકન લોકોને કહેવા માંગુ છું કે, તમારે આ ભૂલવું જોઈએ નહીં, ટ્રમ્પે કહ્યું. દેખીતી રીતે તેમણે શટડાઉનની સ્થિતિનો રાજકીય લાભ ઉઠાવવા પ્રયાસ કર્યો. શટડાઉન લંબાતું ગયું, સ્થિતિ એવી આવી કે એર ટ્રાફિક કંટ્રોલરોને પગાર નહીં ચુકવી શકાતા દેશભરના એરપોર્ટો પર ફ્લાઇટોમાં કાપ મૂકવાનો આદેશ ઉડ્ડયન નિયંત્રકે આપવો પડ્યો.

જો કે છેવટે મોડે મોડે સરકારને ભંડોળો પસાર કરાવવામાં સફળતા મળી. કેટલાક ડેમોક્રેટ સાંસદો ખરડાની તરફેણમાં મતદાન કરવા તૈયાર થયા, જેમને કદાચ તેમના પક્ષ તરફથી પણ આ માટે લીલી ઝંડી હતી અને છેવટે ખરડો પસાર થયો અને તેના પર પ્રમુખના હસ્તાક્ષર થયા અને ૪૩ દિવસથી ચાલતા શટડાઉનનો અંત આવ્યો. હસ્તાક્ષર સમારોહ હાઉસ દ્વારા ૨૨૨-૨૦૯ ના મોટાભાગે પાર્ટી-લાઇન મત પર બિલ પસાર કર્યાના થોડા કલાકો પછી જ યોજાયો હતો. સેનેટે સોમવારે આ ખરડો પસાર કરી દીધો હતો. ડેમોક્રેટ્સ વર્ષના અંતમાં સમાપ્ત થતી ઉન્નત ટેક્સ ક્રેડિટને લંબાવવા માંગતા હતા જે એફોર્ડેબલ કેર એક્ટ માર્કેટપ્લેસ દ્વારા મળતા આરોગ્ય કવરેજના ખર્ચને ઘટાડે છે. તેમણે ટૂંકા ગાળાના ખર્ચ બિલને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો જેમાં તે પ્રાથમિકતાનો સમાવેશ થતો ન હતો. પરંતુ રિપબ્લિકનોએ કહ્યું કે તે એક અલગ નીતિગત લડાઈ છે જે બીજા સમયે થઇ શકશે. હેલ્થ કેર ટેક્સ ક્રેડિટને લંબાવવા માટે સરકારી ભંડોળનો ઉપયોગ થવા દેવાના મામલે રિપબ્લિકનો ઝુકશે નહીં એવા તારણ પર પહોંચ્યા બાદ આઠ સેનેટરોએ ડેમોક્રેટો સાથે પક્ષીય લાઇન તોડીને શટડાઉનનો અંત લાવવા માટેના ખરડાને ટેકો આપવા માટે સમાધાન કર્યું તે પછી આ ખરડો પસાર થઇ શક્યો હતો. આ શટડાઉનનો તો અંત આવ્યો પણ અમેરિકાના આ વિશિષ્ટ વ્યવસ્થાને કારણે કેવી સ્થિતિ સર્જાઇ શકે છે તેની ઝલક સૌને જોવા મળી.