અમેરિકન વહીવટીતંત્રે યુક્રેનમાં યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટો શરૂ કરવાના ચીનના પ્રસ્તાવની નિંદા કરી હતી અને કહ્યું હતું કે યુદ્ધવિરામ થઈ શકે નહીં. અમેરિકા માટે સૌથી મોટો ખતરો ચીન નથી, પરંતુ વિશ્વશાંતિ છે. અમેરિકાનું અર્થતંત્ર જો સમૃદ્ધ થયું હોય તો તેના પાયામાં શસ્ત્રોનો વેપાર છે. દુનિયાના કોઈ પણ ભાગમાં યુદ્ધ ફાટી નીકળે તેમાં અમેરિકાની પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા હોય છે. અમેરિકાની કમાણીનો મુખ્ય સ્રોત જ ફાઇટર જેટ વિમાનો, મિસાઈલો અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમો છે. ઈઝરાયેલ જો મુસ્લિમ દેશો સાથે ઝનૂનથી યુદ્ધ કરવા તત્પર થયું હોય તો તેનું મુખ્ય કારણ અમેરિકાનું પીઠબળ છે. યુક્રેન રશિયા સામે ટકી ગયું હોય તો તેનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા મળતી સહાય છે. જો અમેરિકા ઈઝરાયેલને અને યુક્રેનને મદદ કરવાનું બંધ કરે તો બંને યુદ્ધો ઘડીના છઠ્ઠા ભાગમાં સમેટાઈ જાય, પણ તેને કારણે અમેરિકાનું અર્થતંત્ર મુશ્કેલીમાં મૂકાઈ જાય તેમ છે.
અમેરિકાની વર્તમાન સમૃદ્ધિનો પાયો તેના ડોલરનું વિશ્વવ્યાપક સામ્રાજ્ય છે. ડોલરને બીજાં વિશ્વયુદ્ધ પછી રિઝર્વ કરન્સી તરીકેનો દરજજો મળ્યો હોવાથી અમેરિકા ગમે તેટલા ડોલર છાપી શકે છે અને તેના વડે દુનિયાભરની સુખસગવડો ભોગવી શકે છે. જો વિશ્વમાં શાંતિની સ્થાપના થઈ જાય તો યુદ્ધ અને શસ્ત્રોના વેપારની આસપાસ બનેલા અમેરિકન ડોલરના સામ્રાજ્યનો અંત લાવશે. જ્યારે વિશ્વમાં શાંતિ હશે, ત્યારે અમેરિકનો ખોવાઈ જશે. તેમને સમજાશે નહીં કે શું કરવું, કારણ કે જેઓ ફક્ત યુદ્ધને ઉશ્કેરવા અને તેમના સાધનોનો ઉપયોગ કરવા માટે કામ કરે છે તેમાંથી ઘણા બેરોજગાર બની ગયા હશે. જો વિશ્વમાં યુદ્ધો બંધ થઈ જાય તો અમેરિકાનાં તમામ એરક્રાફ્ટ કેરિયર્સ, લશ્કરી એરક્રાફ્ટ, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો, સામૂહિક વિનાશના શસ્ત્રો અને તમામ સહાયક યુદ્ધ ઉદ્યોગોની જેમ તમામ લશ્કરી થાણાંઓ નિરર્થક બની ગયાં હશે. જો વિશ્વમાં શાંતિ સ્થપાઈ જાય તો અમેરિકામાં રોજગાર નંબર વન સમસ્યા બનશે. જ્યારે અમેરિકન વોર મશીનને ઇંધણ મળતું બંધ થશે ત્યારે તમામ CIA ઓપરેટરો કામથી બહાર ફેંકાઈ જશે. દુનિયામાં જ્યાં કાંઈ પણ ત્રાસવાદ ચાલે છે, તેને પ્રોત્સાહન દેવાનું કામ અમેરિકાનું ગુપ્તચર તંત્ર કરે છે. તાલિબાન તથા અલ-કાયદાને જન્મ પણ અમેરિકાની ગુપ્તચર સંસ્થા દ્વારા અપાયો હતો. તાલિબાન અમેરિકાના અંકુશથી બહાર નીકળી ગયું ત્યારે તેની સાથે સમજૂતી કરીને અમેરિકા અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી ગયું હતું.
બીજાં વિશ્વયુદ્ધ પછીનો અમેરિકાનો ઇતિહાસ લોહીથી ખરડાયેલો છે. તેણે વિયેટનામમાં યુદ્ધ કર્યું, કોરિયામાં યુદ્ધ કરાવ્યું, ઇરાક અને ઇરાનને લડાવ્યા, ભારત અને પાકિસ્તાનને લડાવ્યા અને ઈઝરાયેલ સામે અરબોને લડાવ્યા, જેથી તેમનાં શસ્ત્રોનાં કારખાનાં ધમધમતાં રહે. જો વિશ્વમાં શાંતિ સ્થપાઈ જશે તો અમેરિકાનાં મોંઘાં યુદ્ધ મશીનો ખરીદવા માટે કોઈ તત્પર નહીં હોય અને તેના લશ્કરી બેન્ડની જરૂર પણ નહીં હોય. લગભગ એક ટ્રિલિયન યુએસ ડોલરનું લશ્કરી બજેટ યુદ્ધ વિના અને દુશ્મનો વિના સંપૂર્ણપણે ખોરવાઈ જશે. જ્યારે વિશ્વમાં શાંતિ હશે, ત્યારે અમેરિકનોએ પોતાને માટે નોકરીઓ બનાવવી પડશે. તેમણે શસ્ત્રોને બદલે જીવનાવશ્યક ચીજોનું ઉત્પાદન કરવું પડશે. પોતાના ઘરે બેઠાં બેઠાં ડોલર છાપવાને બદલે તેમણે કારખાનાંમાં જવું પડશે અને શ્રમ કરવો પડશે. જો અરબ દેશો દાયકાથી લડતા હોય તો તેમાં મુખ્ય કારણ અમેરિકાનો હસ્તક્ષેપ છે. અમેરિકા દ્વારા સાઉદી અરેબિયા સહિતના ખનિજ તેલ પેદા કરતાં મુસ્લિમ દેશોને સંરક્ષણનું વચન દઈને પોતાની પાંખમાં લેવાયા હતા અને તેમના થકી પેટ્રો ડોલરનું વિશ્વવ્યાપી સામ્રાજ્ય ઉભું કરાયું હતું. હવે અરબ દેશો તેમાંથી બહાર નીકળવા માગે છે તે અમેરિકાને મંજૂર નથી. અમેરિકન વહીવટીતંત્રે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચીન દ્વારા મધ્યસ્થી કરાયેલી તાજેતરની શાંતિ સમજૂતીની નિંદા કરી હતી અને તેને અમેરિકન હિતો માટે ખતરો ગણાવ્યો હતો. અમેરિકન વહીવટીતંત્ર આ શાંતિ કરાર તોડવા માટે તૈયાર થયું છે. આ રીતે અમેરિકન વહીવટીતંત્ર શાંતિની વિરુદ્ધ છે. વિશ્વના લોકો અમેરિકન વહીવટીતંત્રની દુષ્ટતા માટે જાગી ગયા છે દરેક જણ શાંતિ ઇચ્છે છે. માત્ર અંધ અને મૂર્ખ લોકો હજુ પણ યુદ્ધ ભડકાવનારા દુષ્ટ અમેરિકન વહીવટીતંત્રને અને તેમની દુષ્ટ યોજનાને સમર્થન આપે છે. અમેરિકાનું વહીવટીતંત્ર દુષ્ટ છે, પણ અમેરિકાના નાગરિકો દુષ્ટ નથી. જોકે અમેરિકા દ્વારા દુનિયાભરમાં યુદ્ધો ભડકાવવા દ્વારા જે ધન પ્રાપ્ત કરાય છે, તેમાં નાગરિકોને પણ તેમનો હિસ્સો મળી રહેતો હોય છે. જો અમેરિકનોને કમ મહેનતે ઊંચા પગારો મળતા હોય તો તેનું કારણ મલ્ટીનેશનલ કંપની દ્વારા કરાતો શસ્ત્રોનો વેપાર છે અને ડોલરનું વિશ્વવ્યાપી સામ્રાજ્ય છે, જે દુનિયાના શોષણના પાયા પર ઊભું થયેલું છે.
ત્રીજા વિશ્વના દેશોના નાગરિકો અમેરિકાના નાગરિકો બનવા બહુ ઉત્સુક છે, તેનું મુખ્ય કારણ તે છે કે તેમને પણ લૂંટફાટમાં ભાગ પડાવવો છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે ભારતના લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે અને જિંદગીભરની કમાણી દાવ પર લગાવી દેતા હોય છે, તેનું રહસ્ય અહીં છૂપાયેલું છે. જો દુનિયામાં યુદ્ધો બંધ થઈ જાશે તો શસ્ત્રોનાં કારખાનાં બંધ થઈ જશે અને ડોલરનું સામ્રાજ્ય પણ કકડભૂસ થઈ જશે. તે દિવસે દુનિયામાં મહામંદીનો પ્રારંભ થશે અને અમેરિકાની હાલત દયનીય થઈ જશે. અત્યારે તો અમેરિકા પોતાની તમામ તાકાતથી વિશ્વમાં યુદ્ધનો સિલસિલો જીવતો રાખવા મથી રહ્યું છે, કારણ કે જે દિવસે વિશ્વમાં શાંતિ સ્થપાઈ જશે તે દિવસે અમેરિકાના આર્થિક સામ્રાજ્યનું પણ પતન થશે તે નક્કી છે.
અમેરિકાનો સૌથીમોટો શત્રુ વિશ્વશાંતિ છે
By
Posted on