ક્યારે જાણી નહીં હોય અને સાંભળી નહીં હોય તેવી અજબગજબ બિમારી લોકોને થતી હોય છે. અમેરિકામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક શખ્સ એક વિચિત્ર તકલીફ સાથે ડોકટરો પાસે આવ્યો હતો. તેની તકલીફ સાંભળીને ડોક્ટરો પણ બે ઘડી અસમંજસમાં મુકાઈ ગયા હતા. આ યુુવકના ગુદામાર્ગમાંથી મળની સાથે મૂત્ર અને વિર્ય પણ નિકળતું હતું અને આ બધાનું ઉત્સર્જન ગમે ત્યારે થઇ જતું હતું.
જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી તેવા આ ૩૩ વર્ષના યુવાનને બે વર્ષથી આ તકલીફ હતી પણ તેણે વાત સંતાડી રાખી હતી અને કોઇ તબીબી સારવાર લીધી ન હતી. પણ હાલમાં તેને પાંચ દિવસ સુધી અંડકોષમાં દુ:ખાવો થયા બાદ તે ડોકટરો પાસે સારવાર માટે આવ્યો હતો. ડોકટરો તેની આ વિચિત્ર તકલીફ જાણીને ચોંકી ગયા હતા. તેની તપાસ કરતા ડોકટરોને જણાયું હતું કે આ દર્દીના પ્રોસ્ટેટ અને આંતરડાના રેકટમ તરીકે ઓળખાતા ભાગ વચ્ચે એક નાનું કાણુ પડી ગયું હતું અને તેને કારણે તેના મૂત્ર અને વિર્યના પ્રવાહીઓ પણ મળમાર્ગમાં આવી જતા હતા અને આ મિશ્રિત પ્રવાહી ગુદામાર્ગમાંથી ઝમ્યા કરતું હતું.
- તપાસ કરતા જણાયું કે તેને પ્રોસ્ટેટ અને રેકટમની વચ્ચે નાનુ કાણુ પડી ગયું હતું
- બે વર્ષ પહેલા કેથેટર મૂકવું પડ્યું હતું, તેને કારણે આ કાણુ પડ્યું હોવાનું પણ જાણવા મળ્યું
આ શખ્સે ડોકટરોને જણાવ્યું હતું કે તેણે કોઇ સર્જરી કરાવી નથી અને શરીરના આ ભાગમાં તેને કોઇ ઇજા પણ થઇ નથી. પરંતુ ડોકટરોએ તેનો તબીબી ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું હતું કે બે વર્ષ પહેલા આ શખ્સ કેફી દ્રવ્યોના સેવનને કારણે ત્રણેક સપ્તાહ માટે બેભાન અવસ્થામાં રહ્યો હતો અને તે સમયે તેને કેથેટર મૂકવામાં આવ્યું હતું અને આ કેથેટરને કારણે તેને પ્રોસ્ટેટ અને રેકટમની વચ્ચે કાણુ પડી ગયું હતું. આવું જવલ્લે જ બને છે અને સર્જરી વડે આ કાણુ પુરી શકાય છે. જો કે આ ઘટના પછી ટેકસાસના ડોકટરોએ તબીબી આલમને કેથેટર બાબતે કાળજી માટે ચેતવણી આપી છે.