ઈરાનમાં વધતી જતી મોંઘવારી અને દેશની બગડતી આર્થિક સ્થિતિને લઈને સરકાર વિરુદ્ધ લગભગ એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં થયેલાં આ સૌથી મોટાં વિરોધ પ્રદર્શનો છે. ઈરાનનાં વિવિધ શહેરોમાં થયેલાં પ્રદર્શનોમાં ઓછામાં ઓછાં સાત લોકોનાં મોત થયાં છે. રવિવારે રાજધાની તેહરાનમાં અમેરિકન ડોલર સામે ઈરાની ચલણ રિયાલના મૂલ્યમાં તીવ્ર ઘટાડાથી ગુસ્સે ભરાયેલા દુકાનદારો દ્વારા વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં. આ પછી યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ પણ વિરોધમાં જોડાયાં અને વિરોધ ઘણાં શહેરોમાં ફેલાઈ ગયો હતો. સોશ્યલ મીડિયા પર વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણના ઘણા વીડિયો સામે આવ્યા હતા, જે દરમિયાન અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
ઈરાનમાં ઘણા વિરોધીઓએ દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમૈનીના શાસનનો અંત લાવવાની માંગણી કરી છે. કેટલાકે તો રાજાશાહી પાછી લાવવાની પણ હાકલ કરી છે. કેટલાંક વિરોધીઓ ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિમાં સત્તા પરથી ઉથલાવી દેવામાં આવેલા સ્વર્ગસ્થ શાહ મોહમ્મદ રેઝા પહલવીના પુત્ર રેઝા પહલવીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતાં પણ સાંભળવામાં આવ્યા હતા. દરમિયાન, અમેરિકામાં નિર્વાસિત જીવન જીવી રહેલા રેઝા પહલવીએ ઈરાનમાં વિરોધીઓને પોતાનો ટેકો વ્યક્ત કર્યો છે.
રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે તેઓ વિરોધીઓની કાયદેસરની માંગણીઓ સાંભળશે. જ્યારે દેશના પ્રોસીક્યુટર-જનરલ મોહમ્મદ મોવાહેદી-આઝાદે ચેતવણી આપી હતી કે અસ્થિરતા ઊભી કરવાના કોઈ પણ પ્રયાસનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સરકારને ચેતવણી આપી છે. તેમણે ટ્રુથ સોશ્યલ પરની એક પોસ્ટમાં ઈરાનમાં વિરોધ કરી રહેલાં લોકોને સમર્થન આપવાનું વચન પણ આપ્યું છે. ઈરાને કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ખબર હોવી જોઈએ કે ઇરાનની આંતરિક બાબતોમાં અમેરિકાનો હસ્તક્ષેપ સમગ્ર ક્ષેત્રમાં અસ્થિરતા ફેલાવશે.
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ઈરાની ચલણ રિયાલના મૂલ્યમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે જ્યારે વિરોધ પ્રદર્શનો શરૂ થયાં ત્યારે એક અમેરિકન ડોલરની કિંમત આશરે ૧૪.૨ લાખ રિયાલ હતી, જે એક વર્ષ પહેલાં આશરે ૮.૨૦ લાખ હતી. દાયકાઓથી પશ્ચિમી પ્રતિબંધો હેઠળ ઝઝૂમી રહેલી ઈરાનની અર્થવ્યવસ્થા સપ્ટેમ્બરના અંતથી વધુ દબાણ હેઠળ આવી ગઈ છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રે દેશના પરમાણુ કાર્યક્રમ સંબંધિત આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ફરીથી લાદ્યા હતા, જે ૧૦ વર્ષ પહેલાં હટાવી લેવામાં આવ્યા હતા. રવિવારે તેહરાનના ગ્રાન્ડ બજારમાં ઈરાની રિયાલ અમેરિકન ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યા બાદ દુકાનદારોએ હડતાળ પાડી હતી.
કરજ, હમેદાન, કેશ્મ, મલાર્ડ, ઇસ્ફહાન, કરમાનશાહ, શિરાઝ અને યઝદ જેવાં શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં. કેટલાક વિસ્તારોમાં પોલીસ વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરતી જોવા મળી હતી. ઈરાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ફુગાવો લગભગ ૫૦ ટકા સુધી પહોંચી ગયો છે અને ચલણ સતત નબળું પડી રહ્યું છે. પરંતુ આ સમસ્યાઓ ફક્ત ઈરાનના પડકારો નથી. દેશ ઊર્જા-સંકટનો પણ સામનો કરી રહ્યો છે. પાણીની તીવ્ર અછત વચ્ચે તેહરાન અને અન્ય ઘણાં મોટાં શહેરોને પાણી પૂરું પાડતાં મોટા ભાગના ડેમ લગભગ ખાલી થઈ ગયા છે. ઈરાન પણ વિશ્વના સૌથી કડક ઈન્ટરનેટ નિયંત્રણો ધરાવતા દેશોમાં સામેલ છે.
ઈરાનના રાજ્ય મીડિયાએ, વિરોધ પ્રદર્શનોના અહેવાલમાં, ભારપૂર્વક જણાવ્યું છે કે તે મુખ્યત્વે રિયાલના અનિયંત્રિત પતનને કારણે છે, નહીં કે ૧૯૭૯ની ક્રાંતિ પછી દેશમાં શાસન કરતી ધાર્મિક શાસક પ્રણાલી પ્રત્યે વ્યાપક અસંતોષને કારણે. ઈરાનમાં છેલ્લે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો ૨૦૨૩ માં થયાં હતાં. ૨૨ વર્ષીય મહસા અમીનીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પછી આ વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં, જ્યારે તેના પર હિજાબ અંગેના કડક ઇસ્લામિક કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પ્રદર્શનો દરમિયાન સેંકડો લોકો મૃત્યુ પામ્યાં હતાં, ૨૦ હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી અને ઘણાને ફાંસી આપવામાં આવી હતી.
સોમવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને એક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે તેમણે ગૃહમંત્રીને સમસ્યાઓનો ઉકેલ લાવવા અને જવાબદારીપૂર્વક કાર્ય કરવા માટે પગલાં લેવા માટે વિરોધીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવાની સૂચના આપી છે. તેમણે ઈરાનના સેન્ટ્રલ બેંકના ગવર્નર મોહમ્મદ રેઝા ફરાઝીનનું રાજીનામું પણ સ્વીકાર્યું અને તેમના સ્થાને ભૂતપૂર્વ અર્થતંત્ર અને નાણાં મંત્રી અબ્દુલનાસર હેમ્માતીની નિમણૂક કરી હતી. ઈરાની સરકારે કહ્યું છે કે તે લોકોની વાત ધીરજથી સાંભળશે, ભલે તેને વિરોધનો સામનો કરવો પડે.
ઈરાનમાંથી અસંખ્ય વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં વિરોધીઓ ઇસ્લામ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે જ્યાં સુધી મુલ્લાઓનો પર્દાફાશ નહીં થાય ત્યાં સુધી આ માતૃભૂમિ આઝાદ નહીં થાય. ઈરાનમાં વિરોધીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે મુલ્લાઓએ ઈરાન છોડી દેવું જોઈએ. ઈરાનમાં થયેલી હિંસાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો બેશરમ, બેશરમના નારા લગાવી રહ્યા છે. તેહરાનથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર લોરેસ્તાન પ્રાંતના શહેર અજનામાં હિંસા ફાટી નીકળી હતી. ત્યાંથી આવેલા વીડિયોમાં ગોળીબારનો અવાજ જોવા મળ્યો હતો. ઈરાનમાં વધતી જતી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. સરકાર આ વિરોધ પ્રદર્શનોને કાબૂમાં લેવા માટે ધરપકડો કરી રહી છે.
ઈરાનના જનરલ ઝેડ ધીમે ધીમે વિરોધ પ્રદર્શનોમાં જોડાયું છે અને હવે ઘણી ઈરાની યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનો હવે તેહરાન પૂરતાં મર્યાદિત નથી રહ્યાં. તે શિરાઝ, હમેદાન અને ઇસ્ફહાન જેવાં અન્ય ઈરાની શહેરોમાં પણ ફેલાઈ ગયાં છે. અનેક સ્થળોએ વિરોધીઓ અને પોલીસ દળો વચ્ચે અથડામણ થઈ અને પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો છે. બળપ્રયોગથી વિરોધીઓનો ગુસ્સો વધુ ભડક્યો છે. પોલીસ અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ છે, જેમાં સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પાંચ લોકો માર્યા ગયાં છે.
મોંઘવારી અને બેરોજગારીને લઈને ઈરાનમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે સોશ્યલ મીડિયા સાઇટ ટ્રુથ સોશ્યલ પર લખ્યું કે જો ઈરાન શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને ગોળી મારી દેશે તો અમેરિકા તેમની મદદ માટે આવશે. અમે તૈયાર છીએ. સરળ શબ્દોમાં કહીએ તો, ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતાને સીધો પડકાર ફેંક્યો છે. ઈરાનના વિરોધ પર અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન બાદ ચીન અને રશિયા જેવા દેશો ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર કેવી પ્રતિક્રિયા આપશે તે જોવાનું બાકી છે. આ લેખ લખતી વખતે ભારતે હજુ સુધી ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર કોઈ ટિપ્પણી કરી નથી.
૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ બાદ ઈરાનમાં આયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેની સત્તા પર આવ્યા હતા. તેમણે ૧૯૭૯ થી ૧૯૮૯ સુધી ૧૦ વર્ષ સુધી સર્વોચ્ચ નેતા તરીકે સેવા આપી હતી. તેમના અનુગામી સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેની ૧૯૮૯ થી ૩૭ વર્ષ સુધી સત્તામાં રહ્યા છે. ઈરાન આજે આર્થિક કટોકટી, ઊંચો ફુગાવો, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, બેરોજગારી, ચલણનું અવમૂલ્યન અને વારંવાર થતાં જન આંદોલનો જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. ઇરાનમાં જે કાંઈ ચાલી રહ્યું છે, તેની પાછળ અમેરિકાનો દોરીસંચાર હોવાનું જણાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.