World

ન્યૂયોર્કના પાણીમાં ભળ્યો પોલિયો વાયરસ, સેંકડો લોકો સંક્રમિત થવાની આશંકા વચ્ચે તંત્ર સતર્ક

વોશિંગ્ટનઃ ન્યૂયોર્કમાં (New York) પોલિયો વાયરસના (Polio Virus) ચેપનું જોખમ વધી ગયું છે. ન્યૂયોર્કના અધિકારીઓએ ચેતવણી આપી છે કે સેંકડો રહેવાસીઓ વિનાશક પોલિયોથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યના કાઉન્ટીમાં ગંદા પાણીમાં (Dirty Water) વાયરસ મળી આવ્યા છે. રાજ્ય સર્વેલન્સે જુન-જુલાઈમાં ઓરેન્જ કાઉન્ટીના બે અલગ-અલગ વિસ્તારોમાં પોલિયો વાયરસની હાજરી શોધી કાઢી છે. આ સ્થળ ન્યૂયોર્ક સિટીથી લગભગ એક કલાકના અંતરે છે. આ ચેતવણી રોકલેન્ડ કાઉન્ટીમાં પોલિયોના કેસની (Polio Cases) શોધના એક સપ્તાહની અંદર આવી છે. ગયા મહિને રોકલેન્ડના ગંદા પાણીમાં પણ આ વાયરસ જોવા મળ્યો હતો.

અધિકારીઓનું કહેવું છે કે આ વાયરસના ઝડપથી મોટા પ્રમાણમાં ફેલાવાની શક્યતા ઓછી છે પરંતુ તે અશક્ય નથી. યુ.એસ.માં જળ શુદ્ધિકરણના ઉચ્ચ ધોરણોને અપનાવવામાં આવે છે. જેને કારણે એ શક્યતા ખૂબ ઓછી છે કે કોઈ વ્યક્તિ આ પ્રદૂષિત પાણી પીને બીમાર થાય. મોટાભાગના કિસ્સાઓમાં પોલિયો કાં તો હળવો હોય છે અથવા એસિમ્પટમેટિક હોય છે. તેથી સંભવ છે કે એવા સેંકડો કેસો હશે જે ક્યારેય શોધી શકાશે નહીં. ઓરેન્જ કાઉન્ટીમાં કેસની તપાસ એ સંભાવનાની પુષ્ટિ કરે છે કે રોકલેન્ડ કેસની શોધ થઈ તે પહેલાં અહીં વાયરસ ફેલાયો હોઈ શકે છે.

જોકે બીજી તરફ રાજ્યના આરોગ્ય કમિશનર ડૉ. મેરી બેસેટે અગાઉના પોલિયો ફાટી નિકળવાના આધારને લઈ જણાવ્યું હતું કે ન્યૂયોર્કના લોકોને સાવચેત રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે ન્યૂયોર્ક વાસીઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે લકવાગ્રસ્ત પોલિયોનો પ્રત્યેક કેસ સેંકડો અન્ય લોકોને ચેપ લગાવી શકે છે. નવા ગંદા પાણીના તારણોના આધારે વિભાગ તેને સંભવિત ફેલાવા તરીકે વિચારી રહ્યો છે. વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે ડેટાને જોતા અમે માનીએ છીએ કે ન્યૂયોર્કમાં પોલિયોનો ખતરો છે.

જે લોકોએ રસી લીધી છે તે સુરક્ષિત છે
અહીં આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે જે લોકોએ પોલિયોની વેક્સિન લીધી છે તેઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને યુ.એસ.માં 90 ટકાથી વધુ રસી કવરેજ ઉપલબ્ધ છે. પ્રાથમિક શાળામાં જવા માટે તમારે રસીકરણ કરાવવું પડશે. રસીકરણ જીવનભર ચાલે છે અને વ્યક્તિને વાયરસથી સુરક્ષિત રાખવા માટે બૂસ્ટરની જરૂર નથી. આ વાયરસને ફેલાતો અટકાવવા માટે અધિકારીઓ લોકોને રસી અપાવવા માટે કહી રહ્યા છે. ઓરેન્જ કાઉન્ટીમાં 59 ટકા લોકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી છે. જ્યારે રોકલેન્ડમાં 60 ટકા લોકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી છે.

Most Popular

To Top