ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં મોટો ખુલાસો
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને (Hormuz Strait) ના નાકાબંધીને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તાજેતરના અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં એવો સંકેત આપવામાં આવ્યો છે કે વિશ્વના આ સૌથી મહત્વપૂર્ણ ઓઈલ રૂટને ફરીથી ખોલાવવો અમેરિકા માટે અત્યંત પડકારજનક સાબિત થઈ રહ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ: અમેરિકા માટે ‘ગળાનું હાડકું’ : ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરી દીધું છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ, ઈરાન આ રસ્તો અત્યારે ખોલવાના મૂડમાં નથી કારણ કે તે તેને વોશિંગ્ટન સામેના સૌથી મોટા હથિયાર તરીકે જોઈ રહ્યું છે. વિશ્વના કુલ તેલ અને ગેસના વેપારનો લગભગ 20% હિસ્સો આ સાંકડી સમુદ્રી પટ્ટીમાંથી પસાર થાય છે. ઈરાને ફેબ્રુઆરી 2026 થી આ માર્ગ બંધ કરીને વૈશ્વિક ઊર્જા બજારમાં હાહાકાર મચાવી દીધો છે.
ટ્રમ્પનો યુ-ટર્ન અને ‘વેપન ઓફ માસ ડિસરપ્શન’ : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ આક્રમક વલણ અપનાવતા ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી, પરંતુ હવે તેમના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે હવે પોતાના સાથી દેશો (NATO) અને તેલ પર નિર્ભર ગલ્ફ દેશોને આહવાન કર્યું છે કે તેઓ પોતે આગળ આવીને આ માર્ગ સુરક્ષિત કરે. ટ્રમ્પનું કહેવું છે કે, “અમેરિકા પાસે પૂરતો તેલનો જથ્થો છે, તેથી અન્ય દેશોએ હવે પોતાની હિંમત બતાવવી જોઈએ.”
નિષ્ણાતો આ પરિસ્થિતિને ‘વેપન ઓફ માસ ડિસરપ્શન’ તરીકે ઓળખાવી રહ્યા છે. ઈરાને સાબિત કરી દીધું છે કે પરમાણુ હથિયાર કરતા પણ હોર્મુઝ સ્ટ્રેટ પરનો તેનો કબજો દુનિયાની અર્થવ્યવસ્થાને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
ભારત અને વિશ્વ પર અસર : હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં 60% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જો આ નાકાબંધી લાંબો સમય ચાલે તો ભારત જેવા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે અને મોંઘવારી બેકાબૂ બની શકે છે. અમેરિકાની પીછેહઠ અને ઈરાનની જીદ વચ્ચે અત્યારે સમગ્ર વિશ્વની નજર મધ્ય-પૂર્વના આ સમુદ્રી માર્ગ પર ટકેલી છે. શું ડિપ્લોમેસી કામ કરશે કે પછી વિશ્વએ મહાયુદ્ધ અને આર્થિક મંદીનો સામનો કરવો પડશે, તે આવનારો સમય જ કહેશે.