અમેરિકા અને ચીન વચ્ચે ફરી એકવાર વેપાર યુદ્ધની શરૂઆત થતી દેખાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને સાથે જ મહત્વપૂર્ણ સોફ્ટવેરની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની પણ ચેતવણી આપી છે. આ નવા ટેરિફ દરો તા. 1 નવેમ્બર 2025થી અમલમાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ગત રોજ તા. 10 ઓક્ટોબર શુક્રવારે જાહેરાત કરી કે ચીન પર 100 ટકા વધારાના ટેરિફ લાદવામાં આવશે. જે હાલના ટેરિફથી અલગ હશે. તેમણે કહ્યું કે જો ચીન કોઈ કડક પગલાં લેશે તો આ ટેરિફ તા. 1 નવેમ્બર પહેલા જ લાગુ કરવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું કે ચીન છેલ્લા કેટલાંક મહિનાથી આક્રમક વેપાર નીતિઓ અપનાવી રહ્યું છે. જેના જવાબમાં અમેરિકા પણ કડક પગલાં લેશે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે અમેરિકા મહત્વપૂર્ણ સોફ્ટવેરની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકી શકે છે. જો આ નિર્ણય અમલમાં આવે તો તેનું પ્રભાવ ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક વાહન (EV) અને અન્ય ટેક ઉદ્યોગો પર ગંભીર પડી શકે છે. આ ક્ષેત્રો પહેલાથી જ ભારે ટેરિફને કારણે દબાણમાં છે.
ચીન દ્વારા અમેરિકન ઉદ્યોગ માટે જરૂરી દુર્લભ ખનીજોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ અમેરિકા તરફથી આ કડક પ્રતિસાદ આવ્યો છે. નિષ્ણાતો માને છે કે આ પગલાંથી વિશ્વની બે સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ વધશે. ઘણા ક્ષેત્રો ખાસ કરીને ટેક્નોલોજી, ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ પર તેની નકારાત્મક અસર થવાની શક્યતા છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે “ચીન સતત આક્રમક વેપાર નીતિઓ અપનાવી રહ્યું છે. તેથી હવે અમેરિકા પણ તેને તે જ રીતે જવાબ આપશે.” તેમણે કહ્યું કે અમેરિકા હાલ ચીન સામેના અનેક નવા પગલાં પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. જેમાં ટેરિફમાં વધારો મુખ્ય છે.
ટ્રમ્પ દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં એશિયાના પ્રવાસે જશે. જેમાં દક્ષિણ કોરિયા મુખ્ય સ્થાન છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ પ્રવાસ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેમની કોઈ બેઠક યોજાશે નહીં.
ટ્રમ્પના આ તાજા નિર્ણયથી અમેરિકા-ચીન વેપાર યુદ્ધ ફરીથી તીવ્ર બનશે એવી શક્યતા છે. જો સોફ્ટવેર નિકાસ પર પ્રતિબંધ અને વધારાના ટેરિફ બંને અમલમાં આવશે તો વૈશ્વિક બજારમાં ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રમાં ભારે હલચલ મચી શકે છે.