ઈઝરાયેલ અને હમાસના યુદ્ધ (Israel and Hamas War) વચ્ચે અમેરિકા (America) અને બ્રિટન યમન પર સતત હુમલા કરી રહ્યા છે. અમેરિકા અને બ્રિટને શનિવારે યમનમાં હુતી બળવાખોરોની 18 જગ્યાઓ પર મોટો હુમલો કર્યો હતો. સ્થાનિક ઈરાન સમર્થિત લાલ સમુદ્ર અને એદનની ખાડીમાં જહાજો પર તાજેતરના વધતા હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. બંને દેશોની સેનાઓએ રાજધાની સનાની આસપાસ હૂતીઓની 18 જગ્યાઓને નિશાન બનાવી છે. આ હુમલાને ઓસ્ટ્રેલિયા, બહેરીન, ડેનમાર્ક, કેનેડા, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.
હુતી બળવાખોરોએ ગયા અઠવાડિયે મિસાઇલ હુમલો કર્યો હતો જેના કારણે એક કાર્ગો જહાજમાં આગ લાગી હતી. અમેરિકી અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમેરિકી અને બ્રિટિશ ફાઈટર પ્લેન્સે મિસાઈલ, લોન્ચર્સ, રોકેટ, ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવીને આઠ સ્થળો પર હુમલા કર્યા હતા. આ ચોથી વખત છે જ્યારે યુએસ અને યુકે દળોએ 12 જાન્યુઆરીથી હુતી વિદ્રોહીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે.
એક સંયુક્ત નિવેદનમાં પેન્ટાગોને જણાવ્યું હતું કે હૂતીની ભૂગર્ભ શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ, મિસાઈલ સંગ્રહ સુવિધાઓ, માનવરહિત હવાઈ પ્રણાલી, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને રડાર સહીત 8 સ્થળોએ હૂતી વિદ્રોહીઓના 18 લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાનો ઉદેશ્ય વૈશ્વિક વેપાર, નૌકાદળના જહાજો અને નિર્દોષ નાવિકોના જીવનને જોખમમાં મૂકવા માટે હૂતીઓ દ્વારા કરવામાં આવતા કૃત્યોને રોકવાનો હતો.
બીજી તરફ હૂતીઓએ કહ્યું કે આ હુમલો યમનને પેલેસ્ટિનિયન લોકોને સહાય પૂરી પાડવાથી રોકવાનો દયનીય પ્રયાસ હતો. જણાવી દઈએ કે હૂતીઓએ 19 નવેમ્બરથી લાલ સમુદ્ર અને અદનનની ખાડીમાં ઓછામાં ઓછા 57 વખત જહાજો પર હુમલાઓ કર્યા છે. ગયા અઠવાડિયે જ હૂતીઓએ બ્રિટિશ માલિકીના કાર્ગો જહાજ અને યુએસ ડિસ્ટ્રોયર પર ડ્રોન હુમલાની જવાબદારી લીધી હતી.