ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવીને શાંતિનું નોબેલ પારિતોષિક જીતવા તત્પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરીને માત્ર મધ્ય પૂર્વની શાંતિ નથી ખોરવી કાઢી, પણ વિશ્વશાંતિ માટે પણ ખતરો ઊભો કરીને વિશ્વયુદ્ધની રણભેરી ફૂંકી છે. રાજકારણીઓ કેટલા જૂઠા અને નફ્ફટ હોય છે, તેનું આદર્શ ઉદાહરણ ડોનાલ્ડ ટ્રમ્પ છે. હજુ ગયા શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાનને વિચાર કરવા માટે બે સપ્તાહનો સમય આપે છે. તેના બે દિવસ પછી ઈરાનનાં ત્રણ અણુમથકો પર ત્રાટકીને તેમણે પોતાની જાતને જ જૂઠી પુરવાર કરી છે.
આ એ જ ડોનાલ્ડ ટ્રમ્પ છે, જેમણે ભવિષ્યમાં અમેરિકાને કોઈ પણ યુદ્ધમાં ઘસડી નહીં જવાનું વચન આપ્યું હતું. હવે અમેરિકાના બંધારણથી વિરુદ્ધ જઈને, અમેરિકાની સંસદની પણ પરવાનગી લીધા વિના, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને યુદ્ધમાં ઘસડ્યું છે. આ માટે યુનોની પણ અવગણના કરવામાં આવી છે. અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનનાં કોઈ અણુકેન્દ્રોને ખાસ નુકસાન થયું હોવાના હેવાલ નથી, કારણ કે કોઈ પણ જાતનો કિરણોત્સત્સર્ગ બહાર પડ્યો નથી. ઈરાનને અમેરિકાના હુમલાની પહેલેથી જાણકારી હતી, માટે તેણે પોતાની બધી સામગ્રી કોઈ સલામત સ્થળે ખસેડી લીધી હતી.
અમેરિકાના અનૈતિક હુમલા પછી ઈરાન હવે જબરદસ્ત પ્રતિહુમલાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તેણે પોતાનાં સાથીદારો રશિયા, ચીન અને તુર્કી સાથે મંત્રણાઓ પણ શરૂ કરી દીધી છે. ઈરાનનું તાત્કાલિક લક્ષ્ય મધ્ય પૂર્વમાં આવેલાં અમેરિકાનાં લશ્કરી થાણાંઓ છે. આ થાણાંઓમાં અમેરિકાના કુલ ૫૦,૦૦૦ સૈનિકો રહે છે, જે ઈરાન માટે સોફ્ટ ટાર્ગેટ બની શકે છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ પહેલાથી જ અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધમાં સામેલ થશે તો તેને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થશે.તેમણે પોતાના બદલાની શરૂઆત કરી પણ દીધી છે. અમેરિકાનાં લશ્કરી થાણાં ઇરાક, બહેરીન, કતાર, સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, કુવૈત, જોર્ડન અને સીરિયામાં છે. આ બધાં થાણાં ઈરાનની બેલિસ્ટિક મિસાઈલોની રેન્જમાં છે. આમાં કતારમાં વિશાળ અલ-ઉદેદ એર બેઝ અને બહેરીનમાં નૌકાદળનો સમાવેશ થાય છે, જ્યાં અમેરિકાનો પાંચમો નૌકા કાફલો તૈનાત કરેલો છે.
ઈરાને ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઈરાકમાં અમેરિકી લશ્કરી મથક અલ અસદ એરબેઝ પર હુમલો કર્યો હતો, કારણ કે હત્યાનો આદેશ પણ ટ્રમ્પ દ્વારા જારી કરવામાં આવ્યો હતો.ઈરાને આ હુમલા પહેલાં જ અમેરિકાને ચેતવણી આપી દીધી હતી, તેથી કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ એરબેઝને ઘણું નુકસાન થયું હતું. ઈરાન આ વખતે પણ આ પદ્ધતિ અપનાવી શકે છે.જો કે, વધતાં તણાવની પરિસ્થિતિમાં ઈરાન મરણિયું થઈને અમેરિકન દૂતાવાસથી લઈને અમેરિકાના બિનલશ્કરી ઠેકાણાંઓ સુધીની દરેક વસ્તુ પર હુમલા કરી શકે છે. ઈરાનની મિસાઈલો અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીને પણ ધમરોળી શકે છે.
ઈરાન અગાઉ લાલ સમુદ્ર અને પર્સિયન ગલ્ફમાં જહાજો અને અન્ય લક્ષ્યો પર ડ્રોન, મિસાઇલો અને લેન્ડમાઈનથી હુમલો કરી ચૂક્યું છે, પરંતુ આ વખતે અમેરિકાની કાર્યવાહી બાદ, તે સાઉદી અરેબિયા અને યુએઈ જેવા પડોશી દેશોમાં ટેન્કરો, બંદરો અને તેલમથકો પર પણ શક્તિશાળી હુમલો કરી શકે છે. આનાથી વૈશ્વિક તેલ ક્ષેત્ર પર અસર પડી શકે છે.ઈરાનના અતિ રૂઢિચુસ્ત નેતાઓએ સાઉદી અરેબિયાના પાવર પ્લાન્ટને નિશાન બનાવવાનું આહ્વાન કર્યું છે.
ઈરાની રાજકારણીઓ અને લશ્કરી અધિકારીઓ ઘણાં વર્ષોથી હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની ધમકી આપી રહ્યા છે. આ એક સામાન્ય નિષેધ છે જે જ્યારે પણ પશ્ચિમી દેશો સાથે ઈરાનનો તણાવ વધે છે ત્યારે વારંવાર કરવામાં આવે છે.હોર્મુઝની સામુદ્રધુની એ પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચેનો એક સાંકડો દરિયાઈ માર્ગ છે. વિશ્વમાં પરિવહન થતાં કુલ તેલનો પાંચમો ભાગ આ માર્ગમાંથી પસાર થાય છે.હોર્મુઝ બંધ કરવાની વાત વધુ તીવ્ર બની છે. કટ્ટરપંથીઓ દલીલ કરી રહ્યા છે કે આની સીધી અસર અમેરિકાના અર્થતંત્ર પર પડશે.
અમેરિકાના હસ્તક્ષેપ પછી મુશ્કેલીના સમયમાં ઈરાનના સાથીદાર લડાયક જૂથો ઈરાન માટે ઉપયોગી મિત્રો સાબિત થઈ શકે છે.જો તેઓ ઈરાન સાથે હાથ મિલાવીને અમેરિકન બેઝ અને સપ્લાય રૂટ પર હુમલો કરે તો હુમલો નાનો હોઈ શકે છે, પરંતુ પરિસ્થિતિ અમેરિકા માટે ચિંતાજનક બની જશે.ઈરાન ઘણાં વર્ષોથી આ જૂથોને પૈસા અને શસ્ત્રો પૂરાં પાડે છે, પરંતુ આ સમયે તેઓ કોઈ ગંભીર લડાઈમાં જોડાવાની સ્થિતિમાં હોય તેવું લાગતું નથી.
ઇઝરાયેલ સાથેના યુદ્ધમાં હિઝબુલ્લાહ નબળું પડી ગયું છે. હિઝબુલ્લાહ પર લેબનીઝ સરકાર અને મિડિયાનું દબાણ છે કે તેઓ હથિયારો છોડી દે અને દેશનું પુનર્નિર્માણ કરવામાં અને આર્થિક સંકટને ઉકેલવામાં મદદ કરે.આ યુદ્ધ દરમિયાન યમનના હુથી બળવાખોરોએ પણ ઇઝરાયેલ પર હુમલાઓ વધાર્યા નથી. તાજેતરના અમેરિકાના હુમલા પહેલાં અને પછી તેઓએ લાલ સમુદ્રમાં અમેરિકન જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી હતી. જો કોઈ મોટો સંઘર્ષ થાય તો ઈરાન તેના પ્રાદેશિક સાથીઓ પાસેથી તેમની તાકાત અને સંસાધનોના આધારે અમુક સ્તરની મદદની અપેક્ષા રાખશે.
ઇઝરાયેલ સાથેના સંઘર્ષમાં ઇરાને ઇઝરાયેલી શહેરો અને લશ્કરી થાણાંઓ પર અનેક મિસાઇલો છોડી હતી, પરંતુ અમેરિકા દ્વારા સીધો હુમલો થાય તેવું કોઈ પગલું ન ભરવાની સંપૂર્ણ કાળજી લીધી હતી.હવે અમેરિકાનો હુમલો થઈ ગયો છે ત્યારે ઈરાન પોતાની તમામ તાકાતથી અમેરિકા પર ત્રાટકી શકે છે. જો આ યુદ્ધ આમ જ ચાલુ રહેશે તો ઈરાને ઈઝરાયલ પર છોડવામાં આવતી મિસાઈલોની સંખ્યા ઘટાડવી પડી શકે છે. પહેલા દિવસે તેણે ૧૫૦ મિસાઈલો છોડી હતી પરંતુ હવે તે ઘટીને દરરોજની લગભગ ૩૦ થઈ ગઈ છે.મિસાઇલોની ઘટતી સંખ્યા દર્શાવે છે કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઈરાનની શક્તિ ઓછી થશે. બદલો લેવાના કારણે ઈરાન એક સાથે બે મોરચે યુદ્ધમાં ફસાઈ શકે છે: એક તરફ ઇઝરાયેલ અને બીજી તરફ અમેરિકા.
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં મુસાફરીમાં વિક્ષેપ પડ્યો છે અને પ્રદેશમાં સમયાંતરે હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું છે. ઇરાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા અમેરિકન નાગરિકો અને વિદેશમાં હિતોને લક્ષ્ય બનાવીને પ્રદર્શનો થવાની સંભાવના છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ વિશ્વભરનાં અમેરિકન નાગરિકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપે છે.આ દેશોમાં ભારતનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં રહેતાં અમેરિકન નાગરિકો પર પણ આતંકવાદી હુમલા થઈ શકે છે. અમેરિકાના લશ્કરી અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે તાજેતરના હુમલાઓના જવાબમાં ઈરાન સમર્થિત લશ્કરી જૂથો ઇરાક અને સંભવતઃ સીરિયામાં અમેરિકન લશ્કરી થાણાંઓ પર હુમલો કરી શકે છે. ઇરાકી અધિકારીઓ પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્ષેત્રમાં અમેરિકન લશ્કરી થાણાંઓની સુરક્ષા અંગે ચિંતાઓ વધી છે અને સંભવિત હુમલાનો સામનો કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની સંડોવણીને કારણે ભારત મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયું છે. ભારતના ઇઝરાયેલ સાથે ખૂબ સારા સંબંધો છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, ગુપ્તચર અને ટેકનોલોજીનું આદાનપ્રદાન થાય છે. તે જ સમયે, ઇરાન ભારત માટે એક મહત્ત્વપૂર્ણ આર્થિક અને સાંસ્કૃતિક ભાગીદાર છે. ઇરાન ભારતને પેટ્રોલિયમ અને ગેસ પૂરાં પાડે છે. ઉપરાંત ઈરાનનું ચાબહાર બંદર ભારત માટે મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી પહોંચવાનો એક મહત્ત્વપૂર્ણ માર્ગ છે. ભારતે તેમાં મોટું રોકાણ પણ કર્યું છે. ભારતે ઈઝરાયેલના હાઈફા બંદરમાં પણ મોટું રોકાણ કર્યું છે, જેના પર ઈરાને ભારે બોમ્બમારો કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય કટોકટી ભારત માટે પણ ખતરો ઊભો કરે છે. ૮૦ લાખથી વધુ ભારતીય નાગરિકો ખાડી અને મધ્ય પૂર્વમાં રહે છે. તેમની સલામતી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ભારતે પહેલાંથી જ ઈરાનમાંથી ૧,૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યાં છે. તેને ઇઝરાયેલમાંથી પણ આવું જ કરવું પડી રહ્યું છે. બીજી તરફ, યુદ્ધને કારણે ભારતની ઊર્જા સુરક્ષા જોખમમાં મૂકાઈ ગઈ છે.