અમેરિકાએ શનિવારે લેટિન અમેરિકન દેશ વેનેઝુએલા પર આક્રમણ કરીને તેના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીને પકડી લીધા પછી દુનિયાભરમાં ચર્ચા જાગી છે કે આ કૃત્ય યોગ્ય છે કે કેમ? એક સાર્વભૌમ દેશના પ્રમુખને આ રીતે સામાન્ય અપરાધીની જેમ પકડીને લઇ જવાનું કૃત્ય આંતરરાષ્ટ્રીય નિયમોનો ચોખ્ખો ભંગ છે. કેટલાક અપવાદોને બાદ કરતા દુનિયાભરના દેશો અને મહાનુભાવો આ કૃત્યની ટીકા કરી રહ્યા છે પણ માથાભારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ ટીકાઓને ગણકારતા નથી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતા તણાવ અને તેના પરિણામે તે દેશના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે આ ઘટનાક્રમ એક ખતરનાક ઉદાહરણ સ્થાપિત કરે છે. તેમની વાત સાચી છે. ઘણા દેશોએ પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. શનિવારે યુએન વડાના પ્રવક્તા દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, મહાસચિવ વેનેઝુએલામાં તાજેતરમાં વધેલા તણાવ અને અમેરિકી સૈન્ય કાર્યવાહીથી ખૂબ જ ચિંતિત છે, જેના આ ક્ષેત્ર માટે ચિંતાજનક પરિણામો આવી શકે છે. ગુટેરેસે જણાવ્યું હતું કે વેનેઝુએલાની સ્થિતિ ભલે ગમે તે હોય, પરંતુ આ ઘટનાક્રમ એક જોખમી મિસાલ સ્થાપિત કરે છે અને તેમણે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી કે આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.
ચીને રવિવારે યુનાઇટેડ સ્ટેટ્સને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને તરત જ મુક્ત કરવા અને વાટાઘાટો તથા સંવાદ દ્વારા મુદ્દાઓ ઉકેલવા માટે હાકલ કરી છે. ચીને બે દિવસમાં બીજી વખત ટ્રમ્પના આ કૃત્યને વખોડતું નિવેદન કર્યું છે. ભારતે પહેલા દિવસે મૌન જાળવી રાખ્યા બાદ બીજા દિવસે રવિવારે ખૂબ સાવધાનીભર્યું નિવેદન કરીને વેનેઝુએલાના લોકો માટે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના અનેક સાથી દેશોએ પણ અમેરિકાની કાર્યવાહીની ટીકા કરી છે. અનેક આફ્રિકન દેશો અને લેટિન અમેરિકન દેશોએ અમેરિકાની ખુલ્લી ટીકા કરવાની હિંમત કરી છે.
કદાચ એકમાત્ર આર્જેન્ટિના જ એવો દેશ છે જેણે અમેરિકાને આ બાબતમાં ખુલ્લો ટેકો આપ્યો છે. અમેરિકાના ખાસ સાથી દેશ યુકેએ ગોળ ગોળ વાત કરી છે. તેણે વેનેઝુએલામાં સત્તાના સુરક્ષિત અને શાંતિપૂર્ણ હસ્તાંતરણ માટે આહવાન કર્યું છે. વડાપ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે બ્રિટન લાંબા સમયથી માદુરોની ગતિવિધિઓનો વિરોધ કરી રહ્યું છે અને તે અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓની સંપૂર્ણ વિગતોની રાહ જોઈ રહ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. જો કે દેશો ગમે તે કહે પણ હાલ તો માદુરોને ધરાર પકડી લેવાયા છે.
દુનિયાના દેશો ભલે ગમે તેટલી ટીકા કરે, પણ ટ્રમ્પ તેને ગણકારે તેવું લાગતું નથી. અમેરિકા ભૂતકાળમાં પણ આવા કૃત્યો કરી ચુક્યું છે. તેણે પનામા અને ઇરાકના પ્રમુખોને પણ આ રીતે પકડ્યા જ હતા, જેમાંથી ઇરાકના સદ્દામ હુસેનને તો ફાંસી પણ આપી હતી. આંતરરાષ્ટ્રીય અભિપ્રાયની સદંતર અવગણના કરીને પોતાની મનમાની કરવી એ અમેરિકાની જૂની નીતિ રહી છે. દુનિયાભરના દેશો એક થઇને સખત પ્રતિબંધો જેવા પગલા ભરીને અમેરિકાને પાઠ ભણાવે તો જ કદાચ અમેરિકા સીધું થઇ શકે છે.