રશિયા જો યુક્રેન પર આક્રમણ કરશે તો અમેરિકા શાંત બેસી રહેશે નહીં અને રશિયાએ ગંભીર પરિણામો ભોગવવાં પડશે એવી ચેતવણી પ્રમુખ જો બાઇડને આપી છે અને ત્યાર બાદ તુરંત બ્રિટને જાહેરાત કરી કે તે પોતે અમેરિકા સાથે જોડાશે. યુક્રેન અને રશિયા વચ્ચેના ઘર્ષણની સ્થિતિ ઉત્કલન બિંદુ પર પહોંચી ગઇ છે. કયારેય પણ મહાયુદ્ધ થઇ શકે છે, જો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનની મતિ સવળી ચાલે તો. યુદ્ધના પડઘમ વાગી રહ્યા છે પણ યુદ્ધ કરવાનું એમ સહેલું પણ નથી. સિરિયા, ઇરાક, ઇરાનમાં અમેરિકનો સામેના યુદ્ધમાં રશિયા એક મર્યાદિત પક્ષકાર બને તે વાત અલગ છે અને યુક્રેનમાં એક તરફ રશિયા અને બીજી તરફ યુરોપના નાટો રાષ્ટ્રો અને અમેરિકા હોય તે પણ સાવ અલગ વાત છે.
સોવિયેત સંઘ વિખેરાયો તે અગાઉ યુક્રેન, કિમિયા વગેરે સંઘના સભ્ય રાષ્ટ્રો હતાં અને સંઘ વખતે તે રાજયો ગણાતા હતા. હાલમાં આ યુરોપના દેશો છે પણ તેમાં રશિયન ભાષા બોલતાં લોકોની સંખ્યા વધુ છે. આ રાષ્ટ્રો પણ, મધ્ય એશિયાના મુસ્લિમ રાષ્ટ્રોની માફક સંઘમાંથી સ્વતંત્ર બની ગયા તેનો રશિયાને હવે અફસોસ થાય છે. તેમાંનું કિમિયા રશિયાએ થોડાં વરસ પૂર્વે કબજે કરી લીધું. તેની મોટા ભાગની પ્રજા રશિયન બોલે છે. યુક્રેનમાં અમુક હિસ્સામાં રશિયન બોલતા લોકો છે. તેઓ અને રશિયા ઇચ્છે છે કે તેઓનો વિસ્તાર રશિયા સાથે જોડી દેવામાં આવે. યુક્રેનમાં રશિયન બોલતા બળવાખોરો છે અને સરહદ પર રશિયન સેના તેઓને મદદ કરે છે.
રશિયા અને યુક્રેન બન્નેની સરહદ જોડાયેલી છે. રશિયાની રાજધાની મોસ્કોનો પ્રદેશ પણ યુરોપમાં ગણાય છે પરંતુ તેની પશ્ચિમે આવેલો યુક્રેન વધુ યુરોપીઅન છે. તે સંઘમાં હતો તેથી નાટો સાથે જોડાયેલો નથી. રશિયા એમ પણ ઇચ્છે છે કે યુક્રેન નાટોનો સભ્ય ન બને, જયારે યુરોપીઅન રાષ્ટ્રો અને અમેરિકા ઇચ્છે છે કે બને. નાનાં નાનાં યુદ્ધનાં છમકલાં તો લગભગ દસેક વરસથી ચાલી રહ્યાં છે અને તેમાં રશિયાતરફી રશિયન લડાકુઓએ મલેશિયન એરલાઇન્સના નાગરિક વિમાનને યુદ્ધ વિમાન સમજીને થોડાં વરસ અગાઉ તોડી પાડયું હતું જેમાં ત્રણસોથી વધુ નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા હતા. તે વિમાન અમેરિકાથી મલેશિયા જઇ રહ્યું હતું પણ રશિયા અને પુતીનનો આટલેથી જીવ ભરાયો નથી.
હમણાં એકાદ વરસથી પુતીન યુદ્ધની ધમકીઓ આપી રહ્યા છે. પુતીનનો આક્ષેપ છે કે અમેરિકા અને નાટોનાં યુદ્ધ વિમાનો રશિયાની સરહદ નજીક બેલારૂસ અને યુક્રેનમાં યુદ્ધની કવાયતો કરતાં હોય છે. રશિયનોને આ પ્રવૃત્તિ એક ધમકી સમાન લાગે છે. આ તો એક બહાનું છે. વાસ્તવમાં રશિયાને હવે લાગી રહ્યું છે કે ૧૯૯૧ માં ગોર્બોચોવની દિલદારીમાં સોવિયેત રશિયાનો એ ભાગ પણ સ્વતંત્ર થઇ ગયો જે થવો જોઇતો નથી. દુનિયાના એક તાકાતવાન નેતા તરીકે પુતીન એ ભાગ પાછો મેળવવા માગે છે અને આ બધી તેની જ મોંકાણ છે, પછી કારણો જે કંઇ પણ આપવામાં આવે. પશ્ચિમના દેશો કહે છે કે રશિયા યુક્રેનને એક આશ્રિત, ખંડિયું રાજય બનાવવા માંગે છે.
યુદ્ધનો ભય ફેલાયો છે અને આ યુદ્ધ થાય તો મોટી ખાનાખરાબી થાય કારણ કે અહીં રશિયાએ સીધી રીતે યુદ્ધમાં ઊતરવું પડશે. અગાઉ કોરિયા, વિયેતનામ, કયુબા, લેટિન અમેરિકા અને મુસ્લિમ રાષ્ટ્રોમાં અમેરિકા અને રશિયા (સોવિયેત સંઘ) લડયા હતા પણ કોઇ ત્રીજા દેશની ભૂમિ પર પરોક્ષ રીતે લડયા હતા. કચ્ચરઘાણ એ ભૂમિ અને ત્યાંની સ્થાનિક પ્રજાનો નીકળે. રશિયા અને અમેરિકાના બાપનું શસ્ત્રો સિવાય કશું જ ન જાય. તેમાં વટનો સવાલ આવે પણ ખૂબ હળવો અને ખૂબ હળવી માત્રામાં આવે. અપમાન ભૂલાતાં વાર ન લાગે પણ જયારે રશિયા અને યુરોપની ભૂમિ પર યુદ્ધ થાય તે પ્રત્યક્ષ ગણાય અને તેમાં સર થવા માટે કોઇ પણ પક્ષ કચાશ ન રાખે. જે ખાનાખરાબી થાય તે બેસુમાર થાય.
રશિયા પાસે અમેરિકા કે જગતમાં કોઇ પણ સ્થળે ત્રાટકી શકે એવી બેલિસ્ટિક મિસાઇલો છે. તેની લશ્કરી તાકાત ગજબનાક છે, છતાં પણ નાટો અને અમેરિકનો સામે જીતવું કે ટકી રહેવું મુશ્કેલ બની જાય. યુદ્ધ થાય તો બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઇટાલી જેવાં ખૂંખાર રાષ્ટ્રો અમેરિકા સાથે ખભેખભા મિલાવે. બીજા વિશ્વ યુદ્ધ બાદ યુરોપ ભૂમિ પર કોઇ મહત્ત્વનું યુદ્ધ આ શસ્ત્રોને કારણે જ લડાયું નથી. સર્વ વિનાશ નોતરે એટલે મોટી મોટી શકયતાઓ તે છે કે માત્ર હુલબાજી અને પડકારો, ચેતવણીઓની રમત રમાશે. જીભ વડે જેટલું લાગશે એટલું લડશે અને એક વિકલ્પ તરીકે અમેરિકા અને યુરોપ દ્વારા રશિયા સાથે આર્થિક કે અન્ય વહેવારો કરવા પર સખત પ્રતિબંધો મૂકવામાં આવે. અમેરિકા વગેરેએ ચેતવણી પણ આપી છે કે એ સ્તરના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે કે રશિયા પડી ભાંગે, જલ્દીથી બેઠું ન થઇ શકે.
અમેરિકા અન્ય દેશો પાસે પણ આગ્રહ રખાવશે કે તેઓ રશિયા સાથેનાં આર્થિક, વેપારી સંબંધો બંધ કરી દે. ભારત જેવા દેશો માટે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થશે. રશિયા ભારતનું પણ મિત્ર છે. હમણાં ભારતે રશિયા પાસેથી S ૪૦૦ પ્રકારની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી તે અમેરિકાને પસંદ પડયું નથી. સોદો રદ કરવા ભારત પર દબાણ કર્યું પણ ભારતે રશિયા સાથેની જૂની દોસ્તી જાળવી રાખી છે. તે ફરજિયાત પણ છે કારણ કે ભારતને ચીન દબડાવતું રહે છે. જો કે હવે ભારત ચીનથી ડરતું નથી. છતાં રશિયા સાથે ભારતના સારા સંબંધો હોય તો ચીનને વશમાં રાખી શકાય. એ જ પ્રમાણે અમેરિકા – નાટો રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદે તો તેને નિરસ્તર, નિષ્ફળ બનાવવાની ચીનમાં તાકાત છે. ચીન અને રશિયા વચ્ચે દોસ્તી વધી છે અને રશિયાને ભરોસો છે કે દુનિયાની બીજા ક્રમની તાકાત બની ચૂકેલું ચીન રશિયાની પડખે ઊભું રહેશે.
કદાચ આર્થિક પ્રતિબંધોમાં ચીન રાહતરૂપ બને. બન્ને વિશાળ પનાના દેશો વચ્ચે લાંબી સરહદ છે એટલે માલસામાન લાવવા લઇ જવાનું સુગમ છે પણ સૈન્ય યુદ્ધમાં ચીન, રશિયાની પડખે ઊભું રહેશે કે કેમ તે સવાલ છે. કદાચ પોતે વિકસાવેલાં શસ્ત્રો રશિયનોને પૂરાં પાડે પણ ઉત્તર કોરિયા પાકિસ્તાન વગેરેને ખરા સમયે લડવામાં મદદ કરતું નથી. ચીન પોતાના પત્તાં ખૂબ સંભાળી સંભાળીને રમે છે. એ પ્રત્યક્ષ યુદ્ધમાં ઊતરે તો તેણે જે આર્થિક વિકાસની ગતિ પકડી છે તે ખોરવાઇ જાય. ચીનનો સૌથી મોટો અને અગ્રતા ક્રમનો હેતુ તાઇવાનને પોતાનામાં ભેળવી દેવાનો છે. આ ટાપુ ચીનની સાવ નજીક હોવા છતાં માત્ર તાઇવાન પરથી યુદ્ધ વિમાનો ઉડાડીને ધમકી આપવા સિવાય ચીન કશું કરતું નથી.
જો કંઇ કરે તો દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનના અનેક ટાપુઓ પરનાં લશ્કરી થાણાંઓ અને ચીનની સરહદો પર અમેરિકા, જપાન, તાઇવાન, વિયેતનામ, દક્ષિણ કોરિયા વગેરે ઘમાસાણ મચાવી દે. તેવામાં દૂરની યુક્રેનની ભૂમિ માટે રશિયા વતી ચીન પ્રત્યક્ષ લડે તે શકયતા સાવ નહીંવત ગણાય. છતાં સ્થિતિ ખૂબ પ્રવાહી છે. આ ચોથી ફેબ્રુઆરીના રોજ બીજિંગ ખાતે શિયાળુ ઓલિમ્પિકસમાં હાજરી આપવાને બહાને પુતીન ચીન જવાના છે. ત્યાં તેઓ એમના વર્તમાન પરમ મિત્ર શિ ઝિનપિંગને મળશે. ગયા ડિસેમ્બરમાં પુતીન અને ઝિનપિંગ વચ્ચે ટેલિફોન પર વાતચીત થઇ હતી ત્યારે પુતીનની એ માગણી કે યુક્રેનને નાટો સાથે કયારે ભેળવવું નહીં તેને શી ઝિનપિંગે સમર્થન આપ્યું હતું.
છેલ્લા એક દશકમાં ચીન અને રશિયા સાથે આ ઘરોબો બંધાયો છે. દસ વરસ અગાઉ સંબંધો આટલા મધુર ન હતા. એ વખતે તેઓ જોડીદાર હતા તો એકમેકના હરીફ પણ હતા. પરંતુ બન્ને દેશોને અમેરિકા સામે લાંબા સમયથી વાંધો રહ્યો છે. આમ જોઇએ તો હાલમાં યુદ્ધની શકયતા ઊભી થઇ છે તેવી ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં ઉત્તર કોરિયા સાથે અને ઇરાન સાથે પણ થઇ હતી. ઇરાનના પૂર્વ સેના જનરલ સુલેમાનની હત્યા પણ થઇ. એ વખતે ચીન અને રશિયા અમેરિકાના દુશ્મન તરીકે વર્ત્યા હતા. આવાં કારણોસર ચીન અને રશિયા વચ્ચે મિત્રતા વધતી ચાલી. ચીન અને રશિયાના વિચારો હવે મળતા થયા છે. ચીની માધ્યમોના જણાવવા અનુસાર એ ટેલિફોનિક વાતચીતમાં શી ઝિનપિંગે પુતીનને કહ્યું હતું કે કેટલીક આંતરરાષ્ટ્રીય તાકાતો (અમેરિકા અને નાટો એમ વાંચો) રશિયા અને ચીનના આંતરરાષ્ટ્રીય હેતુઓ અને બાબતોમાં માથાં મારે છે, રોડાં અટકાવે છે. આ કામ એ આંતરરાષ્ટ્રીય તાકાતો લોકશાહી અને માનવ અધિકારોનાં બહાનાંઓ આગળ ધરીને કરે છે. વાતચીતમાં બન્ને દેશોના વડા એ બાબતમાં સહમત થયા કે અમેરિકા હવે ચીન અને રશિયા બન્ને દેશોની સરકારોને આપખુદ અને માનવ અધિકારો વિરોધી ગણાવીને ઉખાડી ફેંકવા માગે છે.
વરસ ૨૦૧૩-૧૪ માં યુક્રેનમાં બળવા જેવું વાતાવરણ સર્જીને રશિયન તરફી નેતાને સત્તાસ્થાનેથી દૂર કરવામાં આવ્યા તેની પાછળ ચીન અને રશિયાને અમેરિકાનો દોરીસંચાર જણાયો છે. ૨૦૧૯ માં હોંગકોંગમાં ચીનની સત્તા સામે લાંબો સમય વિરોધ ચાલ્યો અને તાજેતરમાં કઝાખસ્તાનમાં અશાંતિ સર્જાઇ તે પ્રસંગો માટે પણ ચીન – રશિયા અમેરિકાને જવાબદાર ગણે છે. આજથી ૧૦૫ વરસ પહેલાં ત્યારના અમેરિકી પ્રમુખ વૂડરો વિલ્સને દુનિયાને લોકશાહીઓ માટે તૈયાર કરવા માટે હાકલ કરી હતી. શરૂઆત સારી થઇ હતી પણ હવે ફરીથી પુતીન અને શી ઝિનપિંગ બન્નેએ પોતપોતાના દેશોમાં બંધારણોમાં ફેરફાર કરાવી આજીવન પ્રમુખપદે ટકી રહેવાની વ્યવસ્થા કરી છે. ચોર ચોર મસિયાઇ ભાઇઓ. બન્નેનાં મનનું બંધારણ એક સરખું હોય તો રાષ્ટ્રીય બંધારણો એક સરખા બને અને દોસ્તી પણ ગાઢ બને.