હાલ ચાલી રહેલા યુદ્ધના કારણે તણાવ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, આ બધાની વચ્ચે ઈરાન તરફથી એક ગંભીર અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ઈરાનના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે અમેરિકામાં ફરી 9/11 જેવી મોટી આતંકવાદી ઘટના બની શકે છે અને ત્યારબાદ તેનો દોષ ઈરાન પર મૂકવાનો પ્રયાસ થઈ શકે છે. ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મુખ્ય સલાહકાર અલી લારીજાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ દાવો કર્યો હતો. તેમના મુજબ, તેમને એવી માહિતી મળી છે કે અમેરિકન ફાઇનાન્સર જેફરી એપ્સ્ટેઈનના નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક લોકો અમેરિકા સામે 9/11 જેવી ઘટના સર્જવાનું કાવતરું ઘડી રહ્યા છે. લારીજાનીએ જણાવ્યું કે આવી કોઈ ઘટના બને તો તેનો દોષનો ટોપલો ઈરાનને માથે ઢોળી દેવોના પ્રયાસ થઈ શકે છે. લારીજાનીએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે ઈરાન કોઈપણ પ્રકારના આતંકવાદી કાવતરાનો કડક વિરોધ કરે છે અને ઈરાનનો અમેરિકન જનતા સાથે કોઈ યુદ્ધ નથી. તેમણે આક્ષેપ કર્યો કે આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિમાં કેટલાક તત્વો એવા બનાવટના કાવતરાઓ ઘડી શકે છે, જેથી યુદ્ધને વધુ ઉગ્ર બનાવવામાં આવે.
શરૂઆતમાં અમેરિકા માટે આ યુદ્ધ ઝડપથી સમાપ્ત થશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ હવે નિષ્ણાતો માને છે કે આ સંઘર્ષ લાંબો ચાલી શકે છે. લારીજાનીએ અમેરિકાના રાજકારણ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે ટ્રમ્પને જેફરી એપ્સ્ટેઈનના નજીકના મિત્ર તરીકે સંબોધ્યા અને આરોપ મૂક્યો કે કેટલીક રાજકીય શક્તિઓ પોતાના વિવાદોથી ધ્યાન હટાવવા માટે આંતરરાષ્ટ્રીય સંઘર્ષોને વધુ ઉગ્ર બનાવે છે. જોકે ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે તેમનો એપ્સ્ટેઈન સાથે કોઈ નજીકનો સંબંધ નહોતો અને તેમણે ક્યારેય એપ્સ્ટેઈનના ટાપુની મુલાકાત લીધી નથી. જેફરી એપ્સ્ટેઈન અમેરિકાના કુખ્યાત ફાઇનાન્સર હતા, જેમના પર સગીરાઓના શોષણ, માનવ તસ્કરી અને નાણાકીય સહાય સહિતના ગંભીર આરોપો લાગ્યા હતા. તેમની ધરપકડ બાદ સમગ્ર વિશ્વમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો હતો. તપાસ દરમિયાન ઘણા પ્રખ્યાત રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને વૈશ્વિક વ્યક્તિઓના નામ પણ ચર્ચામાં આવ્યા હતા. આ વચ્ચે પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની રહી છે. અનુભવીઓનું માનવું છે કે જો અમેરિકા-ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનશે તો તેનો પ્રભાવ વૈશ્વિક સુરક્ષા, રાજનીતિ અને અર્થતંત્ર પર પણ પડી શકે છે.