બારેમાસ વનરાજીથી ઘેરાયેલું અને હાલ ચોમાસામાં લીલીછમ ચાદર ઓઢી હોય એવું ભાસતું ગામ એટલે ડેડિયાપાડા તાલુકાનું આંબાવાડી. જે તાલુકા મથકથી ૧૯ કિલોમીટર દૂર આવેલું છે. સો ટકા ઓક્સિજન ધરાવી જીવન વ્યતીત કરતું આંબાવાડી ગામની અનેક ખુમારી છે. આંબાવાડી એ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું હોવાથી પાડોશી ખોડાઆંબા ગામની વિશેષતા એ છે કે, લગભગ ત્રણ દાયકાથી રાજકીય પરિપેક્ષ્યમાં ઊગતા નેતા સાથે કનેક્ટ ગામ છે. આજે આ ગામની મહિલા નર્મદા જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યાં છે. તેમજ મોતીલાલ વસાવા પણ ખોડાઆંબાના વતની. જે ડેડિયાપાડા મત વિસ્તારના ત્રણ વખત ધારાસભ્ય રહીને તત્કાલીન વન મંત્રી પણ રહી ચૂક્યા છે.
આંબાવાડી ગામનું નામ કઈ રીતે પડ્યું એ માટે સૌને ઉત્કંઠા હોય. લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આ વિસ્તારમાં આઠ જેટલી આંબાઓની વાડીઓ હતી. મધમીઠી કેરી ખાવા મળે. સમયાંતરે ગામમાં વસવાટ થયો. જેને લઈને આ ગામનું નામ જ “આંબાવાડી” પડી ગયું. જો કે, ચાર દાયકા પહેલાં જમીનો નર્મદા પુનઃ વસવાટમાં જતાં તમામ આંબાઓની વાડીઓ જમીનદોસ્ત થઈ ગઈ. જો કે, વર્ષો પહેલા પડેલું નામ આજે પણ અવિરત ચાલી આવે છે. આંબાવાડી ગામમાં નાણાપંચ સહિત અન્ય ગ્રાન્ટો મળી અંદાજે રૂ.૪૮ લાખ મળે છે, જેમાંથી વિકાસનાં કામો કરાય છે.
- આંબાવાડી ગ્રુપ ગ્રામ પંથે આ ગામો જોડાયેલાં છે
- આંબાવાડી, ખોડાઆંબા, ગેલવાણ, વેરવાઈ, ઓલગામ, કાંટીપાણી
- આંબાવાડી ગામનાં ફળિયાં
- કાંટા આંબાવાડી, બોમ્બે કંપની (કલ્યાણ ગામ), મોખડી વસાહત, સેગબાર વસાહત, જૂની આંબાવાડી, બુટવાડ વસાહત, નવી નગરી વસાહત
- આંબાવાડી ગામની સ્થિતિ
- ગામનો ભૌગોલિક વિસ્તાર-૭૨૪.૩ હેક્ટર
- જંગલ વિસ્તાર-૩૪.૨૫ હેક્ટર
- ગોચર જમીન-૨૩.૪૩ હેક્ટર
- સિંચાઈ આધારિત જમીન-૨૫૪ હેક્ટર (ટ્યુબવેલ/કૂવા દ્વારા)
- ગામના ખેડૂતો-૧૯૪ ખાતેદાર
- મંદિર-૩
- દૂધડેરી-૧
- આંબાવાડી ગ્રુપ કો.ઓ.સોસાયટી મંડળી
- આંબાવાડી-૫
- વહીવટદાર-જાદવભાઈ ડી.વસાવા
- તલાટી કમ મંત્રી-મગનભાઈ વી.વસાવા
- VC-બીપીનચંદ્ર પી.તડવી
આંબાવાડી ગામની કુલ વસતી ૧૬૨૦
ડેડિયાપાડા તાલુકામાં મહત્તમ આદિવાસી વસતી જોવા મળે છે. આંબાવાડી ગામની કુલ વસતી ૧૬૨૦ જેટલી છે, જેમાં વસાવા, તડવી, ચૌધરી અને રોહિત સમાજના લોકો પણ રહે છે. આ ગામમાં ૭૮૨ ઘર આવેલાં છે. એટલે ગામ મોટું પણ ખરું. જો કે, અહીંના લોકો દરેક તહેવારો એકરાગીતાથી ઉજવે છે. આથી જ આ ગામ વિકાસની કેડી ઉપર ડગ માંડી રહ્યું છે.
ગામ 70 ટકા શિક્ષિત
શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. વર્ષો પહેલાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની આજની જેમ સવલતો ન હતી. જેને કારણે ઘણા વિસ્તારો શહેરોની તુલનામાં પાછળ હતા. આથી આજે શિક્ષણના સ્તરમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. આજે આંબાવાડી ગામની વાત કરીએ તો ૭૦ ટકા ગામ શિક્ષિત છે. જો કે, હજુ ઘણી મજલ કાપવાની છે. હાલમાં આ વિસ્તારમાં ૮ પ્રાથમિક શાળા આવેલી છે. અને એક આશ્રમશાળા છે.
પશુપાલનનો વ્યવસાય પણ વિકસ્યો
અહીં ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસ્યો છે. આજે ઘણાં કુટુંબ આર્થિક રીતે સધ્ધર થઈ રહ્યાં છે. હાલમાં પશુધનની સંખ્યા ૧૪૯૩ છે, જેમાં ગાય ૭૪૩, ભેંસ ૪૪૫, બકરાં ૩૦૫ છે. જ્યારે અહીંના લોકો મરઘાં અને બતકાં પાલન પણ કરે છે. મરઘા અને બતકાંની સંખ્યા ૧૧૦૭ જેટલી છે.
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે આંબાવાડીનાં જાગૃત મહિલા પર્યુષાબેન વસાવા આરૂઢ
૪૯ વર્ષીય આંબાવાડીનાં પર્યુષાબેન લક્ષ્મણભાઈ વસાવા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ફરજ નિભાવી રહ્યા છે. તેમણે અભ્યાસાર્થે પ્રાથમિક શાળાનું શિક્ષણ ખાટા આંબાવાડીમાં લીધું હતું. માધ્યમિક શિક્ષણ નાંદોદ તાલુકાના ઉમરવા ગામે લીધું હતું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાગબારા હાઈસ્કૂલમાં લીધું હતું. અને રાજપીપળા ખાતે B.Com અન્ડર ગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. પર્યુષાબેન વસાવાના પિતાજી રેવાદાસભાઈ છગનભાઈ વસાવા રાજપીપળાના વાઘેઠા ગામના વતની, પણ લાંબા સમયગાળામાં સાગબારા તાલુકામાં મેલેરિયા સુપરવાઈઝર તરીકે નોકરીમાં જોડાવાનું થયું. ત્યારે તેમણે બોમ્બે કંપનીમાં વસવાટ કાયમી કર્યો. બાદ તેમના પિતાએ લેબ ટેક્નિશિયન તરીકે કામ કર્યુ હતું. તેમની દીકરી પર્યુષાબેન વસાવાને એક તબક્કે સારી ગૃહિણી બનવાની ઈચ્છા હતી. તેમને જાહેર જીવનમાં જવું પડે એવો કોઈ સંશય ન હતો. પર્યુષાબેનનાં લગ્ન લક્ષ્મણભાઈ વસાવા સાથે થયાં હતાં. સાસરી પક્ષે તત્કાલીન સાંસદ સ્વ.ચંદુભાઈ દેશમુખ તેમજ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વસાવા સગા સંબંધીઓને કારણે રાજકીય રીતે જોડાવું પડ્યું. તેમજ આખો પરિવારમાં લોકશાહીનો રંગ હતો. અને તેમણે વિનમ્ર ભાવે જાહેર જીવનમાં જોડાવાનું મન બનાવ્યું હતું. તેઓ ૨૦૦૫થી ભાજપમાંથી સક્રિય સભ્ય થયાં હતાં. બાદ સને-૨૦૧૦માં નર્મદા જિલ્લા પંચાયતની ચીકદા મહિલા સીટ આવી હતી. એ વખતે આદિવાસી વિસ્તારમાંથી ગ્રેજ્યુએટ અને ઉત્સાહી મહિલા તરીકે પર્યુષાબેનને ટિકિટ આપી હતી, જેમાં વિજેતા પાર્ટીએ એ વખતે શિક્ષણ ક્ષેત્રે પ્રાયોરિટી આપી પાંચ વર્ષ શિક્ષણ સમિતિના ચેરમેન બનાવ્યાં હતાં. સાથે જ સંગઠન ક્ષેત્રે પણ નર્મદા જિલ્લા ભાજપનાં મંત્રી તરીકે ૨૦૧૨માં જવાબદારી સોંપી હતી. બાદ ૨૦૧૫માં માદરે વતન આંબાવાડી જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે ચુંટાયાં હતાં. એ પછી ૨૦૨૦માં નર્મદા જિલ્લા પંચાયતમાં ચુંટાઈને શરૂઆતથી જ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પદની જવાબદારી નિભાવી રહ્યાં છે. સાથે ગુજરાત પંચાયત પરિષદમંડળના મંત્રી તરીકે તેમને ૨૦૨૧થી જવાબદારી આપી છે. નર્મદા જિલ્લા પંચાયતમાં સતત ત્રણ વખત વિજેતા બનેલા પર્યુષાબેન વસાવાને તમામ વિસ્તારોનો વિકાસ થાય એવી લાગણી પણ ખરી. આ બાબતે નર્મદા જિલ્લા પંચાયતનાં પ્રમુખ પર્યુષાબેન વસાવા કહે છે કે, નર્મદા જિલ્લા પંચાયતની જવાબદારી પાર્ટીએ છેવાડાના વિસ્તારની આદિવાસી દીકરીને આપી છે. ત્યારે શક્ય એટલાં વિકાસનાં કામો કરવા માટે તત્પર છું.
૧૯૫૬માં આંબાવાડી આશ્રમશાળા શરૂ કરાઈ
ભારતને આઝાદી તો મળી ગઈ પણ મહાત્મા ગાંધીજીએ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ આપવાની કરેલી હાંકલને તેમના સાથીઓએ બખૂબી નિભાવ્યું છે. આઝાદી પૂર્વે જેમણે શિક્ષણ ક્ષેત્રે બીજ રોપ્યું હતું એ આજે વટવૃક્ષ બનીને ઊભું છે. ગુજરાત-મહારાષ્ટ્ર બંને ભેગા હોવાથી દ્વિભાષી મુંબઈ રાજ્ય હતું. મુંબઈ રાજ્યમાં તા.૨૨મી ડિસેમ્બર-૧૯૫૩માં શિક્ષણ માટે આશ્રમશાળા માળખું બનાવવાનો સામાન્ય ઠરાવ પસાર કરાયો હતો, જેમાં આંબાવાડી ખાતે તા.૧૫-૧-૧૯૫૬માં આશ્રમશાળા શરૂ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય છૂટું પડ્યા બાદ આખા ગુજરાતમાં લગભગ ૬૩૦ આશ્રમશાળા કાર્યરત છે, જેમાં નર્મદા જિલ્લામાં ઘણી આશ્રમશાળા આવેલી છે. અને આંબાવાડી આશ્રમશાળા જીવંતસમાન બની ગઈ છે. ચાસવડ આશ્રમશાળામાં લંડનસ્થિત હંસરાજભાઈ પટેલ (મૂળ રહે.,ધર્મજ)ના સહયોગથી બનાવાયેલી “ઘેનુગીરશાળા”માં ગીરગાયનું દૂધ આંબાવાડી આશ્રમશાળામાં પીવડાવવામાં આવે છે. શુદ્ધ પૌષ્ટિક ખોરાક અને ટેક્નોલોજીના યુગમાં નાનાં બાળકો કમ્પ્યૂટર ટેક્નોલોજીનો લાભ લઈ પ્રાથમિક સ્તરે ઈ-મેઈલ કરતા થયાં છે. જો કે, “વિદ્યા ધન સાચું, બાકી બધું કાચું” આવું આદિવાસી સમાજના વડવાઓ કહેતા હતા. લગભગ ૨૦૦૯-૧૦થી ખુમાનસિંહ વાંસિયા મરોલી કસ્તુરબા સેવાશ્રમમાં ટ્રસ્ટી તરીકે જોડાયા. બાદ દિવસે ને દિવસે સંસ્થાનો નિરંતર વિકાસ થઇ રહ્યો છે. જે બાબતે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયા કહે છે કે, આ વખતે આંબાવાડી ગામે ધોરણ-૯ની પરમિશન મળી છે. એને અમારા મંડળે શ્રી કલ્યાણજી મહેતા માધ્યમિક આશ્રમશાળા નામ રાખવાનો નિર્ણય લીધો છે. આ સંસ્થાની ભૌતિક સગવડો ઊભી કરવા માટે આંબાવાડીમાં અદ્યતન સુવિધાનાં મકાનો બનાવ્યાં. સાથે આઠ વર્ગખંડ માટે ડાયમંડ નગરી સુરતથી માતુશ્રી કાશીબેન હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓએ ફેસિલિટીવાળું બિલ્ડિંગ બનાવી આપ્યું છે. આ સંસ્થાનો ધ્યેય એવો છે કે, અહીં અભ્યાસ કરતું બાળક આવતીકાલનો ઉત્તમ નાગરિક બનીને શૈક્ષણિક ક્ષેત્રે પણ આગળ વધે.
સિવણ તાલીમ ક્લાસ થકી મહિલાઓને રોજગારી મળશે
આંબાવાડીમાં ડેક્કનના સહયોગથી આશ્રમશાળામાં સિવણ ક્લાસ તાલીમ કેન્દ્ર ચાલુ કરાયું છે. આ સંસ્થાએ છેલ્લા આઠ મહિનાથી આંબાવાડી સહિત આજુબાજુનાં આઠ ગામોની મહિલાઓ માટે સિવણ તાલીમ ક્લાસ શરૂ કર્યો છે. દિલ્હીની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ગાઈડલાઈન મુજબ બહેનોને તાલીમ માટે એડમિશન અપાય છે, જેમાં ધો-૭મુ અભ્યાસ કરેલી બહેનો હોય, એને ડેક્કન કંપનીના CSRના સહયોગથી આંબાવાડી સિવણ ક્લાસ તાલીમ કેન્દ્રમાં સિલેક્ટ કરાય છે. હાલમાં આંબાવાડીની સિવણ ક્લાસ કરનારી બહેનોને સુરતમાં કંપનીએ મહિને રૂ.૭૫૦૦ના વેતનથી અને આવવા-જવાનો તમામ ખર્ચ કંપની આપશે એવું ટાયપ કર્યું છે. હમણા સુધીની ત્રણ બેચમાં ૬૬ બહેનોએ સિવણ ક્લાસ કર્યો છે..
પટેલ-રાજપૂત પરિવારને ૧૦મા ભાગે જમીન મળી
સાત દાયકા પહેલાં પૂર્વ ભાગમાં સાતપુડાની તળેટીમાં ખાલી પર્વત હતા. ત્યારે લેવલ કરવાનાં સાધનો કે વસ્તુઓ ન હતી. આખરે પરિશ્રમી લોકોએ વર્ષો સુધીની મહેનત બાદ જમીનો માંડ માંડ લેવલો કરી હતી. એ વખતે આંબાવાડીની બાજુમાં જ મુંબઈ કંપનીમાં ધનાઢ્ય પરિજનોના હાથમાં નાના મોટા પહાડોવાળી જમીન આવી હતી. એ જગ્યા જુઓ તો તદ્દન અનલેવલ અને તળેટીની દેખાય આવે. આવા પર્વતોને કોણ લેવલ કરે એ પ્રશ્ન ઉદભવતો હતો. એ વખતે મુંબઈના ધનાઢ્ય પરિજનો સાથે આઝાદીના લડવૈયા કલ્યાણભાઈ મહેતા (ગુજરાત વિધાનસભાના પહેલા તત્કાલીન સ્પીકર) સાથે ભેટો થયો. જો કે, આ બંને વચ્ચે પર્વતો અને પહાડોની જમીન છે એને સરખી કરવા માટે મહેનતકશ અને પરિશ્રમી લોકોની જરૂર હતી. જો કે, કલ્યાણજીકાકા આઝાદીના લડવૈયા અને ગાંધીજીના અનુયાયી હોવાથી દ્વિભાષી મુંબઈ સ્ટેટમાં અગ્રેસર ભૂમિકા ભજવતા હોવાથી છેલ્લા વિસ્તારમાં શિક્ષણનો પાયો નાંખવા માટે અને દરેક વ્યક્તિ સાથેનો સાનુકૂળ વ્યવહાર સાચવવા ભૂમિકા અદા કરી હતી. સુરત જિલ્લા સાથે સંકળાયેલા હોવાથી તેમની જમીન આંબાવાડીની બોમ્બે કંપનીમાં સુરત જિલ્લાના મોટા, વેરાવી, બારાસડી અને ખાનપુર સહિત ગામોમાંથી લગભગ ૧૬ જેટલા પટેલ-રાજપૂત પરિશ્રમી ખેડૂતોને લગભગ ૬૦૦ એકર જમીન ૧૦માં ભાગે આપી હતી. તેઓએ જમીનો તૈયાર કરવાની અને સ્થાનિક ધાન્ય પકવવાનું હોય હતું, જેમાં પરિશ્રમી ખેડૂત અથાક મહેનત કરતા હતા. સાથે જ આ વિસ્તારમાં આદિવાસી લોકોને શિક્ષણ મળે એ હેતુથી કલ્યાણજીભાઈ મહેતાએ ૧૯૫૬માં કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમશાળાનો પાયો નાંખ્યો હતો.
જે વખતે જમીન ૧૦માં ભાગે આપી એમાં ખાનપુરના છીતુભાઈ રામસિંહ ચૌહાણ તેમજ ઈશ્વરસિંહ જયસિંહ ચૌહાણ આંબાવાડીના મુંબઈ કંપની ખાતે આવી ખેતી કરવા જતા હતા. મહેનતકશ છીતુભાઈ ચૌહાણનો એ વેળા દબદબો હતો. તેમના પરિવારના ખાનપુરના ગંભીરસિંહ ચૌહાણ કહે છે કે, એ વખતે સુરત જિલ્લામાંથી આંબાવાડી જવા આવવા માટે ગાડા વ્યવહાર હતો. એ ૫થી ૬ ગાડા લઈને જતા-આવતા હતા. જો કે, સમયાંતરે લગભગ બેથી વધુ દાયકા બોમ્બે કંપનીના સુરતથી ગયેલા તમામે પહેલા નર્મદા પુનઃ વસવાટમાં જમીનો આપતાં ૧૯૮૪માં રાજપીપળા તરફના સ્થાનિકોએ વસવાટ કર્યો હતો.
ઘેનસિંગ વસાવા 5 વર્ષ આંબાવાડીના સરપંચ રહ્યા
સોનગઢની જે.કે.પેપર મિલમાં રીટાયર્ડ થાય એ પહેલાં ખોડાઆંબાના ઘેનસિંગભાઈ વસાવાએ પોતાના આંબાવાડી ગામમાં મુખિયાની જવાબદારી લીધી હતી. ૬૩ વર્ષીય ઘેનસિંગભાઈ રવજીભાઈ વસાવાએ આંબાવાડી કસ્તુરબા આશ્રમશાળામાં ધો.૧થી ૭નું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. એ વખતે નોકરી મેળવવી સરળ હતી. ઓછા શિક્ષણમાં પણ નોકરી મળી જતી હતી. ધો.૭મું પૂરું થતાં જ ધો.૮ માટે રાજપીપળાની અંબુભાઈ પુરાણી શાળામાં એડમિશન તો લીધું, પણ અધવચ્ચે ૧૯૭૯માં જ સોનગઢની જે.કે.પેપર મિલમાં નોકરી મળી જતાં ભણતર છોડી દીધું હતું. ૪૧ વર્ષની નોકરી કર્યા બાદ ઉંમરને કારણે ૨૦૨૦માં નોકરીમાંથી રીટાયર્ડ થયા હતા. જો કે, માદરે વતન તેમની પાસે પ્રવૃત્તિ માટે મીટ માંડીને બેઠું હતું. ૨૦૧૭માં આંબાવાડી ગ્રુપ પંચાયતની ચૂંટણી આવતાં ઘેનસિંગભાઈ વસાવાને સરપંચ પદે ઉમેદવારી કરતાં વિજેતા થયા હતા. ઘેનસિંગભાઈ વસાવાને પણ ગામમાં વિકાસનાં કામો થાય એવી તમન્ના હતી. જેને લઈ રસ્તાઓ, લાઈટો, મીની જલધારા યોજના, હેડપંપો જેવાં કામો કરીને ગામને સુવિધાઓથી સજ્જ બનાવ્યું છે. જો કે, ૨૦૨૨માં સરપંચની મુદત પૂરી થતાં હાલમાં વહીવટદાર કામ કરે છે. સરપંચ રહી ચૂકેલા ઘેનસિંગભાઈ વસાવા કહે છે કે, મારે મન ગામને સુવિધાનાં કામો મળે એનાથી વિશેષ શું હોઈ શકે. અમે સારાં કામો કર્યાં છે.
આજે પણ ગ્રામજનો માટે પુનિયાદાદા ઉર્ફે સ્વ. પુનિયાભાઈ વસાવાની ન્યાયપ્રિય તરીકેની અમીપ છાપ
ખોડાઆંબા ગામના ભૂતકાળમાં મોભી અને પોલીસ પટેલ રહેલા સ્વ.પુનિયાભાઈ હિદડાભાઈ વસાવાએ એક સંઘર્ષમયી જિંદગી થકી આજની નવી પેઢી માટે દિશા દેખાડનારા વ્યક્તિત્વની છાપ ઊભી કરી હતી. આઝાદી મળી ન હતી એ વખતે રજવાડાંનું રાજ ચાલતું હતું. પુનિયાભાઈ મૂળ તો સાગબારા તરફના હતા. જો કે, એ સમયે સાગબારાના રાજા દ્વારા માનસિક ત્રાસને લઈને આખરે રાજપીપળા રાજાએ ચીકદા ખાતે જમીન આપતાં પુનિયાભાઈ સહિત ભાઈઓના કુટુંબકબીલાએ સ્થળાંતર કરી વરસાટ કર્યો હતો. જો કે, આ વિસ્તાર પણ ફરીવાર સ્થાનિક રાજાના હાથમાં આવતાં અસહ્ય ત્રાસથી બેબસ હતા. જેને લઈને પુનિયાભાઈએ રાજપીપળાના રાજા પાસે જઈ આ વેદના વ્યક્ત કરી હતી. ત્યારે રાજાએ ખોડાઆંબા પાસે જમીન આપતાં વસવાટ કર્યો હતો.
ખોડાઆંબામાં પુનિયાભાઈ વસાવા એ વડીલતુલ્ય હોવાથી હંમેશાં ન્યાયપ્રિય હતા. રાજપીપળાના રાજા આ વિસ્તારમાં શિકાર કરવા આવ્યા હતા. ત્યારે પુનિયાભાઈ પણ અદભૂત રીતે શિકાર કરતા હોવાથી રાજપીપળાના રાજાની મહેમાન બનતા હતા. પુનિયાભાઈના દીકરા મોતીલાલ વસાવા કહે છે કે, ખોડાઆંબામાં સ્કૂલ ચાલુ કરીને એક શિક્ષકનો પગાર મારા પિતાજી આપતા હતા. તેઓ ઘોડા પણ રાખતા હતા. આઝાદી પહેલાં કલ્યાણજીકાકા અને મોરારજીભાઈ દેસાઈ (તત્કાલીન ગોધરાના પ્રાંત અધિકારી હતા એ વખતે) પણ અમારા વિસ્તારમાં હોવાથી ઘરોબો સારો હતો. કલ્યાણજીકાકા (ગુજરાત વિધાનસભાના પહેલા સ્પીકર કલ્યાણજીભાઈ મહેતા) અહીં ઘણીવાર આવતા હોવાથી તેમની યાદમાં કલ્યાણ ગામ (બોમ્બે કંપની) નામ રાખેલું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પુનિયાભાઈ વસાવાએ રજવાડા વખતે આપેલી જમીન અને કલ્યાણભાઈ મહેતાની ૪૦૦ હેક્ટર જમીનમાં પણ એક રૂપિયામાં એક એકર જમીન અમે પણ વેચાતી લીધેલી. આઝાદી બાદ પુનિયાભાઈનાં સંતાનોએ અભ્યાસ કરાવીને એક દીકરીનાં લગ્ન કરાવ્યાં હતા. તેમનાં પતિ સ્વ.ચંદુભાઈ દેશમુખ ચાર ટર્મ ભરૂચના તત્કાલીન સંસદ સભ્ય થઇ ગયા અને તેમના પુત્ર મોતીલાલ વસાવા ડેડિયાપાડા વિધાનસભાના ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
મોતીલાલ વસાવા સતત ત્રણ ટર્મ ધારાસભ્ય રહ્યા
ત્રણ દાયકા પહેલાં પૂર્વ ભાગ ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો ગઢ મધ્યાહને તપતો હતો. એ વખતે ડેડિયાપાડા ભાજપમાંથી નેત્રંગ તાલુકાના એક પ્રોફેસરને ટિકિટ આપી દીધી, બેનેરો પણ છપાઈ ગયાં. જો કે, આઈબીનો ખાનગી રિપોર્ટ એવો હતો કે, આ ભાજપનો ઉમેદવાર જીતી ન શકે. જો કે, તત્કાલીન જિલ્લા પ્રમુખ ખુમાનસિંહ વાંસિયાએ દરેક સીટમાં કમળ ખીલે એવી અભિલાષા હતી. જેથી તેમણે પ્રદેશના તત્કાલીન ભાજપ મહામંત્રી નરેન્દ્ર મોદી (આજના દેશના PM)ને વિચક્ષણ બુદ્ધિ ક્ષમતા ધરાવતા સંગઠનાત્મક રીતે આ ઉમેદવારની જગ્યાએ જુવાનજોધ મોતીલાલ વસાવાને ટિકિટ આપો તો જીતી શકે એમ લાગે છે એવો મેસેજ પહોંચાડ્યો હતો. તેમનું કુટુંબ પણ મોટું અને તેમના બનેવી તત્કાલીન સાંસદ ચંદુભાઈ દેશમુખ હોવાથી તેમની મહેનતથી આરામથી જીતી શકે એમ છે. આ વાત નરેન્દ્ર મોદીને ગળે ઊતરતાં પ્રદેશ નેતાગીરીએ પણ સ્વીકાર કર્યો ને આખરે મોતીલાલ વસાવાના નામનો મેન્ડેટ આપ્યો હતો. જો કે, ૨૭ વર્ષના શિક્ષિત જુવાનજોધ ખોડાઆંબાના આદિવાસી યુવાન મોતીલાલ પુનીયાભાઈ વસાવાને હજુ રાજકારણનો પાઠ શીખવાનો બાકી હતો. પણ તેમનો હસમુખો ચહેરો અને આકર્ષિત વ્યક્તિત્વ જોતાં જ આમ જનતા માટે લીડરશીપના ગુણ દેખાઈ આવતા હતા.
૧૯૯૦ની સાલમાં ભરૂચ અને નર્મદા બંને જિલ્લા અલગ પડ્યા ન હતા. એ વખતે ડેડિયાપાડા બેઠકમાં કોંગ્રેસના ગઢમાં ભરૂચ જિલ્લા ભાજપ હાઈકમાન્ડ દ્વારા માઈક્રોપ્લાનિંગ હેઠળ સરવે કરાયો હતો. ભરૂચ જિલ્લો અકબંધ હોવાથી તેમના બનેવી ને તત્કાલીન સાંસદ ચંદુભાઈ દેશમુખને સાળા મોતીલાલને ભાજપમાંથી ટિકિટ મળે એવો આગ્રહ હતો. તા.૧/૬/૧૯૬૩ના રોજ જન્મેલા મોતીલાલ વસાવા રાજકારણમાં ઊભરતો ચહેરો બન્યો. આખરે ૧૯૯૦માં ડેડિયાપાડા બેઠકના ઉમેદવાર મોતીલાલના માથે કળશ ઢોળાયો હતો. મોતીલાલે ચૂંટણીનો પ્રચાર કરી આખા વિસ્તારમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો. એ વખતે હિન્દુત્વની લહેર આદિવાસી પટ્ટાના ઘરમાં ભરાઈ ગઈ હતી. જેને લઈને મોતીલાલ વસાવાને ૨૦૬૦૬ મત મળતાં પ્રતિસ્પર્ધી કરતાં ૨૫૭૮ મતે વિજયી થતાં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. ૧૯૯૫માં ફરીવાર વિધાનસભા સભાની ચૂંટણી આવતાં ભાજપમાંથી મોતીલાલ વસાવા સામે કોંગ્રેસની જગ્યાએ અપક્ષ ઉમેદવાર ટક્કરમાં હતા. તેની સામે બાથ ભીડીને મોતીલાલે ૫૦,૩૩૦ મત મેળવી અપક્ષ પ્રતિસ્પર્ધી સામે ૨૫,૫૦૮ મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. ૧૯૯૬માં રાજ્ય સરકારમાં વન મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો પણ મળ્યો હતો. ત્યારબાદ લગભગ પંદર વર્ષ બાદ ૨૦૧૨માં ફરીવાર ડેડિયાપાડા બેઠક પરથી ટિકિટ માટે ભાજપ સર્વેસર્વા તત્કાલીન CM અને આજના PM નરેન્દ્ર મોદીએ ભાજપના ઉમેદવાર તરીકે મોતીલાલનું નામ જાહેર કર્યું હતું. ઘણા સમયથી ગુમાવેલી ડેડિયાપાડા બેઠક ૫૬,૪૭૧ મત મળતાં કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં ૨૫૫૫ મતની સરસાઈથી વિજેતા થયા હતા. સાથે જ મોતીલાલ ૩૩ વર્ષથી ભાજપના સંગઠનમાં સંકળાયેલા હતા. વર્ષ-૧૯૯૧માં ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકે, ૧૯૯૩, ૨૦૦૪, ૨૦૧૨ અને ૨૦૨૦ ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય તરીકે, ૨૦૧૫માં પ્રદેશ ભાજપ એસટી મોરચાના પ્રમુખ પદ નિભાવ્યું છે. જ્યારે ૨૦૨૧થી ભાજપ રાષ્ટ્રીય (એસટી મોરચો) કાર્યકારણી સભ્ય તરીકે બખૂબી જવાબદારી નિભાવી છે.
ભરૂચના તત્કાલીન સાંસદ સ્વ.ચંદુભાઈ દેશમુખ સતત ચાર ટર્મ સાંસદ રહ્યા
૧૯૮૯ના વર્ષમાં ભરૂચ લોકસભા સીટમાં પહેલી વખત ચંદુભાઈ દેશમુખ સાંસદ બન્યા હતા. સતત ચાર ટર્મ વિજેતા બનેલા ચંદુભાઈ શનાભાઈ દેશમુખનું ૧૯૯૮માં દુઃખદ અવસાન થયું હતું. ચંદુભાઈ દેશમુખની સાસરી ખોડાઆંબા ગામ હતી. ચંદુભાઈનો જન્મ તા.૫ ઓગસ્ટ-૧૯૪૦માં થયો હતો. તેમણે બી.એ.બીએડ સુધી અભ્યાસ કર્યો હતો. તેમણે ખોડાઆંબાનાં રૂખાબેન વસાવા સાથે વર્ષ-૧૯૬૭માં લગ્ન કર્યાં હતાં. ચંદુભાઈમાં અભ્યાસકાળથી જ નેતાગીરીના ગુણ હતા. પહેલા શિક્ષક અને પત્રકારત્વ બાદ રાજકીય ક્ષેત્રે જનતા પાર્ટીમાં જોડાયા હતા. ૧૯૭૭-૭૯માં જનતા પક્ષમાંથી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય બન્યા બાદ બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં વન, આદિજાતિ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી બન્યા હતા. એ બાદ ૧૯૮૯માં પહેલી વખત ભાજપમાંથી ભરૂચ લોકસભામાં ચંદુભાઈ દેશમુખ ચૂંટણીમાં વિજેતા થયા બાદ સતત ચાર ટર્મ સાંસદ રહ્યા હતા. ત્રણ દાયકા પહેલાની તેમની યાદો સાસરી ખોડાઆંબામાં આજે પણ જીવંત છે. તેમને બે દીકરા અને બે દીકરી છે. આજે નાંદોદ બેઠકમાંથી તેમની દીકરી ડો.દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવે છે.
સુરતના વાંઝના કલ્યાણજીકાકાએ છેક સાતપુડાની પર્વતમાળામાં શિક્ષણની ધૂણી ધખાવી હતી
તા.૭મી નવેમ્બર-૧૮૯૦ના રોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે કલ્યાણજીભાઈ મહેતાનો જન્મ થયો હતો. કલ્યાણજીભાઈ પટેલ પરિવારના હોવાથી પિતાજી વિઠ્ઠલભાઈ સમૃદ્ધ ખેડૂત અને વેપારી હતા. કલ્યાણજીભાઈનું પ્રાથમિક શિક્ષણ માદરે વતન વાંઝ ગામે હોવાથી બાળપણમાં શાળા શિક્ષક ઈચ્છાભાઈ રતનભાઈ નાયકના રાષ્ટ્રવાદી અને સમાજ સુધારાના વિચારોનો ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો હતો. ગાંધીજી, સરદાર પટેલ, સ્વામી અખંડાનંદજી અને મોતીભાઈ અમીનનો પ્રભાવ પણ હતો. તેમણે ભગવદ્ ગીતા, ઉપનિષદો, સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થના ગ્રંથો વાંચ્યા હતા. તેઓ ગામની વાંઝ શાળામાં શિક્ષક બન્યા. ૧૯૧૭માં એની બેસન્ટને અટકાયતમાં રાખ્યાં ત્યારે નોકરીને તિલાંજલિ આપી રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સુરત જિલ્લામાં હોમરૂલ લીગની શાખાઓ સ્થાપીને ગામડાંમાં તેનો પ્રચાર કર્યો. એ જ વર્ષે ખેડા સત્યાગ્રહમાં ભાગ લઈ સરદાર પટેલના સંપર્કમાં આવ્યા. રોલેટ કાયદાનો વિરોધ, અસહકાર ચળવળ, ટીળક સ્વરાજ ફાળા, સુરત સુધરાઈનો કબજો, બારડોલીમાં ના-કરની લડતમાં ગામેગામ ફરીને ખેડૂતોને તૈયાર કરી ભાગ લીધો. ગાંધીજીની ધરપકડ બાદ કલ્યાણજીકાકાએ ‘નવયુગ’ નામથી ગુજરાતી સાપ્તાહિક શરૂ કરીને તંત્રીપદ સંભાળ્યું. રાજદ્રોહી લેખ માટે તેમણે બે વર્ષની સજા ભોગવી. ૧૯૨૫માં સ્વરાજ આશ્રમ બારડોલીની સ્થાપના કરીને સંચાલનમાં ફાળો આપ્યો.
સરદાર પટેલ કલ્યાણજીભાઈ મહેતાના રાજકીય ગુરુ હતા
કલ્યાણજીકાકાએ ૧૯૩૦માં ગાંધીજીએ કરેલી કૂચ બોરસદ તાલુકાના કંકાપુરને બદલે દાંડી સુધી લંબાવવાનું સૂચન કર્યું હતું. આ લડતમાં ભાગ લેતાં એક વર્ષની કેદ થઇ હતી. ૧૯૩૧માં મરોલી કસ્તુરબા આશ્રમની સ્થાપના કરી. આ સાથે દેશની આઝાદીની લડતમાં સહભાગી બન્યા. ૧૯૩૨માં કલ્યાણજીભાઈની સવિનય કાનૂન ભંગની ચળવળના બીજા તબક્કામાં ધરપકડ થઇ અને એમના બંને ભાઈઓ સહિતની મિલકતો સરકારે જપ્ત કરી વેચી દીધી તેમજ બે વર્ષની કેદની સજા થઇ હતી. ૧૯૪૨માં હિંદ છોડો ચળવળ શરૂ થતાં તેમની ધરપકડ કરાઈ ને બે વર્ષની સજા કરવામાં આવી હતી. દેશની આઝાદી પહેલા સુરત જિલ્લાનો મહેનતકશ પાટીદાર સમાજ વાલિયા તાલુકાની નવી વસાહતના ખેડૂત રાષ્ટ્રીય આંદોલનથી પણ વાકેફ હતો. એ માટે ચાસવડ ગામે નવી વસાહતમાં શ્રી ઠક્કરબાપાના પ્રમુખ સ્થાને રાજપીપળાની પ્રજાનું લોકસભા અધિવેશન ભરાયું હતું. બારડોલી સત્યાગ્રહમાં જેની જમીન મહેસૂલ ભરવાના કારણે જપ્ત થયેલી એવા સ્વાતંત્ર્યસેનાની મોરારભાઈ કરસનભાઈને કેલ્વીકૂવા ગામે ૮૦ એકર જમીનની ભેટ આપી હતી. તેમજ ચાસવડ ગામે રાનીપરજ સેવા સંસ્થાનાં મીઠુબેન પીટીટ તેમજ કલ્યાણજીભાઈ મહેતાના પ્રયાસથી દવાખાનું ખોલવામાં આવ્યું. ઉપરાંત શાળા પણ શરૂ કરવામાં આવી હતી. આ સંસ્થાના નિભાવ માટે નવી વસાહતોએ ૨૦૦ એકર જમીન ભેટ આપી હતી. દેશની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ કલ્યાણજીભાઈ ૧૯૫૭માં મુંબઈ વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાતની ૧૯૫૦માં સ્થાપના થતાં ગુજરાત વિધાનસભાના પહેલા સ્પીકર બન્યા હતા. સરદાર પટેલ કલ્યાણજીભાઈ મહેતાના રાજકીય ગુરુ હતા. અને તેમના જેવી વ્યવસ્થાશક્તિ કલ્યાણજીભાઈ પણ ધરાવતા હતા. તેમને ૧૯૬૭માં ભારત સરકાર તરફથી ‘પદ્મભૂષણ’ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.