Gujarat

ગુજરાતમાં ફરી થશે મેઘમહેર: હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. બંગાળના ઉપસાગરમાં બનેલ ડીપ ડિપ્રેશનના પગલે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આગામી 48 કલાક માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના માથે વરસાદની બે સિસ્ટમ સર્જાઇ છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આ બે વરસાદી સિસ્ટમને કારણે આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો આ સાથે આજે (રવિવાર – ચોથી ઓગસ્ટ) સાંજે સાત વાગ્યા સુધીમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલીમાં સામાન્ય ગાજવીજ સાથે પવન ફૂંકાવાની આગાહી છે. આ સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસશે. આ સાથે તેમણે જણાવ્યુ કે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે સુરત, તાપી, ડાંગ, પાટણ અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળનાં સાગરમાં ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના તમામ જીલ્લામાં 2 થી 7 ઈંચ જેટલો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા, ખેડા, મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શકયતા છે. પોરબંદર, દ્વારકા અને જામનગર વિસ્તારમાં વરસાદની શક્યતા છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 12થી 16 ઓગસ્ટ વચ્ચે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. 

Most Popular

To Top