ત્રણ દાયકા અગાઉ ઓનલાઇન બૂકસેલર તરીકે એમેઝોનની સ્થાપના કરનાર જેફ બેઝોસ હવે 1.7 લાખ કરોડ અમેરિકી ડૉલરના મૂલ્યની આ વૈશ્વિક ઇ-કૉમર્સ જાયન્ટના સીઇઓ પદેથી રાજીનામું આપશે અને કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે. બેઝોસે કહ્યું કે તેઓ એમના અન્ય સાહસો અને પેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. બુધવારે જ એમેઝોને જાહેરાત કરી હતી કે તેનું ચોખ્ખું વેચાણ 38% વધીને 386.1 અબજ અમેરિકી ડૉલર થયું છે. 2019માં તે 280.5 અબજ ડૉલર હતું. એમેઝોને કહ્યું કે 2021ના ત્રીજા ત્રિમાસિકમાં જેફ એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકામાં આવી જશે. કંપનીના ક્લાઉડ બિઝનેસ, એમેઝોન વેબસર્વિસના સીઇઓ એન્ડી જેસી એ સમયે કંપનીના નવા સીઇઓ બનશે.
એમેઝોનના 13 લાખ કર્મચારીઓને પાઠવેલા ઇ મેલમાં બેઝોસે કહ્યું કે તેઓ એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકામાં તેમની ઉર્જાઓ-શક્તિઓને નવી પ્રોડક્ટ્સ અને વહેલી પહેલ પર કેન્દ્રિત કરવા માગે છે. સીઇઓ તરીકે બહુ ઉંડી જવાબદારી હોય છે. આ જવાબદારી સાથે બીજા કશા પર ધ્યાન કેન્દ્રિત કરવું બહુ મુશ્કેલ છે. નવી ભૂમિકા સાથે હું એમેઝોનની મહત્વની પહેલોમાં રોકાયેલો રહીશ પણ બેઝોસ અર્થ ફંડ, બ્લુ ઑરિજિન જેવી અન્ય પહેલ પર પણ ધ્યાન આપવાની જરૂર હોવાથી આ માટે મને જરૂરી સમય અને શક્તિ મળી રહેશે. આ નિવૃત્તિની વાત નથી. આ નવી સંસ્થાઓને હોઇ શકે એવી ગાઢ અસર અંગે હું અતિ ઉત્તેજિત છું.
બેઝોસે કહ્યું કે એમેઝોનની યાત્રા 27 વર્ષ અગાઉ શરૂ થઈ જ્યારે કંપની એક વિચાર માત્ર હતી અને કોઇ નામ ન હતું. એ વખતે મને ઘણી વાર પૂછાતું કે ઇન્ટરનેટ શું છે? સદનસીબે મારે લાંબો સમય એનો ખુલાસો ન કરવો પડ્યો. આજે આપણા 13 લાખ કર્મચારીઓ છે, કરોડો ગ્રાહકો અને ધંધાઓને સેવા આપીએ છીએ, અને વિશ્વની સૌથી સફળ કંપનીઓમાં ગણના થાય છે. આ કેવી રીતે શક્ય બન્યું? શોધ-કલ્પના. આપણી સફળતાનું મૂળ શોધ અન નવસર્જન છે. મને નથી લાગતું કે એમેઝોન સિવાય કોઇ કંપનીનો શોધનો ટ્રેક રેકોર્ડ હોય. હું માનું છું કે એમેઝોન હાલ સૌથી ઇન્વેન્ટિવ છે.
1995માં ઓનલાઇન બુકસ્ટોર તરીકે એમેઝોનની સ્થાપના થઈ ત્યારથી સીઇઓ
1995માં એમેઝોનની સ્થાપના થઈ ત્યારથી જેફ કંપનીના સીઇઓ રહ્યા છે. ઓનલાઇન પુસ્તકો વેચતી કંપનીને તેમણે વૈશ્વિક રિટેલ અને લૉજિસ્ટિક જાયન્ટમાં ફેરવી નાખી. એના પરિણામે જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન પામે છે.
બેઝોસની નજર હવે સ્પેસ અને ક્લાઇમેટ ચેન્જ પર રહેશે
બેઝોસ હવે એમના અન્ય સાહસો અને પેશન્સ ‘બેઝોસ અર્થ ફંડ’, ‘બ્લુ ઑરિજિન’ પર ધ્યાન આપવા માગે છે.
બ્લુ ઑરિજિન
આ સ્પેસ ટુરિઝમ પ્રોજેક્ટ છે અને બેઝોસે 2000માં શરૂ કર્યો હતો. તેણે સિંગલ રોકેટ સફળતાપૂર્વક છ વાર ઉપયોગમાં લીધું છે. હવે તેઓ તેઓ હરીફ એલન મસ્ક (ટેસ્લા-સ્પેસ એક્સ) સાથે સ્પેસ સ્પર્ધામાં છે.
ધ ડે 1 ફંડ
બેઝોસે એના બે અબજ ડૉલરના દાન સાથે પોતાની પૂર્વ પત્ની જોડે 2018માં આની શરૂઆત કરી. હાલના નહીં નફાના ઉદ્દેશવાળા સંગઠનોને ફંડિંગ માટે એની સ્થાપના થઈ.
બેઝોસ અર્થ ફંડ
ફેબ્રુઆરી 2020માં 10 અબજ ડૉલર સાથે એની શરૂઆત થઈ. ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે તે વૈજ્ઞાનિકો, અને એને લગતી પ્રવૃત્તિઓમાં રોકાણ કરે છે.
વૉશિંગ્ટન પૉસ્ટ
બેઝોસે આ અખબારને 2013માં ખરીદ્યું હતું. ત્રણ વર્ષમાં તેમણે એનો વેબ ટ્રાફિક બમણો કરી દીધો હતો.
બેઝોસના અન્ય વળગણો
સેલ્ફ ડ્રાઇવિંગ કાર- જૂન 2020માં એમેઝોને સેલ્ફ ડ્રાઇવિંગ ટેક્સી કંપની ઝૂક્સ ખરીદી લીધી.
ઇન્ટરનેટ સેટેલાઇટ- એમેઝોનનો પ્રોજેક્ટ કુઇપેર 3000થી વધુ ઇન્ટરનેટ સેટેલાઇટને પૃથ્વીની નિમ્ન ભ્રમણકક્ષામાં મોકલવા ધારે છે.