National

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, 65 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

નવી દિલ્હી: હવામાન બગડવાના કારણે અમરનાથ યાત્રા(Amarnath Yatra)ને રોકી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવામાન(Weather)માં સુધારો થતા જ ફરી યાત્રા શરુ કરશે. હાલમાં હવામાનને ધ્યાનમાં રાખીને પહેલગામ અને બાલતાલ બંને જગ્યાએથી પવિત્ર ગુફા તરફ મુસાફરો(traveler)ની અવરજવર હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદનાં કારણે હવામાન ખરાબ થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 65 હજાર શ્રદ્ધાળુઓ પવિત્ર બર્ફાની બાબાનાં દર્શન કરી ચુક્યા છે.

ભક્તોની છઠ્ઠી ટુકડી રવાના
સોમવારે 7,200 થી વધુ શ્રદ્ધાળુઓનો છઠ્ઠો બેચ જમ્મુથી બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે કડક સુરક્ષા વચ્ચે રવાના થયો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કડક સુરક્ષા વચ્ચે કુલ 7,282 શ્રદ્ધાળુઓ ભગવતી નગર યાત્રી નિવાસથી 332 વાહનોના કાફલામાં નીકળ્યા હતા. જેમાં 5,866 પુરૂષો, 1,206 મહિલાઓ, 22 બાળકો, 179 સાધુ અને નવ સાધ્વીઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાલતાલ જઈ રહેલા 2,901 તીર્થયાત્રીઓ 150 વાહનોમાં સવારે 3.40 વાગ્યે રવાના થયા હતા. આ પછી 182 વાહનોનો બીજો કાફલો 4,381 શ્રદ્ધાળુઓને લઈને પહેલગામ જવા રવાના થયો હતો. આ યાત્રા 11 ઓગસ્ટે રક્ષાબંધનના અવસર પર સમાપ્ત થશે.

ઉપરાજ્યપાલે બાલટાલ બેઝ કેમ્પની મુલાકાત લીધી
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોમવારે અમરનાથ યાત્રા માટે સ્થાપિત બાલટાલ બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. ઉપરાજ્યપાલ બાલતાલ બેઝ કેમ્પ ખાતે યાત્રાળુઓ, અધિકારીઓ, ખચ્ચર સાથે વાર્તાલાપ કરે છે. સુવિધાઓ, સેવાઓની ગુણવત્તા, મુસાફરો, સ્વયંસેવકોની સુખાકારી વિશે પૂછપરછ કરી અને કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું હતું.

યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા કડક
સોમવારે જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે પાકિસ્તાનમાંથી સ્મગલ કરેલા સ્ટીકી બોમ્બને “ગંભીર ખતરો” ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે લગભગ 150 આતંકવાદીઓ સરહદ પાર હાજર છે, પરંતુ સુરક્ષા દળો સંપૂર્ણ એલર્ટ પર છે. સુરક્ષા દળોએ ઘાટીમાં ઘૂસવાની આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. પરંતુ અમરનાથ યાત્રા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top